ઈરાનને પરમાણુ હથિયાર બનાવતું રોકવાનો આશય પૂરો થયો, શાંતિથી રહેવાનો સમય આવ્યો છે : ટ્રમ્પ
ઈરાન સાથે યુદ્ધની અમારી કોઈ ઈચ્છા નથી : પેન્ટાગોન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર હવાઈ હુમલો કર્યા પછી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશને સંબોધન કર્યું હતું. ટ્રમ્પે કહ્યું કે, દુનિયામાં આતંકવાદના સૌથી મોટા પ્રાયોજક દેશ ઈરાનની પરમાણુ સંવર્ધન ક્ષમતાનો અમે નાશ કર્યો છે. આ સાથે ઈરાનને પરમાણુ હથિયારો બનાવતું રોકવાનો અમારો આશય પૂરો થયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સોશિયલ ટ્રુથ પર લખ્યું હતું કે, અભિનંદન મહાન અમેરિકી યોદ્ધાઓ દુનિયામાં એવું કોઈ પણ સૈન્ય નથી કે જેણે આવું કાર્ય કર્યું હોય. હવે શાંતિ માટેનો સમય છે. વ્હાઈટ હાઉસના ક્રોસ હોલથી દેશને સંબોધન કરતા ટ્રમ્પે ઈરાનના પરમાણુ એકમો પર અમેરિકાના હવાઈ હુમલાને શાનદાર સૈન્ય સફળતા ગણાવી હતી. ટ્રમ્પે કહ્યું કે, આજે હાતે હું દુનિયાને કહી શકું છું કે ઈરાનના મુખ્ય પરમાણુ સંવર્ધન એકમનો સંપૂર્ણપણે નાશ કરી દેવાયો છે. ઈરાન જવાબી કાર્યવાહી કરતા અમેરિકા પર હુમલો કરશે તો અમે વધુ મોટા હુમલા કરીશું. મધ્ય-પૂર્વને ધમકાવનારા ઈરાને હવે શાંતિ સ્થાપિત કરવી જોઈએ. તે આવું નહીં કરે તો ભવિષ્યમાં વધુ મોટા હુમલા થશે.
ટ્રમ્પે કહ્યું, 40 વર્ષથી ઈરાન ડેથ ટુ ઈઝરાયેલ, ડેથ ટુ અમેરિકા કહેતું રહ્યું છે. તે અમારા લોકોને મારી રહ્યું છે, બોમ્બ હુમલાથી અમારા નાગરિકોના હાથ-પગ ઉડાવી રહ્યું છે. તેમના જનરલ કાસિમ સુલેમાનીએ અનેક લોકોને મારી નાંખ્યા. મેં ઘણા સમય પહેલા જ નક્કી કરી લીધું હતું કે, હું આવું નહીં થવા દઉં. આ ચાલુ નહીં રહે. હું ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનો આભાર માનું છું. અમે એક ટીમ તરીકે કામ કર્યું. આવું કદાચ પહેલાં કોઈએ કર્યું નથી. અમે ઈઝરાયેલ માટે આ ભયાનક જોખમને દૂર કરવામાં ઘણા આગળ વધી ગયા છીએ.
જોકે, ઈરાન પર અમેરિકાના હુમલાની દુનિયાભરમાં ટીકા થઈ રહી છે ત્યારે અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે જણાવ્યું હતું કે, અમેરિકાને ઈરાન સાથે યુદ્ધ કરવામાં કોઈ રસ નથી. અમને ઈરાનમાં સત્તા ઉથલાવવામાં પણ કોઈ રસ નથી. અમે માત્ર ઈરાનને પરમાણુ હથિયારો બનાવતા રોકવા માગીએ છીએ. અંતિમ યુદ્ધને હજુ થોડો સમય લાગશે, પરંતુ પ્રારંભિક યુદ્ધનું મૂલ્યાંકન એવા સંકેત આપે છે કે અમે તેમના ત્રણેય પરમાણુ મથકોને ભારે નુકસાન પહોંચાડયું છે. ઇરાનના પરમાણુ સ્થળો પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલા પછી અમેરિકામાં જ આ કાર્યવાહીનો વિરોધ થઇ રહ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીના ટોચના નેતાઓએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જાહેરમાં નિશાન સાધતા જણાવ્યું છે કે તેમણે પ્રજા અને સંસદને પોતાના નિર્ણય પાછળના ઉદ્દેશની સ્પષ્ટતા કરવી પડશે.
- Advertisement -
વિપક્ષી સાંસદોએ ટ્રમ્પ પર ઇરાન-ઇઝરાયેલ યુદ્ધમાં અમેરિકાને સામેલ કરવાનો આરોપ મૂક્યો છે. ભારતીય મૂળના ડેમોક્રેટિક સાંસદ રો ખન્નાએ કોંગ્રેસના તમામ સભ્યોને તાત્કાલિક વોશિંગ્ટન પરત ફરવા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સૈન્ય શક્તિઓને મર્યાદિત કરવા માટે પોતાના પ્રસ્તાવ અને વોર પાવર એક્ટ પર મતદાનની અપીલ કરી છે. અમેરિકાના ઇરાન પર હુમલા અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઇમરજન્સી બેઠક પણ થવાની છે. સેનેટમાં ડેમોેક્રેટિક નેતા ચક શૂમરે જોરદાર વિરોધ દર્શાવતા જણાવ્યું છે કે કોઇ પણ પ્રમુખે એકતરફી રીતે અમેરિકાને યુદ્ધ જેવી સ્થિતિમાં ધકેલવો ન જોઇએ. ટ્રમ્પનો નિર્ણય ખૂબ જ ખતરનાક છે. રો ખન્નાએ જણાવ્યું છે કે તેમના પ્રસ્તાવને અત્યાર સુધી 47 ડેમોક્રેટ સાંસદોનું સમર્થન મળી ગયું છે. તેમનો લક્ષ્ય છે કે સપ્તાહના અંત સુધીમાં 213 ડેમોક્રેટ આ પ્રસ્તાવનું સમર્થન કરે. અમેરિકામાં વોર પાવર એક્ટ (યુદ્ધ શકિત અધિનિયમ) એક કાયદાકીય જોગવાઇ છે જે અમેરિકન કોંગ્રેસે 1973માં પસાર કર્યુ હતું. આ એક્ટનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે પ્રમુખ એકતરફી રીતે અમેરિકાને યુદ્ધમાં ન ધકેલે અને કોઇ પણ સૈન્ય કાર્યવાહી માટે સંસદની પરવાનગી જરૂરી હોય.