જૂનાગઢના દંપતીનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન: બંનેના અંતિમ સંસ્કાર અમદાવાદ ખાતે થશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જુનાગઢની નવી કલેક્ટર કચેરીની સામે આવેલા શ્રીધર નગરમાં મકાન નં.43માં રહેતા રવજીભાઈ ચોવટીયા અને તેમના પત્ની શારદાબેન ચોવટીયાનુ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત થયું છે. આ દંપતિ તેમના એકના એક પુત્ર હેમલ ઉર્ફે પીન્ટુના ઘરે જઈ રહ્યા હતા. મૃતક દંપતી તેમનો પુત્ર પિન્ટુ તેની પત્ની સાથે લંડનમાં રહે છે. દંપતીને પુત્રી પણ છે. જેનું નામ લોયા બેન છે. પુત્રી પરિવાર સાથે સિંગાપુર ખાતે રહે છે. રવજીભાઈ ચોવટીયા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં બાગાયત વિભાગમાં પ્રોફેશર તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લા આઠ વર્ષથી નિવૃત્તિનું જીવન ગાળતા હતા. આમનો નિત્યક્રમ સવારે વહેલા ઊઠીને જોગિંગ કરવા જવું, ત્યારબાદ નાહી ધોઈને મંદિરે જવું, સોસાયટીની તમામ પ્રવૃત્તિઓ તેમના ઘરેથી જ થતી હતી. મૃતક દંપતી મૂળ ઉના તાલુકાના સમઢીયાળા ગામના વતની હતા. અહીં તેમના કોઈ સંબંધી રહેતા નથી. તેમ છતાં તેમના ઘરે લોકોની ભીડ જોવા મળી હતી.
- Advertisement -
જ્યારે લંડન રહેતા પુત્રને તેના માતા-પિતાના અવસાનની જાણ થતા તેઓ લંડનથી અમદાવાદ આવવા રવાના થઇ ગયા છે. જ્યારે પુત્રી પણ શીંગાપુરથી અમદાવાદ આવી રહી છે. જ્યારે તેમના જૂનાગઢના નિવાસ સ્થાને શોકનો માહોલ છવાયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર શારદાબેન ચોવટીયાની ઓળખ થઇ ચુકી છે જ્યારે સવજીભાઇ ચોવટીયાનું ડીએનએ પરીક્ષણ બાદ બંને દંપતિની ડેડ બોડી પરિવારને સોંપવામાં આવશે અને બંનેના અંતિમ સંસ્કાર પરિવારજનોની ઉપસ્થિતીમાં અમદાવાદ ખાતે કરવામાં આવશે. તેમ જાણવા મળ્યુ છે.