નાસભાગની ઘટના બાદ મહાકુંભથી એક સારા સમાચાર સામે આવ્યા છે. મહાકુંભમાં બંધ રાખવામાં આવેલુ ત્રીજુ અમૃત સ્નાન શરૂ થવાની તૈયારી છે. સ્થિતિ કાબૂમાં આવી હોવાનો સરકાર અને અધિકારીઓનો દાવો છે. આ દુઃખદ ઘટના પર સ્વંય વડાપ્રધાન મોદી પણ દુઃખ વ્યક્ત કરી ચૂક્યા છે અને આ મામલે તેઓએ સીએમ યોગી સાથે ચાર વખત વાતચીત કરીને અપડેટ મેળવી હતી.
ફરી અમૃત સ્નાન શરૂ થશે
- Advertisement -
ઉલ્લેખનીય છે કે મૌની અમાસના અમૃત સ્નાન વખતે મહાકુંભમાં નાસભાગની ઘટના બનતાં 10થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જેના બાદ સમગ્ર દેશમાં આ મામલો ચર્ચામાં આવી ગયો હતો. જોકે તાબડતોબ કાર્યવાહી બાદ સ્થિતિ કાબૂમાં લઇ લેવાનો દાવો કરાયો છે અને હવે થોડીક જ વારમાં અમૃત સ્નાન ફરી શરૂ કરવામાં આવશે તેવા અહેવાલ છે. અખાડા પરિષદે અગાઉ અમૃત સ્નાન આજે અટકાવી દેવાનો નિર્ણય લીધો હતો જે પછી નિર્ણય બદલવામાં આવ્યો હતો.
પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
પીએમ મોદીએ ટ્વિટમાં શોક વ્યક્ત કરતાં કહ્યું કે પ્રયાગરાજ મહાકુંભમાં સર્જાયેલી દુઃખદ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. જે શ્રદ્ધાળુઓએ તેમના પ્રિયજનો ગુમાવ્યા તેમના પ્રત્યે મારી ગાઢ સંવેદના છે. આ સાથે જ હું તમામ ઈજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. સ્થાનિક તંત્ર પીડિતોની દરેક સંભવ મદદ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. આ મામલે મેં મુખ્યમંત્રી યોગી સાથે વાતચીત કરી છે અને સતત રાજ્ય સરકારના સંપર્કમાં છું.