સ્ત્રીબોધ બાદના લોકપ્રિય મહિલા સામયિક પ્રિયંવદા અને સુંદરી સુબોધ હતા

સ્ત્રીને બાળઉછેર કરવાનો હોવાથી શરીરવિજ્ઞાનનું સામાન્ય જ્ઞાન આપતી વિશેષ લેખમાળા બે વર્ષ સુધી પ્રિયંવદામાં છપાઈ હતી

1822માં ગુજરાતી પત્રકારત્વ શરૂ થયાના થોડા જ વર્ષોમાં પત્રો, ચોપાનીયાઓ, અખબારો, સામયિકોની સાથે સખીઓ માટેના ખાસ સામયિકોનો પણ પ્રારંભ થયો હતો. ગુજરાતી ભાષાનું અને ભારતનું પ્રથમ સ્ત્રી સામયિક 1857માં સ્ત્રીબોધ પારસીઓ દ્વારા પ્રગટ થવાનું શરૂ થયું તો અન્ય એક પારસી બાવા ઓરાબજી મંચેરજી ભગોરિયાએ 1867માં સ્ત્રી દીપક નામનું મહિલા વિષયક સામયિક શરૂ કરેલું હતું. 1882માં ખેડાના વતની તુલસીબાઈ દ્વારા સ્ત્રી સદબોધરત્ન શરૂ થયું હતું. સ્ત્રી સદબોધરત્ન મહિલાઓ માટે મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવેલું પહેલું સામયિક ગણવામાં આવે છે, તેનું લવાજમ આઠ આના (પચાસ પૈસા) હતું. આ ઉપરાંત સ્ત્રી હિતોપદેશ, વનિતા, વિજ્ઞાન, ગુલશન, ગુણસુંદરી, સ્ત્રીજીવન, સ્ત્રીમિત્ર વગેરે ગુજરાતી પત્રકારત્વના શરૂઆતના સમયગળાના મહિલા વિષયક સામયિકો હતા. આ પૈકી અમદાવાદથી શરૂ થયેલા બે સખીઓ માટેના માસિક પ્રિયંવદા અને સુંદરી સુબોધનો વિશેષ ઉલ્લેખ જરૂરી બની જાય છે. સુંદરી સુબોધ સમાજ સુધારણા, સ્ત્રી ઉન્નતી, શિક્ષિત સ્ત્રીઓને લખવાની તક મળે એવા ત્રણ ઉદ્દેશોથી શરૂ થયું હતું. જ્યારે સ્ત્રીઓના પ્રશ્નોની ચર્ચા કરતું અને સ્ત્રી જાગૃતિ માટેના પ્રયત્નો કરતું સ્ત્રીબોધ પછી બીજું સામયિક પ્રિયંવદા શરૂ થયું હતું.

