• છેલ્લી પાંચ ચૂંટણીમાં ભાજપા ત્રણ, કોંગ્રેસ અને ગુજરાત પરિવર્તન પાર્ટી એક એક વખત વિજેતા
  • આગામી ધારી પેટા ચૂંટણીમાં ૧.૧૩ લાખ પુરૂષો અને ૧.૦૪ લાખ સ્ત્રીઓ એમ કુલ ૨,૧૭,૪૮૮ મતદારો મતદાન કરશે : કુલ ૩૩૭ પોલીંગ બુથ

અમરેલી જિલ્લામાં આગામી તા.૦૩.૧૧.૨૦૨૦ના રોજ ૯૪-ધારી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાનાર છે. આ વિધાનસભા બેઠકમાં ધારી અને બગસરા તાલુકા ઉપરાંત ખાંભા તાલુકાના ૨૭ ગામોનો પણ સમાવેશ થાય છે. આગામી પેટા ચૂંટણીમાં ૧,૧૩,૨૯૬ પુરૂષો, ૧,૦૪,૧૮૫ સ્ત્રીઓ અને ૭ અન્ય મળી કુલ ૨,૧૭,૪૮૮ મતદારો ૩૩૭ પોલીંગ બુથ પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

ચૂંટણી આવે એટલે સામાન્ય મતદારોથી માંડીને રાજકિય પક્ષો, કાર્યકરો અને મીડિયામાં અનેકવિધ ચર્ચાઓ જોર પકડે છે. સાથો સાથ જ્ઞાતિ-જાતિના નવા સમીકરણો અને આંકડાની માયાજાળ પણ વિષેજ્ઞો દ્વારા ચર્ચાતી હોય છે. આવા સમયે ભૂતકાળની સંપૂર્ણ સાચી અને સચોટ માહિતી ચૂંટણી પંચની વેબ સાઈટ www.eci.nic.in ઉપર જોવા મળે છે. આગામી પેટા ચૂંટણી પહેલા ૧૯૯૮ થી ૨૦૧૭ દરમિયાન ધારી બેઠકની યોજાયેલ ચૂંટણીઓની રસપ્રદ આંકડાકીય માહિતીની વિગતો જાણીએ.

(૧) વર્ષ ૧૯૯૮
૪૬-ધારી વિધાનસભા બેઠકનું મતદાન તા.૨૮ મી ફેબ્રુઆરી-૯૮ના રોજ થયેલ. આ બેઠક માટે ૧૪ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તે પૈકી ૨ ફોર્મ રદ થયા હતા અને ૪ ફોર્મ પરત ખેંચાતા ૮ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. ૬૧,૩૫૫ પુરૂષો અને ૫૯,૧૦૨ સ્ત્રીઓ મળી કુલ ૧,૨૦,૪૫૭ મતદારો નોંધાયેલ હતા. તે પૈકી ૪૦,૯૫૧ પુરૂષો અને ૩૩,૦૨૫ સ્ત્રીઓ મળી કુલ ૭૩,૯૭૬ મતદારોએ ૨૧૦ પોલીંગ બુથ પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ આ બેઠકનું ૬૧.૪૧ % મતદાન થયેલ હતું.

તા. ૨ જી માર્ચ-૧૯૯૮ના રોજ મત ગણતરી હાથ ધરતાં કોંગ્રેસના ઉમેદવાર કૃષ્ણકાંત વખારીયાને ૧૭,૬૯૮ મત મળેલ હતા. જયારે ભાજપાના વિજેતા ઉમેદવાર બાલુભાઈ તંતીને ૩૧,૪૫૦ મત મળ્યા હતા. આમ ૧૩,૭૫૨ મતોની સરસાઈ મેળવી ધારી બેઠક ભાજપાએ કબજે કરી હતી. આ ચૂંટણીમાં આઠ ઉમેદવારો પૈકી છ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થયેલ હતી.

