રાજકોટ પૂર્વમાં ભાજપનો ‘ઉદય’ ન થવા દેવા ભાજપના જ એક પૂર્વ મંત્રી અને ભાઈના ઉધામા

ભાજપ નેતાઓએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ ન કરવા સમજાવ્યા છતાં નેતાજી કે તેનો ભાઈ માન્યા નહીં

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ પૂર્વ વિધાનસભા – 68 બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપ ઉમેદવાર ઉદય કાનગડને હરાવવા ભાજપના જ એક નેતાજી અને તેના ભાઈએ ધમપછાડા કર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ભાજપના જ એક પૂર્વ મંત્રીજીએ તેના બધી રીતે શૂરા એવા ભાઈ સાથે મળીને રાજકોટ પૂર્વમાં ભાજપનો ’ઉદય’ ન થવા દેવા પાટીદાર કાર્ડ ખેલ્યું હતું. ભાજપના આ વિવાદાસ્પદ નેતાજી અને તેના ભાઈએ મતદાનનો દિવસ પૂર્ણ થયા સુધી રાજકોટ પૂર્વ બેઠક પરથી ભાજપ ઉમેદવાર ઉદય કાનગડ ન જીતે માટે ષડયંત્ર રચી હવાતિયાં મારેલા હતા. જાણવા મળતી વિગત મુજબ ભાજપના નેતાજી અને તેના ભાઈના અપલખણની ફરિયાદ છેક હાઇકમાન્ડ સુધી પહોંચી હતી જે બાદ આ ચૂંટણીમાં નેતાજીની ટિકિટ કપાઈ જતા તેઓ રોષે ભરાયા હતા અને પોતાના પક્ષ સાથે જ બગાવત કરવાની ચાલુ કરી દીધી હતી. નેતાજી અને તેના ભાઈએ મતદાનની આગલી રાતે પાટીદારોને ભાજપ ઉમેદવાર ઉદય કાનગડ મત ન આપવા જણાવ્યું હતું, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મત આપજો એવા મેસેજ પાટીદાર ગ્રુપમાં નેતાજીના ભાઈએ ફરતા કર્યા હતા. જે મામલે બબાલ પણ થઈ હતી પરંતુ પછી મામલો થાળે પડી ગયો હતો. જોકે સામાકાંઠે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ આજે પણ છે.

પાટીદારોનું વર્ચસ્વ ધરાવતી રાજકોટ પૂર્વની બેઠક પરથી નેતાજી અને તેના ભાઈની પક્ષ વિરોધી પ્રવૃત્તિની જાણ ભાજપ નેતા રમેશ રૂપાપરા સહિતનાને થતા તેઓએ નેતાજીને સમજાવ્યા પણ હતા પરંતુ નેતાજી રમેશ રૂપાપરાથી લઈ કોઈનું પણ માન્યા ન હતા અને આદતવશ પોતાના અપલખણ જળકાવી ભાજપ ઉમેદવાર ઉદય કાનગડને હરાવવા તન, મન, ધનથી મેદાનમાં આવી મહેનતમાં લાગી ગયા હતા. હવે ભાજપ ઉમેદવારને હરાવવા ભાજપના જ એક નેતાજીએ કરેલી મહેનત એળે જશે કે કેમ એતો 8 તારીખે વિધાનસભા ચૂંટણી પરિણામ દિવસે ઈવીએમ ખુલશે ત્યારે ખબર પડશે પરંતુ હાલ નેતાજી અને તેના ભાઈની કરતૂતોથી તો શિસ્ત, સંયમ અને સમર્પણમાં માનતી ભાજપની આબરુનું ધોવાણ અવશ્ય થઈ ગયું છે.

નેતાજીના ભાઈને એવું ‘શૂરા’તન ચડ્યું કે, ઉદય કાનગડ વિરોધી પેઈડ પ્રેસનોટ છપાવી!
રાજકોટમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને એક દિવસની વાર હતી, મતદાનની પૂર્વ સંધ્યાએ કેટલાંક અખબારોમાં ઉદય કાનગડ મારામારી કરતા હોવાની તેમજ તેઓ ક્રિમીનલ બેગ્રાઉન્ડ ધરાવતા હોવાની અને સામાકાંઠા વિસ્તારમાં ગુંડા તરીકે પ્રચલિત હોવાની એક પેઈડ પ્રેસનોટ પ્રસિદ્ધ થઈ હતી. જાણકારોનું માનવું છે કે, નેતાજીના ભાઈને ટિકિટ ન મળતા તેના ભાઈને એવું ’શૂરા’તન ચડ્યું હતું કે તેણે જ ઉદય કાનગડ વિરોધી પેઈડ પ્રેસનોટ છપાવી હતી. ઉદય કાનગડ રાજકોટ પૂર્વ માંથી હારે તે માટે તમામ પ્રકારના ષડયંત્ર નેતાજી અને તેના ભાઈએ રચ્યા હતા.