ગુજરાતમાં શનિવાર સાંજથી મેઘરાજા ઓળઘોળ થયા છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 4 દિવસ માટે વરસાદની આગાહી કરી છે. ઓગસ્ટ મહિનો આખો કોરો ગયા બાદ હવે સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાએ દિલ ખોલીને વરસવાનું મન બનાવી લીધું છે. શનિવારથી ગુજરાતનું વાતાવરણ પલટાયું છે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાનું ફરી આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ભારે વરસાદને પગલે ગુજરાતના 190થી વધારે ગામોને એલર્ટ કરાયા છે. આ સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમ છલોછલ ભરાઈ જતાં નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે ગોલ્ડન બ્રિજ પર ભયજનક સપાટી કરતાં 10 ફૂટ વધુ પાણી વહેતાં ભરૂચમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નર્મદાનાં પાણીએ ભરૂચમાં તારાજી સર્જવા સાથે લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયાં છે.
NDRFની ટીમો ખડેપગે તૈનાત
મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં ધુંઆધાર વરસાદ વરસતાં રાજ્યમાં ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો ખડેપગે તૈનાત કરાઇ છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની 10 ટીમો તૈનાત કરાઇ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે ભરૂચ જિલ્લામાં 3 ટીમો મોકલવામાં આવી છે. તો નર્મદા જિલ્લામાં NDRFની 2 ટીમો તૈનાત કરવામાં આવી છે. એટલું જ નહીં આવનારા 24 કલાકમાં રાજકોટ, જૂનાગઢ, વડોદરા, અને પંચમહાલમાં પણ ભારે વરસાદની સ્થિતિને લઇ તમામ જિલ્લામાં 1-1 ટીમ મોકલવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ 1 NDRFની ટીમ મોકલાઇ છે. મહત્વનું છે કે, રવિવારે ભારે વરસાદ વચ્ચે NDRFની ટીમે ફસાયેલા અનેક લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું.
- Advertisement -
અરવલ્લીમાં શાળાઓમાં આજે રજા
અરવલ્લીમાં ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. અરવલ્લી જિલ્લામાં વરસાદને પગલે આજે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રહેશે. ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ રજા જાહેર કરી છે.
NDRF દ્વારા 37 લોકોનું કરાયું રેસ્ક્યૂ
અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ઘુસી ગયા છે. ત્યારે NDRF દ્વારા ગઈકાલે રાતે રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના દેમાઈ ગામે NDRFની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. રાત્રે 11.30 કલાકે શરૂ થયેલું રેસ્ક્યૂ ઓપરેશન 1.30 સુધી ચાલ્યું હતું. આ દરમિયાન એનડીઆરએફ દ્વારા 37 લોકોનું રેસક્યૂ કરાયું હતું. 3 નવજાત બાળકો, 7 બાળકો સહિત 37 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું.
- Advertisement -