આજે જો કોઈ ઋષિમુનિ જીવિત હોય અને શિવસ્તુતિ કે શક્તિસ્તોત્ર લખે તો એમાં અનેક શ્ર્લોકો શુદ્ધ- કેમિકલમુક્ત ખાદ્ય પદાર્થો આપવાની યાચના કરતા પણ હોય. ‘રસાયણમો મા જૈવિકર્ગમય.’ આ કેમિકલોના ઘોર અંધારામાંથી પ્રભુ અમને શુદ્ધ સાત્ત્વિક ભોજનના ઉજાસ સુધી લઈ જાઓ. ગઈકાલે રાજકોટમાંથી વીસ હજાર કિલોગ્રામ વાસી- કેમિકલયુક્ત, રાસાયણિક કલરની ભેળસેળવાળી ટુટીફ્રુટી અને જેલી પકડાઈ. ગયા અઠવાડિયે સમાચાર આવ્યા હતાં કે શ્રીલંકા અને અન્ય દેશોએ ભારતનાં એમ.ડી.એચ. અને એવરેસ્ટ મસાલા પર પ્રતિબંધ લાદ્યો- કારણ કે, તેમાં પેસ્ટિસાઈડ્સ ભેળવવામાં આવે છે. બાકી હતું તો નેપાળ પણ તમાચો મારી ગયું. એમણે પણ આ બ્રાન્ડ્સને બૅન કરી દીધી. આપણે તો ઘઉં-ચોખા, કઠોળ બગડી ન જાય એ માટે તેમાં લવિંગ કેરી પોટલી મૂકીએ છીએ. હવે એ લવિંગ કે તજ બગડી ન જાય એ માટે શું તેની પર બૅગોન કે લાલ હિટનો સ્પ્રે મારવો?
દેશમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા બાબતે જે પ્રકારે આંખ આડા કાન થાય છે તેવું અન્ય સારા દેશોમાં તો નથી જ થતું. એટલીસ્ટ, આપણી જેની સાથે વિકાસ બાબતે હરિફાઈ છે કે કોમ્પીટિશન કરવા આપણે માંગીએ છીએ, એ દેશોમાં તો આવું નથી જ બનતું. તમે એકલદોકલ સમાચારનું કટિંગ ઉઠાવી લાવો કે ક્યાંકથી વિડીયો ક્લિપ શોધી લાવો તો પણ આ સત્ય બદલવાનું નથી.
- Advertisement -
પ્રભુ, અહીં બજારમાંથી દસ ખાવાની વસ્તુઓ લઈ આવો. તેમાંથી આઠ વસ્તુમાં નિયત માત્રા કરતા વધુ જંતુનાશકો ન હોય, ભેળસેળ ન હોય તો તમારી હથોડી અને મારું માથું. કશું જ શુદ્ધ નથી. રેસ્ટોરાંઓમાં જે પનીર અને ચીઝ સપ્લાય થાય છે તેનો ભાવ પ્રતિ કિલોગ્રામ 100-120 રૂપિયા હોય છે. તમે લેબ ટેસ્ટ કરાવો તો તાજા દૂધનું તેમાં નામોનિશાન ન મળે. માત્ર પામ ઓઈલ, મેંદો, થોડો મિલ્ક પાવડર અને કેમિકલ્સ. ટોમટો સૉસમાં ટમેટા નથી, માખણમાં દૂધ નથી, ઘીમાં મિલ્ક ફેટ નથી, એનિમલ ફેટ છે. એક દુકાને હમણાં જવાનું થયું. ત્યાં પાટિયું માર્યું હતું : ‘અમારે ત્યાં દરેક ફરસાણ શુદ્ધ પામતેલમાં તૈયાર થાય છે!’ અલ્યાભાઈ, પામતેલમાં પણ અશુદ્ધ જેવું કશું હોય? પામ ઓઈલથી સસ્તું એક જ તેલ મળે છે, વાહનોનું બળેલું ઓઈલ. લખી રાખજો, નજીકનાં ભવિષ્યમાં એવા સમાચાર પણ આવશે કે, કોઈ વેપારી બળેલાં એન્જિન ઓઈલમાં ફરસાણ બનાવતા પકડાયો.