જનાના હોસ્પિટલમાં નર્સે નાસ લેવાનું ઇન્જેક્શન પગમાં આપી દેતાં બાળકનું મોત થયાનો પરિવારનો આક્ષેપ: પરિવારે એકનું એક બાળક ગુમાવ્યું
બાળકની એક મહિનાથી સારવાર ચાલતી હતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની અત્યંત ગંભીર બેદરકારીના કારણે બાળકનું મોત થયાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. ન્યુમોનિયાની અસર થતા છેલ્લા એક મહિનાથી દાખલ 5 માસના બાળકને 24 કલાકમાં રજા મળવાની હતી, પરંતુ નર્સિંગ સ્ટાફની બેદરકારીના કારણે બાળકને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી હતી. આજે બાળકનું મોત નીપજતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગોંડલના કારખાનામાં મજૂરી કામ કરતા બિરેન્દ્ર કુશવાહાના 5 મહિનાના પુત્ર રાજને શરદી-ઊધરસની સમસ્યા રહેતા દવા લીધી હતી. જે બાદ ન્યુમોનિયાની અસર જણાતા રાજકોટ સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં ન્યુમોનિયાની સાથે ટીબીની અસર પણ હોવાનું નિદાન થયું હતું. જેથી રાજને ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ટી.બી.ની દવા ચાલતી હતી, એ ઉપરાંત ન્યુમોનિયા માટે તેને દરરોજ નાસ દેવામાં આવતો હતો. નેબ્યુલાઇઝર મારફત દવા નાખીને નાક પાસે મુકાતા શરદી ધીરે ધીરે ઓગળી રહી હતી. એક મહિના સુધી સારવાર ચાલી હતી અને 4 જુલાઈએ ડોક્ટરે કહ્યું કે, બાળક સાજુ થઈ ગયું છે. એક દિવસ રાખો કાલે, રજા આપી દેશું. રજાની વાત આવતા પરિવારજનોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. જો કે, ગઈકાલે નર્સિંગ સ્ટાફની બેદરકારીથી માસુમ બાળકનું મોત નીપજ્યાનો આક્ષેપ પિતાએ કર્યો છે.
મારી પત્નીએ નર્સને અટકાવી હતી: બાળકના પિતા
બાળકના પિતા બિરેન્દ્ર કુશવાહએ જણાવ્યું હતું કે, અમે મૂળ બિહારના રહેવાસી છીએ અને અત્યારે ગોંડલમાં કારખાનામાં મજૂરી કામ કરીએ છીએ. મારે સંતાનમાં એક બાળક છે જેનું નામ રાજ છે તેની ઉંમર સાડા પાંચ માસ છે. ગત 4 જૂનના રોજ તેને શરદી ઉધરસ થતા સારવાર કરાવવામાં આવી હતી એને ન્યુમોનિયા થયાનું અને ટીબીની અસર હોવાનું સામે આવ્યું હતું. બાળકને સારું થઇ ગયું હતું, ડોકટરે રજા આપવા માટે પણ કહ્યું હતું. નેબુલાઇઝરથી દરરોજ સમયસર નાસ આપવામાં આવતો હતો. દરમિયાન ગઇકાલે બપોરના દોઢ વાગ્યે રાજ અને તેની માતા હોસ્પિટલમાં હતા, ત્યારે એક નર્સ ઈન્જેક્શન લઈને આવ્યા હતા. નર્સ મશીનમાં ઈન્જેક્શન લગાવવાને બદલે રાજને ઈન્જેક્શન પગમાં લગાવવા ગયા હતા. ત્યારે મારા પત્નીએ કહ્યું કે, આ ઈન્જેક્શન તો મશીનમાં લગાવવાનું હોય છે. નર્સે તેમની વાત સાંભળી નહીં અને મશીનમાં દેવાની ના પાડી દીધી. ચાર વખત અટકાવી તો પણ નર્સે ઈન્જેક્શન પગમાં લગાવી દીધું.
- Advertisement -
અડધા જ કલાકમાં બાળકનું શરીર કાળું પડી ગયું
ઈન્જેક્શન લગાવ્યાની અડધી જ કલાકમાં રાજનું શરીર કાળુ પડવા લાગ્યું અને આંખો ચડી ગઈ હતી, જેથી તુરંત જ ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. બાળકને આઈસીયુમાં શિફ્ટ કરાયું હતું અને વેન્ટિલેટર પર રાખવાં આવ્યો હતો. જે બાળકને રજા મળવાની હતી, તેના બદલે બાળક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું. આજે વહેલી સવારે મોત નીપજતા શ્રમિક પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. બાળકના પરિવારજનોનો એવો આક્ષેપ છે કે, બાળકનું મોત માત્રને માત્ર સિવિલ હોસ્પિટલની બેદરકારી કારણે થયું છે, માટે જવાબદાર સામે કાર્યવાહી કરવા મારી માંગ છે. જેથી ભવિષ્યમાં બીજા કોઈના બાળક સાથે આવો બનાવ ન બને.