ઘટના બાદ ફરી મંડપ ઉભો કરી અને ધાર્મિકવિધિ પૂર્ણ કરવામાં આવી
16 લોકો ઈજાગ્રસ્ત; હજારોની સંખ્યામાં નાસભાગ મચી
મંડપની ઉંચાઇ 50થી 55 ફૂટની જેટલી : મંડપનું એક દોરડું તૂટી જતાં મંડપ ધરાશાયી થયો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.11
- Advertisement -
પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીર મંડપ મહોત્સવમાં આજે બુધવારે સવારે એક દુર્ઘટના સર્જાઈ હતી. મંડપ ઊભો કરવાની કામગીરી દરમિયાન અચાનક એ ધરાશાયી થયો હતો. મળતી માહિતી અનુસાર, અંદાજે 50થી 55 ફૂટ ઊંચો મંડપ હતો. મંડપ ધરાશાયી થવાથી નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું તથા 16 લોકોને ઈજાઓ પહોંચી છે.
પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરના મંડપ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું, જેમા આજે બુધવારે સવારના સમયે મંડપ ઊભો કરવામાં આવ્યો એ દરમિયાન એકાએક એ નીચે પટકાયો હતો, જેના કારણે એક વ્યકિતનું મોત થયું હતું, જ્યારે 16 જેટલા લોકોને ઇજા થઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરના મંડપ મહોત્સવના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમા મંગળવારની રાત્રિના જ મોટી સંખ્યામા લોકો ઊમટી પડ્યા હતા. આજે બુધવારે સવારના સમયે મંડપ ઊભો કરવાનું મુહૂર્ત હતું. જ્યારે મંડપ ઊભો કરવામાં આવી રહ્યો હતો ત્યારે કોઇ કારણસર એ નીચે પટકાયો હતો.
મંડપ પટકાવાથી એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યાારે નાસભાગને કારણે 16 જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. મંડપ મહોત્સવમાં હજારોની સંખ્યામા લોકો એકત્રિત થયા હતા.
મંડપ ધરાશાયી થતાં લોકોમાં અફરાતફરી મચી હતી. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત પામેલા 16 લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોકોને દૂર કર્યા હતા. આ દુર્ઘટનામા વનરાજભાઇ નવઘણભાઇ ગોરાણિયા નામના પૌઢને માથાના ભાગે ઇજા થવાને કારણે તેમનું મોત થયું. વનરાજભાઇ ગોરાણિયા સરકારી હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડમાં ફરજ બજાવે છે. આજે સવારે તેઓ હોસ્પિટલ ખાતે ફરજ બજાવીને મંડપનાં દર્શન કરવા માટે ગયા હતા. એ દરમિયાન તેમને માથાના ભાગે ઇજા પહોંચતાં તેમનું મોત થયું હતું. આ બનાવને લઇ ભારે ગમગીની છવાઇ ગઇ હતી.
આ વિસ્તારના લોકો રામદેવપીર પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. સમયાંતરે ચોપાટી ખાતે મંડપ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. આવી દુર્ઘટના ભાગ્યે જ બને છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.
- Advertisement -
ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખરિયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી સહિતનાં આગેવાનોએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને મળીને તેમના ખબરઅંતર પૂછ્યા તેમજ તેમની સારવાર અંગે હોસ્પિટલ સ્ટાફ સાથે ચર્ચા કરીને જરૂરી તમામ સારવાર પૂરી પાડવા સૂચનાઓ આપી હતી.