(૨) વર્ષ ૨૦૦૨
૪૬-ધારી વિધાનસભા બેઠકનું મતદાન તા.૧૨ મી ડિસેમ્બર-૨૦૦૨ ના રોજ થયેલ. આ બેઠક માટે ૧૩ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તે પૈકી ૩ ફોર્મ રદ થયા હતા અને ૧ ફોર્મ પરત ખેંચાતા ૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. ૭૨,૭૯૬ પુરૂષો અને ૬૮,૬૬૧ સ્ત્રીઓ મળી કુલ ૧,૪૧,૪૫૭ મતદારો નોંધાયેલ હતા. તે પૈકી ૪૫,૬૭૦ પુરૂષો અને ૩૬,૭૦૫ સ્ત્રીઓ મળી કુલ ૮૨,૩૭૫ મતદારોએ ૨૧૦ પોલીંગ બુથ પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ આ બેઠકનું ૫૮.૨૩ % મતદાન થયેલ હતું.

તા. ૧૫ મી ડિસેમ્બર-૨૦૦૨ના રોજ મત ગણતરી હાથ ધરતાં કોંગ્રેસના ઉમેદવાર કોટડિયા મનુભાઈ નારણભાઈને ૨૨,૭૬૯ મત મળેલ હતા. જયારે ભાજપાના વિજેતા ઉમેદવાર બાલુભાઈ જીવરાજભાઈ તંતીને ૨૪,૫૪૩ મત મળ્યા હતા. આમ ૧૭૭૪ મતોની સરસાઈથી આ બેઠક ભાજપાએ જાળવી રાખેલ. આ ચૂંટણીમાં નવ ઉમેદવારો પૈકી પાંચ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થયેલ હતી.

(૩) વર્ષ ૨૦૦૭
૪૬-ધારી વિધાનસભા બેઠકનું મતદાન તા.૧૧ મી ડિસેમ્બર-૨૦૦૭ ના રોજ થયેલ. આ બેઠક માટે એક સ્ત્રી ઉમેદવાર સહિત ૧૯ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તે પૈકી ૫ ફોર્મ રદ થયા હતા અને ૪ ફોર્મ પરત ખેંચાતા ૧૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. ૭૬,૪૫૩ પુરૂષો અને ૭૩,૧૭૨ સ્ત્રીઓ મળી કુલ ૧,૪૯,૬૨૫ મતદારો નોંધાયેલ હતા. તે પૈકી ૪૬,૬૭૧ પુરૂષો અને ૩૭,૭૩૬ સ્ત્રીઓ મળી કુલ ૮૪,૪૦૭ મતદારોએ ૧૯૮ પોલીંગ બુથ પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ આ બેઠકનું ૫૬.૪૧ % મતદાન થયેલ હતું.

તા. ૨૩ મી ડિસેમ્બર-૧૨ના રોજ મત ગણતરી હાથ ધરતાં કોંગ્રેસના ઉમેદવાર બાલુભાઈ જીવરાજભાઈ તંતીને ૨૭,૪૭૮ મત મળેલ હતા. જયારે ભાજપાના વિજેતા ઉમેદવાર ભુવા મનસુખભાઈ પાંચાભાઈને ૪૫,૩૪૦ મત મળ્યા હતા. આમ ૧૭,૮૬૨ મતોની સરસાઈ મેળવી ધારી બેઠક ભાજપાએ કબજે કરી હતી. આ ચૂંટણીમાં દસ ઉમેદવારો પૈકી આઠ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થયેલ હતી.

