હમાસ અને હીઝબુલ્લાહ સામેની લશ્કરી કાર્યવાહી હવે પુરા ખાડીને યુદ્ધમાં ધકેલશે?
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઈરાને કરેલા હુમલા બાદ મધ્ય-પૂર્વમાં ભારે તંગદીલી છવાઈ ગઈ છે અને ભીષણ યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. ઈરાને કરેલા હુમલાનો વળતો જવાબ આપવા ઈઝરાયલ તૈયારી કરી રહ્યું છે. ટૂંક સમયમાં જ આ યુદ્ધ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી પ્રબળ શક્યતાઓ છે.
ઈરાને કરેલા હુમલા બાદ વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુ ખૂબ જ ક્રોધમાં જોવા મળ્યા. તેમણે હુમલા બાદ આપેલા એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, ઈરાને રોકેટમારો કરીને બહુ મોટી ભૂલ કરી દીધી છે. હુમલા બાદ ઇઝરાયેલ દ્વારા જેરુસલેમમાં જ સુરક્ષા કેબીનેટની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં તેમણે કહ્યું કે ઈરાને આની કિંમત ચૂકવવી જ પડશે. સાથે જ તેમણે ઈરાનના આ હુમલાની નિષ્ફળ ગણાવ્યો હતો. બીજી તરફ તેમણે અમેરિકાનો પણ આભાર માન્યો કે તેમની વાયુ સુરક્ષા પ્રણાલીથી ઈરાની હુમલાને નિષ્ફળ બનાવવામાં સફળતા મળી. આ પરિષદમાં તેમણે કહ્યું કે, ઈરાને એક બહુ જ મોટી ભૂલ કરી દીધી છે અને તેને તેની કિંમત ચૂકવવી જ પડશે. તેઓ અમારા પોતાની સુરક્ષા અને દુશ્મનો પાસેથી નુકસાનનો બદલો લેવાના સંકલ્પને કદાચ નથી સમજી રહ્યા. સિનવાર અને ડેફ તેને સમજવામાં નિષ્ફળ ગયા, નસરલ્લાહ અને મોહસેન પણ તેને ન સમજી શક્યા. તેહરાન પણ તેને નથી સમજી રહ્યું. તેમને સમજવું જ પડશે, અમે અમારા નિયત કરેલા દૃઢ સંકલ્પ પર અડગ રહીશું. જે પણ અમારા પર હુમલો કરશે અમે પણ તેમના પર હુમલો કરીશું.
ઇઝરાયલની પલટવારની તૈયારી શરૂ
ઇઝરાયલી દળોએ દક્ષિણ લેબનનમાં પ્રવેશ કર્યો છે અને હિઝબુલ્લાના સ્થાનો પર જમીની હુમલા શરૂ કર્યા છે. ઈઝરાયલની સૌથી ખતરનાક ગોલાની બ્રિગેડ ગ્રાઉન્ડ ઓપરેશનને અંજામ આપવા મેદાનમાં છે. ગોલાણી બ્રિગેડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઈઝરાયલની સૌથી ખતરનાક બ્રિગેડના સૈનિકો એકબીજાના માથે હાથ મુકેલાં જોવા મળે છે અને ઓપરેશન પહેલાં અને યોગ્ય બદલો લેવાનો સંકલ્પ લઈ રહ્યા છે. બ્રિગેડના જવાનો મેદાન-એ-જંગમાં ઉતરતા પહેલાં ગીત ગાતા જોવા મળી રહ્યા છે.
- Advertisement -
અમેરિકાએ પણ દક્ષિણ લેબનનમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલા જમીની હુમલાને પોતાની સંમતિ આપી દીધી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે IDF ઇઝરાયેલ સરહદ નજીક લેબનનમાં હિઝબુલ્લાહના માળખાને નિશાન બનાવીને મર્યાદિત ગ્રાઉન્ડ ઓપરેશન ચલાવી રહ્યું છે. અમેરિકા શરૂઆતથી જ ઈઝરાયલની સાથે ઉભું છે અને હજુ પણ પૂરી મદદ કરી રહ્યું છે. IDFએ લેબનનના લગભગ 25 ગામોના લોકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા જણાવ્યું છે. ઈઝરાયલની સેનાએ કહ્યું કે હિઝબુલ્લાહની કાર્યવાહીએ અમને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની ફરજ પાડી છે. પરંતુ અમે તમને નુકસાન પહોંચાડવા માંગતા નથી.
ઈઝરાયલ ઈરાનના તેલ ભંડાર પર હુમલો કરી શકે છે
ઈરાનના હવાઈ હુમલા બાદ ઈઝરાયલ હવે જવાબી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. એક્સિયોસના રિપોર્ટ મુજબ ઈરાનને પાઠ ભણાવવા માટે ઈઝરાયલ ઈરાનના તેલ ભંડાર પર હુમલો કરી શકે છે.
અહેવાલમાં ઈઝરાયલના અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે યહૂદી રાજ્ય થોડા દિવસોમાં ઈરાન પર વળતો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે તમામ વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી રહી છે, જેમાં ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરવાની યોજના પણ સામેલ છે. રિપોર્ટ અનુસાર, ઈરાન હવે હુમલો કરશે તો તેની પ્રતિક્રિયા શું હશે તે અંગે પણ ઈઝરાયલ વિચારી રહ્યું છે. જો ઈરાન સાથે યુદ્ધ થાય તો ઈઝરાયલે તેની તૈયારી પણ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભારતે ઈરાનમાં રહેતા નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષ બાદ ભારતે ઈરાનમાં રહેતા પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે ભારતીયોને ઈમરજન્સી વગર ઈરાન ન જવાની સલાહ આપી છે. આ સિવાય ઈરાનમાં રહેતા ભારતીયોને એલર્ટ રહેવા અને એમ્બેસી સાથે સતત સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.
એકબીજાના માથે હાથ, ગીત ગાતા-ગાતા મેદાન-એ-જંગમાં ઘૂસી ઇઝરાયલની ખતરનાક બ્રિગેડ
અમેરિકાએ દખલ ન કરવી જોઈએ: ઈરાન
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે અમે ઈઝરાયલ પર હુમલો કરતા પહેલા અમેરિકાને જાણ કરી ન હતી. પરંતુ હવે અમે તેને દખલ ન કરવા ચેતવણી આપીએ છીએ. અમે અમેરિકાને તેના દળોને દૂર રાખવા અને દખલ ન કરવા કહ્યું છે.
ઈરાનનો ઈઝરાયલ પર 200 મિસાઈલથી હુમલો
ઈરાનના આઈઆરજીસી કમાન્ડર-ઈન-ચીફ સરદાર સલામીના જણાવ્યા અનુસાર, ઈરાને મંગળવારે રાત્રે ઈઝરાયલ પર 200 મિસાઈલો છોડી હતી. એક વીડિયોમાં સલામી ઈરાનના રાષ્ટ્રપતિ પઝાકિયન સાથે ટેલિફોન પર વાત કરી રહ્યા છે. તેમણે કોલ પર કહ્યું “આ ઓપરેશનમાં 200 મિસાઇલો છોડવામાં આવી હતી.” આ પહેલા ઈઝરાયલની સેનાએ કહ્યું હતું કે લગભગ 180 મિસાઈલો છોડવામાં આવી હતી. તે જ સમયે, અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું હતું કે લગભગ 200 બેલેસ્ટિક મિસાઇલો છોડવામાં આવી હતી. ઈરાને ઈઝરાયલ પર એક કલાક સુધી મિસાઈલ હુમલો કર્યો.