પ્રિયંવદા : મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ નારીશિક્ષણના ઉદ્દેશથી ઓગષ્ટ, 1885માં પ્રિયંવદા માસિક શરૂ કરેલું હતું. પ્રિયંવદાનું વાર્ષિક લવાજમ એક રૂપિયો હતું. એના પ્રથમ અંકના પ્રથમ પાના પર સામયિકનો ઉદ્દેશ સ્પષ્ટ રીતે સમજાવતાં લખ્યું છે કે, પ્રિયંવદા પોતાની પ્રિય વદવાની રીતિથી સર્વને રંજન કરશે. પણ પોતાની સખીઓના તરફ તેની દૃષ્ટિ વિશેષ રહેશે ખરી. તેમનાં કલ્યાણમાં, તેમનાં હૃદય સમજવામાં, તેમને સમજાવવામાં મુખ્ય પ્રયત્ન કરવો એ પોતાનો ધર્મ માનશે ખરી. આ રીતે પ્રિયંવદા પોતાના ઉદ્દેશ મુજબ સ્ત્રી સાહિત્ય, મહિલા કેળવણી, ઔરત આરોગ્ય, વનિતાવિજ્ઞાન, નારીના પ્રશ્નો વગેરે વૈવિધ્યસભર લેખો વાંચકોને પીરસતું હતું. આ ઉપરાંત કાવ્યો, બાળઉછેર અને શરીરવિદ્યા ઉપરના લખાણો આ સામયિકના મહત્વના વિષયો રહેતા હતા. સ્ત્રીને બાળઉછેર કરવાનો હોવાથી શરીરવિજ્ઞાનનું સામાન્ય જ્ઞાન આપતી વિશેષ લેખમાળા બે વર્ષ સુધી પ્રિયંવદામાં છપાઈ હતી. પ્રિયંવદાનો નફો આવે તે લોકહિતાર્થે વાપરવો તેવી પ્રતિજ્ઞા લેનારા મણિલાલ દ્વિવેદી દરેક નવા વર્ષના પ્રારંભે પત્રની નીતિ, લેખયોજના, સામયિકની વર્ષ દરમિયાન કામગીરીની સમીક્ષા વગેરે વર્ષારંભે શીર્ષકથી તંત્રીનોંધમાં લખતા હતા. મણિલાલ ત્રિવેદી દ્વારા પ્રિયંવદામાં ગુલાબસિંહ નામની અનુવાદિત નવલકથા હપ્તાવાર પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ સામયિકના પાંચમા અંકથી નવલરામે શરૂ કરેલી ગ્રંથ સમીક્ષાની શ્રેણી પણ પ્રિયંવદાની આગવી ઓળખ બની ગઈ હતી. પ્રિયંવદામાં આર્ય કુટુંબની બાળાને ઉદ્દેશીને લેખ લખવામાં આવતા હતા.

સુંદરી સુબોધમાં રાજકીય ક્ષેત્રે સ્ત્રીઓના યોગદાન વિશેના લેખ પણ આવતા હતા, એના દરેક અંકમાં કાવ્યકુંજ અને વાર્તાલહરી એમ ગદ્ય અને પદ્ય બંને પ્રકારનું સાહિત્ય પ્રસિદ્ધ થતું હતું

આજે દુનિયાભરમાં ચર્ચાઈ રહેલી મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો, આજથી એક-દોઢ સદી અગાઉ ગુજરાતી સ્ત્રી સામયિકોમાં લખાઈ ચૂકી છે!

લેખની નીચે લેખકનું નામ મૂકવાની પ્રણાલી પ્રિયવંદામાં જોવા મળતી નથી. મણિલાલ ત્રિવેદીએ પોતે ન લખ્યા હોય એવા લેખમાં ’મળેલું’ એવો ઉલ્લેખ જોવા મળે છે. આ સામયિકની ભાષા પાંડિત્યસભર હતી અને મોટાભાગના લેખનમાં તળપદા શબ્દો અને રૂઢિપ્રયોગોનો બોહળો ઉપયોગ નજરે પડે છે.

આમ છતાં મણિલાલ ત્રિવેદી પ્રિયવંદાનો વિશાળ વાંચકવર્ગ ઉભો કરવામાં સફળ રહ્યા હતા. પ્રિયવંદા સામયિકના પાંચ વર્ષના અનુભવ બાદ મણિલાલ ત્રિવેદીને સમજાયું હતું કે, માત્ર સ્ત્રી વિષયની ચર્ચા કરતું સામયિક ચલાવવું દુષ્કર છે, એ એકાકી બની જાય છે અને મર્યાદિત વિષય હોવાના કારણે જોઈએ એટલા વાંચકો મળતા નથી. અંતે કેવળ સ્ત્રીવર્ગને ઉદ્દેશીને આ સામયિક નહીં ચાલે તેની ખાતરી થતાં એમણે 1885માં શરૂ કરેલું પ્રિયવંદા પાંચ વર્ષ ચલાવી 1890માં બંધ કર્યું અને તેનું ફલક વિસ્તારીને સુદર્શન શરૂ કર્યું હતું.