(૪) વર્ષ ૨૦૧૨
ધારી વિધાનસભા બેઠકનો ક્રમાંક ૪૬ ને બદલીને ૯૪ કરવામાં આવેલ. આ બેઠકનું મતદાન તા.૧૩ મી ડિસેમ્બર-૨૦૧૨ના રોજ થયેલ. આ બેઠક માટે બે સ્ત્રી ઉમેદવાર સહિત ૧૪ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તે પૈકી બે ફોર્મ રદ થયા હતા અને બે ફોર્મ પરત ખેંચાતા ૧૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં બે સ્ત્રી ઉમેદવારોએ પણ ભાગ લીધો હતો. ૧,૦૨,૦૯૦ પુરૂષો અને ૯૨,૪૨૭ સ્ત્રીઓ મળી કુલ ૧,૯૪,૫૧૭ મતદારો નોંધાયેલ હતા. તે પૈકી ૭૧,૬૫૩ પુરૂષો, ૫૭,૬૦૦ સ્ત્રીઓ અને ૧૪૩૪ પોસ્ટલ મતો મળી કુલ ૧,૩૦,૬૮૭ મતદારોએ ૨૪૯ પોલીંગ બુથ પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ આ બેઠકનું ૬૭.૧૯ % મતદાન થયેલ હતું.

તા. ૨૦ મી ડિસેમ્બર-૨૦૧૨ના રોજ મત ગણતરી હાથ ધરતાં કોંગ્રેસના ઉમેદવાર કોકિલાબેન જયસુખભાઈ કાકડીયાને ૩૯,૯૪૧ મત મળેલ હતા. જયારે ગુજરાત પરિવર્તન પાર્ટીના વિજેતા ઉમેદવારને ૪૧,૫૧૬ મત મળ્યા હતા. આમ ૧૫૭૫ મતોની સરસાઈ મેળવી ધારી બેઠક કબજે કરી હતી. આ ચૂંટણીમાં ૧૦ ઉમેદવારો પૈકી ૭ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થયેલ હતી.

(૫) વર્ષ ૨૦૧૭
૯૪-ધારી વિધાનસભા બેઠકનું મતદાન તા. ૯મી ડિસેમ્બર-૨૦૧૭ના રોજ થયેલ. આ બેઠક માટે ત્રણ સ્ત્રી ઉમેદવાર સહિત ૨૧ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તે પૈકી ૬ ફોર્મ રદ થયા હતા અને ૪ ફોર્મ પરત ખેંચાતા ૧૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં ત્રણેય સ્ત્રી ઉમેદવારોના ફોર્મ રીજેકટ થયા હતા. ૧,૧૦,૨૬૪ પુરૂષો, ૧,૦૧,૬૪૮ સ્ત્રીઓ અને ૫ અન્ય મળી કુલ ૨,૧૧,૯૧૭ મતદારો નોંધાયેલ હતા. તે પૈકી ૬૯,૧૫૭ પુરૂષો, ૫૬,૮૪૫ સ્ત્રીઓ, ૩ અન્ય અને ૧૨૮૭ પોસ્ટલ મતો મળી કુલ ૧,૨૭,૨૯૨ મતદારોએ ૨૭૪ પોલીંગ બુથ પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ આ બેઠકનું ૬૦.૦૭ % મતદાન થયેલ હતું.

તા. ૧૮ મી ડિસેમ્બર-૧૭ના રોજ મત ગણતરી હાથ ધરતાં ભાજપાના ઉમેદવાર દિલીપ સંઘાણીને ૫૧,૩૦૮ મત મળેલ હતા. જયારે કોંગ્રેસના ઉમેદવાર જે.વી. કાકડીયાને ૬૬,૬૪૪ મત મળ્યા હતા. આમ ૧૫,૩૩૬ મતોની સરસાઈ મેળવી કોંગ્રેસે ધારી બેઠક કબજે કરી હતી. આ ચૂંટણીમાં ૧૧ ઉમેદવારો પૈકી ૯ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થયેલ હતી.

આમ છેલ્લી પાંચ ચૂંટણીમાં આ બેઠક ઉપર ભાજપા ત્રણ, કોંગ્રેસ અને ગુજરાત પરિવર્તન પાર્ટી એક એક વખત જીત મેળવેલ છે.

આદીલખાન પઠાણ ( બાબરા )