2 શ્રેણીમાં યોજાયેલી સ્પર્ધામાં કુલ 183 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો, વિજેતાઓને રોકડ ઇનામ અને પ્રમાણપત્ર એનાયત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.23
મોરબી મનપા દ્વારા ઓપન મોરબી ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ 2 શ્રેણીમાં (18 વર્ષ થી નીચેના વયજુથ તથા 18 વર્ષથી ઉપરના વયજુથ)માં યોજવામાં આવી હતી.
- Advertisement -
જેમાં 18 વર્ષથી નીચેના વયજુથ શ્રેણીમાં 88 તથા 18 વર્ષથી ઉપરના વયજુથ શ્રેણીમાં 95 સ્પર્ધકો દ્વારા ભાગ લીધો હતો. આ ચેસ ટુર્નામેન્ટને નિહાળવા બહોળી સંખ્યામાં આવેલા નગરજનોની ઉપસ્થિતિએ આ કાર્યક્રમની શોભા અનેકગણી વધારી હતી. ઉલ્લેખનીય છે કે, આ ટુર્નામેન્ટમાં કમિશ્નર તથા નાયબ કમિશ્નરે પણ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં 18 વર્ષથી નીચેના વયજુથ શ્રેણીમાં પ્રથમ સ્થાન પર જૈનીલ પટેલ, દ્વિતીય સ્થાન પર રીયા કાથરાની, તૃતીય સ્થાન પર શિવાંક ઠોરિયા તથા 18 વર્ષથી ઉપરના વયજુથ શ્રેણીમાં પ્રથમ સ્થાન પર કિશનભાઈ ભુવા, દ્વિતીય સ્થાન પર અનિલભાઈ કૈલા, તૃતીય સ્થાન પર જયદીપ સોલંકીએ બાજી મારી છે. તો કાર્યક્રમના અંતમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા બંને શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવનાર વિજેતાને રૂ.2500, દ્વિતીય સ્થાન મેળવનાર વિજેતાને રૂ.1500 તથા તૃતીય સ્થાન મેળવનાર વિજેતાને રૂ.1000 ઇનામ સ્વરૂપે એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દરેક પ્રતિસ્પર્ધીને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા. મોરબી મહાનગરપાલિકા દ્વારા આવા પ્રજાલક્ષી વિવિધ કાર્યક્રમોનું વાર્ષિક કેલેન્ડર બનાવવામાં આવ્યું છે. તેથી તમામ મોરબીવાસીઓ મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં ભાગ લે તેવું આહ્વાન મોરબી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.