ભાજપમાં નવા સંગઠનની રચના પહેલાં મહત્ત્વનો નિર્ણય
કોંગ્રેસ કે અન્ય પક્ષમાંથી આવનારા મંત્રી બને, પરંતુ સંગઠનમાં ટોચના સ્થાને ન રહે તેવો આશય
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનની ચાલતી પ્રક્રિયા બાબતે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી દિવસોમાં મંડલ પ્રમુખો, જિલ્લા અધ્યક્ષની થનારી નિમણૂક માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ હતી. જેમાં મંડલ (વોર્ડ-તાલુકા) પ્રમુખની નિમણૂક માટે વધુમાં વધુ 40 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે, આમ છતાં જો યોગ્ય ઉમેદવાર ન મળે તો પ્રદેશ કક્ષાએથી મંજૂરી લઇને 45 વર્ષની છૂટ આપવામાં આવી હોવાનું સૂત્રોનું કહેવું છે.
ઉલ્લેખનીયે છે કે, ગત 23 નવેમ્બરના રોજ વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપની જીત બાદ સુરતમાં એક કાર્યક્રમમાં મંચ પરથી સી. આર. પાટીલે પોતાના પ્રદેશ અધ્યક્ષ પદ પરથી વિદાય અને સંગઠનના ફેરફાર અંગેની વાત કરી હતી. હવે ટૂંક સમયમાં જ ભાજપના નવા અધ્યક્ષની નિમણૂક થશે તેવી પૂરી સંભાવના છે. ઉપરાંત એવો પણ નિયમ લાવવામાં આવ્યો છે કે, બે ટર્મ સુધી સક્રિય સભ્ય હોય તેમને જ મંડળના અધ્યક્ષ બનાવવાના રહેશે, જેને કારણે મૂળ ભાજપના કાર્યકરોને સંગઠનમાં સ્થાન મળે અને કોંગ્રેસ કે અન્ય પક્ષમાંથી આવનારા ભલે મંત્રી બને પણ સંગઠનમાં ટોચના સ્થાન પર ન રહે તો આંતરિક ક્લેશ ટાળી શકાય તેવો હેતુ હોવાનું જાણવા મળ્યું છે. પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, રાષ્ટ્રીય ચૂંટણી સમિતીના સભ્ય રાજદીપ રોયજી, સંગઠન મહામંત્રી રત્નાકરજી, કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ-કાકા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
15 ડિસેમ્બર સુધીમાં મંડલ અધ્યક્ષની નિમણૂક કરાશે
લોકસભા અને રાજ્યસભાના સાંસદો દિલ્હીથી ઓનલાઇન જોડાયા હતા. આ બેઠકમાં મુખ્યત્વે આગામી સમયમાં ભાજપના પ્રદેશ સંગઠનની થનારી રચના પર વાતચીત થઇ હતી. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને રાષ્ટ્રીય ચૂંટણી સમિતિના સભ્ય રોયજીએ સંબોધન કર્યુ હતું. મંડલ અધ્યક્ષ નિમણૂક 5થી 15 ડિસેમ્બર સુધીમાં કરવાની રહેશે. જિલ્લા અધ્યક્ષ માટે કોઇ વયમર્યાદા રાખવામાં આવી નથી.
સદસ્યતા અભિયાનમાં બે કરોડનો ટાર્ગેટ પૂર્ણ ન થયો: પાટીલ
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઊચો લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે ટેવાયેલા છે. તેમણે પ્રદેશ કક્ષાએ બે કરોડ સદસ્ય બનાવવાનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે બાદમાં આ ટાર્ગેટને ઘટાડવો પડ્યો હોવાથી તેમણે બુધવારે નેતાઓને ટકોર કરી હતી કે, તમને બે કરોડનો ટાર્ગેટ આપ્યો હતો, પણ તે કરી શક્યા નહીં. આ પછી ઘટાડીને 1.5 કરોડ સદસ્ય બનાવવાનો ટાર્ગેટ આપ્યો તે પણ કરી શક્યા નહીં. તેમની ટકોરથી નેતાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા.
પ્રદેશ સંગઠનની નિમણૂક વચ્ચે નવા પ્રમુખ આવી શકે
પ્રદેશ કાર્યાલય પર મળેલી બેઠક પછી એક બાબત પર ચર્ચા થઇ રહી હતી કે, પ્રદેશ સંગઠનની રચના ચાલે છે. આ રચના ચાલતી હોય ત્યારે વચ્ચે જ બની શકે કે નવા પ્રમુખ આવી શકે. નવા પ્રમુખ આવે તો પછી તેમની ટીમ પણ બનાવી શકે એટલે કદાચ પ્રદેશ સંગઠનની રચના ચાલુ હોય ત્યારે જ નવા પ્રમુખની જાહેરાત થઇ શકે છે.