જુનાગઢ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ શ્રી હુસેન એચ. દલ એ માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને ઈમેઈલથી પત્ર પાઠવી રજુઆત કરી છે કે,
જેને સોગંદ ઉપર જુબાની લેવાના અધિકાર છે એવા ન્યાયીક મેજીસ્ટ્રેટ/એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અથવા જેને કાયદા વિભાગે ખાસ સતાઓ આપી છે એવા કાયદા વિભાગના અધિકારીઓ (લો ઓફીસર્સ) અથવા જેની કાયદા વિભાગે નોટરી તરીકે નિમણુંક કરી છે એવા નોટરીઓ સમક્ષ હાલ સોગંદનામા થાય છે. સોગંદનામું એ સોગંદ ઉપર લીધેલી જુબાની છે જે પુરાવા તરીકે ગ્રાહ્ય છે. સોગંદનામા વિરૂધ્ધની બાબત સાબિત ના થાય ત્યાં સુધી સોગંદનામાને સાચું માની લેવામાં આવે છે જેવી રીતે મરણોતર નિવેદનને સાચું માની લેવામાં આવે છે.
હાલ એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ એટલે કે મામલતદાર/નાયબ મામલતદાર અને નોટરી સમક્ષ સોગંદનામા થાય છે. જે એડવોકેટની એડવોકેટ તરીકે નામદાર કોર્ટમાં સાત વર્ષથી વધુ પ્રેક્ટીસ હોય એવા એડવોકેટની પરિક્ષા લઈને પરિક્ષામાં ઉતીર્ણ થાય એવા એડવોકેટની કાયદા વિભાગ નોટરી તરીકે નિમણુંક કરે છે.
તલાટીમંત્રીની નિમણુંક કાયદા વિભાગે કરી નથી. તલાટીમંત્રી કાયદા વિભાગનો ન્યાયીક અધિકારી (લો ઓફીસર) નથી. તલાટીમંત્રીને સોગંદ ઉપર જુબાની લેવાના અધિકાર નથી તેથી તલાટીમંત્રી સમક્ષ સોગંદનામું થઈ શકે નહીં તેથી તલાટીમંત્રીને એફીડેવીટ કરવાની સતા આપવામાં આવી છે એ બાબતે ફેરવિચારણા કરવી જરૂરી છે.
સોગંદનામા (oath) નો કાયદો કેન્દ્ર સરકારનો છે. તેથી તલાટીમંત્રીને સોગંધનામા કરવાની સતા આપવાનું રાજ્ય સરકારનું જાહેરનામું સતા બહારનું ગણાવી આ જાહેરનામાનો ગુજરાત બાર એસોસિએશન એ વિરોધ કર્યો છે તેથી આ જાહેરનામું નામ. હાઈકોર્ટમાં પડકારવામાં આવે એવી પુરી શક્યતા છે.
એવા સંજોગોમાં જે પ્રકારના સોગંદનામા કરવાની સતા તલાટીમંત્રીને આપવામાં આવેલ છે એવા સોગંદનામા માંગવાનો નિયમ જ રદ કરી લોકોને રાહત આપવી જોઈએ. એક સોગંદનામાનો ખર્ચ રૂ. ૩૦૦/- થી ૩૫૦/- થાય છે. અમુક રૂટીન બાબતો જેવી કે આવકનો દાખલો, જાતીનો દાખલો, નોન ક્રિમીલીયર સર્ટિફિકેટ, રેશન કાર્ડ, ડોમીસાઈલ સર્ટિફિકેટ વિગેરે બાબતોમાં સોગંદનામા માંગવાનો નિયમ જ રદ કરી લોકોને આર્થિક ફાયદો આપી શકાય એમ છે.
તલાટીમંત્રીને સોગંદનામાની સતા આપવાથી કોઈ મોટો ફાયદો થાય તેમ નથી. શહેરી વિસ્તારને કોઈ ફાયદો જ નહીં થાય ત્યારે આ જાહેરનામા બાબતે ફેર વિચારણા કરવી જોઈએ એવી મારી નમ્ર વિનંતિ છે.
રીપૉર્ટર – જીજ્ઞેશ પટેલ માણાવદર