જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કામથી હાલાકી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
- Advertisement -
જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર, નળ કનેક્શન, કેબલ કનેક્શન અને ગેસ પાઈપલાઈન સહિતની કામગીરી ચાલી રહી છે. ત્યારે જૂનાગઢના અનેક વિસ્તારોમાં આખા રોડ ફરીથી ખોદવાનું ભૂત ધૂણ્યું છે. રોડ અને રસ્તાઓ તોડી નખાતા રાહદારીઓ, વાહનચાલકો અને ખાસ કરીને રેસિડેન્ટના અનેક બીમાર દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે છેલ્લા કેટલાક દિવસોથી જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 10 માં આવેલ જવાહર રોડ આખો ખોદી નાખવામાં આવ્યો છે. રોડની આવી બિસ્માર હાલતને કારણે સ્થાનિક રહેવાસીઓ, વાહનચાલકો અને શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ ભારે પરેશાન છે. એટલું જ નહીં, આ વિસ્તારમાં બીમાર વ્યક્તિઓને ઈમરજન્સીમાં દવાખાને લઈ જવા પણ મુશ્ર્કેલ બની ગયા છે. આડેધડ ખોદાયેલા જવાહર રોડને લઈને લોકોનો રોષ હવે સામે આવ્યો છે. સ્થાનિક રહેવાસીઓમાં ભાઈઓ-બહેનો અને યુથ કોંગ્રેસના પ્રમુખ મિહિર મહેતાએ સાથે મળીને તંત્ર સમક્ષ ઉગ્ર માંગ ઉઠાવી છે. તેઓની સ્પષ્ટ માંગ છે કે જવાહર રોડ પર જે ખોદાણ કરવામાં આવ્યું છે તેનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને લોકોને પડતી મુશ્ર્કેલીઓનો અંત લાવી ઝડપથી નવો રોડ બનાવવામાં આવે.