સુંદરી સુબોધ : રામમોહનરાય જસવંતરાય દેસાઈના તંત્રીપદે સપ્ટેમ્બર 1904માં સુંદરી સુબોધ માસિક શરૂ થયેલું હતું. આ સામયિક અમદાવાદના બંધુસમાજનું મુખપત્ર હતું. સ્ત્રીસમાજની નિરાશાજનક અને અજ્ઞાનભરી સ્થિતિને સુધારવાના લક્ષ્યાંકથી બંધુસમાજે સુંદરી સુબોધ શરૂ કર્યું હતું. સુંદરી સુબોધનું વાર્ષિક લવાજમ 3 રૂપિયા અને 8 પૈસા હતું. સુંદરી સુબોધ સામયિકના પ્રથમ પૃષ્ઠ ઉપર સ્ત્રી ઉન્નતિ માટેના સાહસિક ગોવર્ધન ત્રિપાઠીના વિચારો ઘણા વર્ષો સુધી પ્રસિદ્ધ થતા રહ્યા હતા. સુંદરી સુબોધમાં સ્ત્રીઓને અનુકૂળ આનંદદાયક, સદબોધક વાચનસામગ્રી પ્રકાશિત કરવામાં આવતી હતી. આ સામયિકની વિશિષ્ટ વાત એ હતી કે, તેમાં સ્ત્રીઓને લેખ, કાવ્ય અને અનુભવ લખી મોકલવાની અપીલ કરવામાં આવતી હતી. આ સાથે જ જુદીજુદી લેખન સ્પર્ધા દ્વારા સ્ત્રીઓને લખવા માટે પ્રેરણાદાયી વાતાવરણ ઊભું કરવામાં આવતું હતું. મહિલા વાંચકો પણ સુંદરી સુબોધમાં પોતાના લખાણ મોકલતી હતી, અનેક સ્ત્રીઓનાં લખાણો આ સામયિકમાં આવતા હતા. વિનોદિની – નીલકંઠ, શારદાબહેન મહેતા અને કૃષ્ણાગૌરી રાવલ સુંદરી સુબોધમાં લખતા હતા. સુંદરી સુબોધમાં આવેલા વિજયાલક્ષ્મી ત્રિવેદીનો મનુષ્યજીવનની સફળતા પરનો લેખ મોહનદાસ ગાંધીને એટલો બધો ગમ્યો કે તેમણે એ લેખ ઈન્ડિયન ઓપિનિયનમાં પ્રસિદ્ધ કર્યો હતો.

સ્ત્રીબોધ અને પ્રિયંવદાના લખાણો ઉપદેશાત્મક વિશેષ હતા જ્યારે સુંદરી સુબોધમાં સ્ત્રીઓએ લખેલાં સર્જનાત્મક લખાણો વિશેષ હતા. સુંદરી સુબોધમાં રાજકીય ક્ષેત્રે સ્ત્રીઓના યોગદાન વિશેના લેખ પણ આવતા હતા. એના દરેક અંકમાં કાવ્યકુંજ અને વાર્તાલહરી એમ ગદ્ય અને પદ્ય બંને પ્રકારનું સાહિત્ય પ્રસિદ્ધ થતું હતું. આ સિવાય પાકકલા, ગૃહસુશોભન તેમજ સમયતરંગ નામના વિભાગમાં તે સમયે ગુજરાતમાં બનતી તાજેતરની ઘટનાઓ વિષયક જાણકારી આપવામાં આવતી હતી. સ્ત્રીઓની ઉન્નતિ અને કુટુંબ કલ્યાણની ભાવનાને દર્શાવતું સુંદરી સુબોધ સામયિક ઉચ્ચવર્ગીય કુટુંબની બહેનોમાં પ્રિય હતું. ગુજરાતના શહેરો ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં આવેલા પુસ્તકાલયો અને ક્ધયાશાળાઓમાં સુંદરી સુબોધના અંકો તો મંગાવવામાં આવતા જ પરંતુ વિદેશમાં વસતા ગુજરાતી વાંચકો પણ આ સામયિકના દરેક અંક મંગાવતા હતા. આ સામયિકમાં પ્રકાશિત થતી જાહેરખબરોમાં શબ્દકોષ (ગુજરાતી અને અંગ્રેજી) જેવા વિવિધ પુસ્તકોની ખરીદી પર સુંદરી સુબોધના વાંચકોને વળતર મળતું હતું. સ્ત્રી અને બાળકોની દવા, ખિસ્સામાં રાખવાલાયક વોચ, તિજોરી, પુસ્તકો વગેરેની જાહેરખબર સુંદરી સુબોધમાં આવતી હતી.

