10 હજાર ફૂટ પર સ્થિત વિશ્વની સૌથી લાંબી રોડ ટનલ – અટલ ટનલ દેશમાં બનીને તૈયાર: મનાલીથી લેહની વચ્ચેનું અંતર અંદાજે 46 કિમી ઓછું થઈ જશે

અટલ ટનલનાં નિર્માણથી લદ્દાખ વર્ષભર સંપૂર્ણ રીતે જોડાયેલું રહેશે: આ લેખમાં વધુમાં જાણો અટલ ટનલની અજાણી વિશેષતાઓ

દુનિયાની સૌથી આધુનિક સુવિધાઓથી સજ્જ અને 10000 ફૂટની ઉંચાઈ પર આવેલી સૌથી લાંબી વાહનવ્યવહાર ટનલ ભારતમાં બનીને તૈયાર થઈ ગઈ છે. આ ટનલના કાર્યરત થઈ જવાથી કોઈપણ ઋતુમાં સ્પિતિ ઘાટી અને હિલાયના દૂર્ગમ પ્રદેશો અને દેશનો સંપર્ક તૂટશે નહીં. આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ રોડ ટનલનું ઉદ્દઘાટન કર્યું છે. 10 હજાર 171 ફીટની ઊંચાઇએ બનેલી આ અટલ રોહતાંગ ટનલને રોહતાંગ નજીકથી જોડીને બનાવવામાં આવી છે. આ વિશ્વની સૌથી ઊંચી અને સૌથી લાંબી રોડ ટનલ છે. આ ટનલ અંદાજે 8.8 કિમી લાંબી છે. આ સાથે જ તે 10 મીટર પહોળી પણ છે. હવે મનાલીથી લેહ જવામાં 46 કિમીનું અંતર ઓછું થઈ ગયું છે. આ 46 કિલોમીટરનો રસ્તો અત્યંત ચઢાઈ ધરાવતો હોવાથી એ કાપવામાં હાલ અઢી કલાક લાગે છે. હવે એ અઢી કલાકનું અંતર ટનલને કારણે 10 મિનિટમાં કપાઈ જશે. નાલી-લેહ રોડ પર વધુ ચાર ટનલ પણ પ્રસ્તાવિત છે. હાલમાં આ ટનલ બનીને સંપૂર્ણ થઈ ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, દેશને વધુ એક ગૌરવાન્વિત કરતી ક્ષણ આવી છે, જેની ખૂબ જ લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તેવી અટલ સુરંગ બનીને તૈયાર થઈ ગઈ છે. લેહ અને મનાલીને જોડતી આ ટનલનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં ગત વર્ષે અટલ રોહતાંગ સુરંગ (અટલ ટનલ) નામ રાખવામાં આવ્યું છે. સુરંગની ઠીક ઉપર સેરી નદીનું પાણી જળાશયમાં ભેગું કરવામાં આવશે. આ કારણે સુરંગ બનાવવામાં 4000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ યોજનાને પૂર્ણ કરવામાં લગભગ 5 વર્ષનો વિલંબ થયો છે. પરંતુ દેર આયે-દુરસ્ત આયે આ કહેવતની જેમ હવે આ ટનલ દેશના તાજમાં એક બેશકિંમતી રત્નની જેમ ઝળકશે. ખાસ નોંધનીય બાબત એ પણ છે કે, આ ટનલ બનાવવા પાછળ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખાસ મહેનત લીધી છે અને તેમના પ્રયાસોથી આ અશક્ય કાર્ય શક્ય બન્યું છે. 8.8 કિમી લાંબી આ સુરંગનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની જવાબદારીએ હતું. આ ટનલ શરું થયા બાદ હવે તમામ સીઝનમાં લાહુલ અને સ્પીતિ ખીણ પ્રદેશના દૂર દૂરના વિસ્તારો સુધી સંપર્ક રહેશે. આ ટનલ બહારથી જેટલી મજબૂત છે અંદરથી એટલી જ સુરક્ષિત અને સુવિધાજનક છે. સુરંગની અંદર થોડા થોડા અંતરે સીસીટીવી કેમેરા, લાઇટ સેવિંગ સેન્સર સિસ્ટમ, પ્રદૂષણને રોકવા માટે સેન્સર સિસ્ટમ, ઓક્સિજન લેવલને સ્થિર રાખવા ટનલના બંને છેડે હાઈ કેપેસિટી વિંડ ટર્બાઈન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવ્યા છે. નિશ્ચિત અંતરે ફાયર સેફ્ટી સિસ્ટમ ફિટ કરવામાં આવી છે. ટનલમાં જો કોઈ દુર્ઘટના ઘટે તો સુરંગમાં વાહનોના પ્રવેશને અટકાવીને આગ પર તરત કાબૂ મેળવાવા તેનો ઉપયોગ થઈ શકે છે. આ ઉપરાંત આગ અથવા અન્ય કોઈ દુર્ઘટનાથી જો સુરંગમાં વાહનવ્યવહાર બાધીત થાય તો મુખ્ય રોડની નીચે એક વૈકલ્પિક સુરંબ પણ બનાવવામાં આવી છે. જે મુખ્ય સુરંગની જેમ જ 8.8 કિમી લાંબી હોય છે. આ સુરંગ સુધી પહોંચવા માટે મુખ્ય સુરંગમાં ઘણા જુદા જુદા સ્થળેથી રસ્તા બનાવવામાં આવ્યા છે. સુરંગની લાઈટ સિસ્ટમ એવા પ્રકારની છે કે વાહન એક નિશ્ચિત અંતરે આવે ત્યારે પોતાની જાતે શરું થઈ જાય અને તેના પસાર થઈ ગયા બાદ જાતે જ ડીમ થઈ જાય છે. આ સુરંગથી બહાર નીકળતા જ નોર્થ પોર્ટલમાં બૌદ્ધ શૈલીના સ્વાગત દ્વારને બાદ ચંદ્રા નદીના પૂલને પાર કરીને પ્રવાસીઓ જૂના મનાલી-લેહ માર્ગે પહોંચી જાય છે.

