ધર્મનું આચરણ કરનારી વ્યક્તિ મૃત્યુ પછી પણ જીવિત રહે છે; તેમાં કોઈ શંકા નથી.
કથામૃત:
- Advertisement -
એક સુંદર સવારે એક માણસ હાથમાં કોફિનો કપ લઈને દૈનિક સમાચારપત્ર વાંચી રહ્યો હતો. અચાનક એનું ધ્યાન શ્રદ્ધાંજલિ વિભાગની એક શ્રદ્ધાંજલિ નોંધ પર ગયું. એ ચોંકી ઉઠ્યો કારણ કે નોંધમાં એનું જ નામ હતું. કોઈની ભૂલથી જ નામ છપાયું હશે, કારણ કે એ તો જીવતો હતો અને પોતાની જ મૃત્યુનોંધ વાંચી રહ્યો હતો ! એણે સમાચારપત્રના કાર્યાલય પર ફોન કર્યો તો સામે જવાબદાર વ્યક્તિએ ભૂલ સ્વીકારીને માફી માંગી. આ માણસને થયું કે, ‘હું આખી નોંધ વાંચું જેથી મને ખબર પડે કે મારા મૃત્યુ બાદ લોકો મને કેવી રીતે ઓળખે છે.’ મૃત્યુનોંધમાં એના વિષે લખાયેલ હતું કે, ‘મોતના સોદાગરની ધરતી પરથી વિદાય.’ આ શબ્દો વાંચતાની સાથે જ એ માણસનું ચીત ચકરાવે ચડ્યું. ‘શું દુનિયા મને મારા મૃત્યુ બાદ મોતના સોદાગર તરીકે ઓળખશે? હું એવું બિલકુલ નથી ઇચ્છતો કે મારા મૃત્યુ બાદ દુનિયા મને આ રીતે ઓળખે. મારે દુનિયાને મારો પરિચય આવો નહીં કંઈક જુદો જ આપવો છે.’ પોતાની તમામ સંપત્તિ દાનમાં આપીને એક ટ્રસ્ટની રચના કરી. દાનની બધી જ રકમમાંથી એક ભંડોળ ઊભું કર્યું અને એ ભંડોળ પરના વ્યાજની આવકમાંથી પ્રતિ વર્ષ વિશ્વનું સૌથી મોટું ઇનામ આપવાની વ્યવસ્થા કરાવી. જગત માટે કંઈક કરનાર વિવિધ ક્ષેત્રના લોકોને આ ઇનામ આપવાની શરૂઆત થઈ જેના પરિણામે એ માણસની ખરેખર વિદાય થયા પછી દુનિયા એને મોતના સોદાગર તરીકે નહીં, પરંતુ નોબેલ પ્રાઇઝના સ્થાપક તરીકે ઓળખે છે. આ માણસ હતો, ડાઇનામાઇટની શોધ કરનાર આલ્ફ્રેડ નોબેલ.
બોધામૃત
જો ખરેખર આપણે જીવતા હોઈએ તો અંતરદૃષ્ટિ કરવી અને વિચારવું કે મારા દ્વારા જે કાર્ય થઈ રહ્યા છે એ કાર્યને કારણે લોકો મને મારી વિદાય બાદ કેવી રીતે ઓળખશે ? જવાબ ન ગમે તેવો હોઈ તો કામ બદલવા અને ગમે તેવો હોય તો કામને વિસ્તારવું.
- Advertisement -
અનુભવામૃત
જીવન પછી મૃત્યુ છે. આ હકીકતની પ્રતીતિ થઇ જાય પછી તમે જીવન પરિપૂર્ણતાથી જીવી શકશો.
-સદ્ગુરુ જગ્ગી વાસુદેવ