19મી-20મી સદીમાં સમાજ સુધારણા અને સ્વતંત્રતા મેળવવાના પત્રકારત્વની સાથે સ્ત્રી સ્થિતિ સુધારણા તથા સ્ત્રી સ્વતંત્રતા અપાવવાનું પત્રકારત્વ પણ ગુજરાતી ભાષામાં સક્રિયપણે થઈ રહ્યું હતું. જેણે ગુજરાતી સમાજમાં સ્ત્રીઓના સ્થાન, સન્માન, શિક્ષણ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, સંબંધ વગેરે બાબતોમાં અવાજ ઉઠાવ્યો અને મહિલાઓને સૌના સમાન અધિકાર અપાવ્યા હતા. આજે એકવીસમી સદીમાં મહિલા સશક્તિકરણની જે મોટીમોટી વાતો ચર્ચાઈ રહી છે તે આજથી એક-દોઢ સદી પહેલાં જ ગુજરાતી સ્ત્રી સામયિકોમાં લખાઈ ચૂકી છે. સ્ત્રીબોધ બાદ પ્રિયવંદા અને સુંદરી સુબોધ સામયિકોએ તત્કાલીન ગુજરાતી સમાજમાં સ્ત્રી સશક્તિકરણનું જે કાર્ય કર્યું હતું તે વર્તમાન સમયમાં કોઈ સામયિક કરી રહ્યું હોય તેવી જાણ નથી. જે-તે સમયે સ્ત્રીઓની પ્રગતિના ઉદ્દેશથી શરૂ થયેલા બહેનોના સામયિક, સ્ત્રીઓને પુરુષ સમકક્ષ બનાવવા હેતુથી શરૂ થયેલા નારીઓના સામયિક કે પછી પુરુષ દ્વારા સ્ત્રીઓના ઉત્કૃષ માટે શરૂ કરાયેલા સખીઓના સામયિક વગેરે તમામ મહિલાઓ અને મહિલાઓ માટેના સામયિકોનું ગુજરાતી પત્રકારત્વમાં વિશિષ્ટ પ્રદાન છે. ગુજરાતી સામયિકોમાં સ્ત્રી વિષયક સામયિકો સૌથી વધુ વંચાતા – વહેચાતા આવ્યા છે. સખીઓના સામયિક વાંચવાં કોન ન ગમે? અને તેમાં દર્શાવેલા વિચારો કેટલાને અપનાવવા ગમે?

વધારો : સ્ત્રીજીવનનાં વિવિધ પાસાંઓને ઉજાગર કરતું સામયિક સ્ત્રીજીવન મનુભાઈ જોધાણીએ શરૂ કર્યું હતું. મનુભાઈ જોધાણી સ્ત્રીબોધ સામયિકના સંપાદક પણ હતા. મનુભાઈ જોધાનીના સામયિક સ્ત્રીજીવનમાં ધૂમકેતુ, મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, ધીરજલાલ શાહ જેવા પ્રતિષ્ઠિત લેખકો-પત્રકારો લખતા હતા. સ્ત્રીજીવન સામયિક નવા લેખક અને લેખિકાઓને લખવા માટે પ્રોત્સાહન આપતું હતું. સ્ત્રીજીવન સામયિકે ઘણી મહિલાઓને લખતી કરી દીધી હતી. આ સામયિકમાં મુખ્યત્વે વાર્તાઓ, લઘુકથાઓ, કાવ્યો, જોડકણાં, વાનગી, સ્વાસ્થ્ય, સૌંદર્ય સંબંધી લેખો અને પુસ્તક પરિચય આવતા હતા. મહિલા વિષયક સામયિક હોય સ્ત્રીજીવનમાં સ્ત્રીજગતના સમાચાર પર વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. સ્ત્રીજીવન સામયિકને જાહેરખબરોથી આર્થિક ટેકો મળી રહેતો હતો. સ્ત્રીજીવનના ઘણા વિશેષાંકો પ્રગટ થયા છે જેની વાંચનસામગ્રી આજની તારીખમાં પણ તરોતાજા છે.