એક કલાકના પ્રવાસ બાદ યાત્રીઓ પ્રવાસીઓ કેલંગ અને માત્ર 9-10 કલાકમાં લેહ પહોંચી જશે. આ સુરંગ બનતા હવે લાહુલથી લદ્દાખ જવા માટે રોહતાંગ પાસથી જવાની જરુર નથી. આ ઉપરાંત મનાલી અને લેહ વચ્ચે લગભગ 46 કિમીનું અંતર ઓછું થઈ જાય છે. લાહુલ ખીણ પ્રદેશ બરફવર્ષાના કારણે 6 મહિના બાકીની દૂનિયાથી કટ થઈ જાય છે. જોકે આ સુરંગ બનતા હવે આ ખીણ પ્રદેશનો સંપર્ક દેશ સાથે કોઈપણ મોસમમાં તૂટશે નહીં. આ ઉપરાંત અહીં વીજળીની પણ સમસ્યા દૂર થશે કેમ કે તેની લાઈન પણ સુરંગની અંદરથી જ જઈ રહી છે. આ સુરંગ શિયાળામાં પણ ખુલ્લી રહેશે જોકે હજુ તેને મનાલી અને કેલંગને જોડવાવાળા રોડને હિમસ્ખલનથી બચાવવાનો બાકી છે. આ માટે સ્નો એન્ડ એવલાંચ સ્ટડી એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ એવલાંચ પ્રોટેક્શન સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સુરંગના કારણે કોઈપણ ઋતુમાં વાહનો અંદરથી પસાર થઈ જશે અને હિમખંડ, પૂર અને પથ્થર જેવી તમા આફતો આ સુરંગની ઉપરથી પસાર થઈ જશે પણ અંદર વાહનોને નુકસાન નહીં થાય. અટલ ટનલ માત્ર મનાલીને લેહ સાથે નહીં જોડે પરંતુ હિમાચલ પ્રદેશના લાહોલ-સ્પિતિમાં પણ યાતાયાતને સરળ કરી દેશે. આ કુલ્લુ જિલ્લાના મનાલીથી લાહોલ-સ્પિતિ જિલ્લાને પણ જોડશે. આ બનવાથી સૌથી વધારે ફાયદો લદ્દાખમાં તૈનાત ભારતીય સેનાને મળશે. કારણે શિયાળાની ઋતુમાં પણ હથિયાર અને સામગ્રીની આપૂર્તિ સરળતાથી થઇ શકશે. હવે માત્ર જોજિલા પાસેથી જ નહીં પરંતુ આ માર્ગ દ્વારા પણ સેનાને સામાન સપ્લાય થઇ શકશે. આ ટનલની અંદર કોઇ પણ વાહન વધારેમાં વધારે 80 કિમી પ્રતિ કલાકની ઝડપથી ચાલી શકશે. આને બનાવવાની શરૂઆત 28 જૂન 2010ના રોજ થઇ હતી. આને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એ બનાવ્યું છે. આ સુરંગ ઘોડાની નાળના આકારમાં બનાવવામાં આવેલ છે.