પ્રાંત અધિકારીએ મોરબી બી ડિવિઝન પોલીસ મથકે બે ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસની કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા ચુંટણી જાહેર થવાની અણીએ મોરબી ઝુલતા પુલની દુર્ધટના બની હતી જેથી આ ઘટનાને લઈને એક તરફ દેશમાં શોકનો માહોલ ફેલાયો હતો તો બીજી તરફ રાજકીય માહોલ પણ ગરમ થઈ રહ્યો હતો. આ દુર્ઘટનાની ગંભીરતા જોઈ પ્રધાનમંત્રી મોદી મોરબી આવ્યા હતા અને વડાપ્રધાન મોદીએ દિવંગતોના પરિવારોને સાંત્વના પાઠવી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રીના પ્રોટોકોલ મુજબ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી જે એક રાજકીય મુદો બની ગયો હતો. આ દરમિયાન ટીએમસીના નેતાએ એક ટ્વીટર આઈડીના સ્ક્રીનશોટ મુકીને પ્રધાનમંત્રી વિરુદ્ધ ટીપ્પણી કરી હતી જે ટીપ્પણી વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યુ હતું અને આ ટ્વીટ આચારસંહિતા વિરુદ્ધમાં હોય મોરબી પ્રાંત અધિકારીએ મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા મોરબી પોલીસે આ કેસમાં તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાંકેત ગોખલેની ધરપકડ કરી હોવાની માહિતી મળી છે.
- Advertisement -
મોરબી પ્રાંત અધિકારી અને 65 મોરબી માળીયા વિધાનસભા બેઠકના મતદાન વિભાગના ચુંટણી અધિકારી ડી. એ. ઝાલાએ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી દક્ષ પટેલ અને ટીએમસી નેતા સાંકેત ગોખલેએ ચુંટણીની આચારસંહિતાના સમયગાળા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઝુલતાપુલ દુર્ધટના અંગે મોરબી મુલાકાત વિષે ખોટી માહિતી આપતી ટ્વીટ કરી લોકોમાં ચુંટણી અન્વયે વિવિધ વર્ગો વચ્ચે દુશ્મનાવટ તેમજ તિરસ્કારની ભાવના ઉત્પન્ન થાય તે હેતુથી ખોટી માહિતી આપતી ટ્વીટ કરી ગુન્હો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી પ્રાંત અધિકારીની ફરીયાદના આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ દ્વારા બંને આરોપીઓ વિરૂદ્ધ લોકપ્રતિનિધિત્વ એક્ટ 1951 ની કલમ 125 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં મોરબી પોલીસે ટીએમસી નેતા સાંકેત ગોખલેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે દક્ષ પટેલ નામના આરોપીને ઝડપી લેવા શોધખોળ આદરી છે.