નેતાઓ રાજકીય રંગે રંગાયા, મતદારોને યેનકેન રીતે રિઝવવા પ્રયાસ
આપના ઉમેદવારની સભામાં ભાજપના કાર્યકર દ્વારા હોબાળો
- Advertisement -
ભાજપે ચૂંટણી જીતવા પ્રદેશથી કેન્દ્ર સુધીના નેતાઓની ફોજ ઉતારી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા ત્રણેય પક્ષોએ પ્રતિષ્ઠાનો જંગ બનાવી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. અને નેતાઓ રાજકીય રંગે રંગાયા છે. અને મતદારોને એનકેન પ્રકારે રીઝવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ પેટા ચૂંટણી જીતવા ગુજરાતથી લઇ કેન્દ્રના નેતાઓની ફોજ ઉતારી દીધી છે. અને ગામે ગામ ગ્રુપ મિટિંગ સાથે સભાઓ ગજવીને મતદારો પાસે વોટ આપવા અપીલ કરી રહ્યા છે. ગત રાત્રીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાની જાહેરસભા વિસાવદરના જીવાપરા યોજાઈ હતી ત્યારે આ સભામાં ભાજપ નગરસેવકના પુત્ર સહીત અમુક લોકોએ સભામાં હોબાળો મચાવી હુમલાનો પ્રયાસ કરતા થોડીવાર માટે વાતાવરણ ડોહળાઈ ગયું હતું અને સભામાં ધમાલ મચાવી હુમલો કરનાર તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવાની ગોપાલ ઈટાલીયા તેના સમર્થકો સાથે પોલીસ સ્ટેશન સામે ધરણા ઉપર ઉતરી ગયા હતા અને ભાજપ સામે પ્રહારો કરીને ચૂંટણીમાં માહોલ બગાડનાર સામે કડક કાર્યવાહી માંગ કરી હતી. જયારે ભાજપે પણ વિસાવદરની વિધાનસભા પેટા ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવી ભાજપના પ્રદેશ સંગઠન નેતાઓ સાથે કેન્દ્રીય મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યો સહીત રાજ્યના કાર્યકરોની ફોજ ઉતારી દીધી છે. અને ચૂંટણી જીતવા મેદાનમાં ઉતરી ગયા છે.
આ પ્રતિષ્ઠા ભરેલ વિસાવદર પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પણ સમગ્ર વિધાનસભામાં ગામે ગામ કોંગ્રેસ નેતાઓ સભા ગજવી રહ્યા છે. અને સામે પક્ષે આયાતી ઉમેદવારને ઘરે બેસાડવા માટે મત માંગવાની અપીલ કરીને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આમ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી ત્રણેય પક્ષોએ પ્રતિષ્ઠાનો જંગ બનાવી મેદાનમાં ઉતર્યા છે. ત્યારે હવે જયારે તા. 18 જૂને મતદાન છે. ત્યારે મતદારો કયાં ઉમેદવાર ઉપર જીતનો કળશ ઢોળશે તેતો આગામી ચૂંટણી પરિણામ પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે.