ચીફ ઓફીસરની ચેમ્બર પાસે જ રામધુન બોલાવી
કોઈ પણ કારણ વગર છુટ્ટા કરેલા સફાઈ કામદારોને તાત્કાલિક નોકરી પર લેવા તેમજ સફાઈ કામદારોના બાકી પગાર ચુકવવા સહિતની માંગણીઓને લઈ હડતાળ પર બેઠા છે.
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
પડતર પ્રશ્નો અને માંગણીઓના મુદ્દે છેલ્લા પાંચેક દિવસથી હડતાળ પર ઉતરેલા માંગરોળ પાલિકાના આઉટ સોર્સિંગના સફાઈ કર્મીઓએ આજે કચેરીને તાળાબંધી કરી હતી. પરિણામે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. જો ચીફ ઓફીસરની ચેમ્બર પાસે રામધુન બોલાવી સફાઈ કામદારોએ હડતાળ યથાવત રાખી હતી. માંગરોળ નગર સેવા સદનમાં આઉટ સોર્સિંગ હેઠળ ફરજ બજાવતા સફાઈકર્મીઓ કોન્ટ્રાક્ટ એજન્સી નાબુદ કરી સીધી ભરતી કરવી, સરકારના આદેશ મુજબ પ્રતિ દિન રૂ.524 લઘુતમ વેતન ચુકવવું, વર્ષોથી કોઈ પણ કારણ વગર છુટ્ટા કરેલા સફાઈ કામદારોને તાત્કાલિક નોકરી પર લેવા તેમજ સફાઈ કામદારોના બાકી પગાર ચુકવવા સહિતની માંગણીઓને લઈ હડતાળ પર બેઠા છે.
અગાઉ આ પ્રશ્નોને લઈ વાલ્મીકિ સમાજના પ્રદેશ કક્ષાના હોદેદારોએ પાલિકાના ચીફ ઓફીસરની મુલાકાત લીધી હતી. પરંતુ તેનું કોઈ નિરાકરણ આવેલ નથી. દરમ્યાન આજે સફાઈકર્મીઓએ કચેરીને તાળાબંધી કરી રોષ ઠાલવ્યો હતો. જો કે પોલીસ દોડી આવતા મામલો થાળે પડ્યો હતો. જો કે માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચિમકી આપવામાં આવી છે.