– વિંછીયાને નવા પુસ્તકાલયની ભેટ આપી
રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે જસદણ શહેરમાં આશરે રૂ.10 લાખના ખર્ચે સરકારી પુસ્તકાલયનું રિનોવેશન તેમજ જસદણના આરામ ગૃહમાં રૂ. 18 લાખના ખર્ચે બે નવા સુવિધાયુક્ત રૂમના નિર્માણના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીએ જસદણ પંથકમાં નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, નવું સર્કિટ હાઉસ તથા વિંછીયા તાલુકા મથકે નવું પુસ્તકાલય બનાવવાની જાહેરાત કરી હતી.
આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ લોકોને સંબોધતા કહ્યું હતું કે, પુસ્તકાલયના રિનોવેશનથી વિદ્યાર્થીઓ તેમજ વાચકો માટે વધુ સુવિધા ઉપલબ્ધ થશે. જસદણ- વિંછીયાના નાગરિકોએ અપેક્ષા પણ નહીં રાખી હોય, એવા વિકાસ કાર્યો અને એવી વિવિધ સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે.
નવા વિકાસકાર્યોની જાહેરાત કરતા મંત્રી કુંવરજીભાઈએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ તેમજ લોકોને વાંચવાની સુવિધા મળે તે માટે વિંછીયા તાલુકા મથકે એક સરકારી પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત જસદણ પંથકમાં નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તથા આશરે રૂ. 3 કરોડથી વધુના ખર્ચે નવું સુવિધાયુક્ત સર્કિટ હાઉસ બનાવવામાં આવશે.
જસદણના નાગરિકોને ઉત્તમ સુવિધા આપવાની નેમ વ્યક્ત કરતા મંત્રી કુંવરજીભાઈએ કહ્યું હતું કે, શહેરમાં નદી કાંઠે રિવરફ્રન્ટ, પૂર સંરક્ષણ દિવાલ બનાવવામાં આવશે. શહેરમાં નવા બે બગીચા બનાવવાની પણ પ્રક્રિયા ગતિમાં છે.
જસદણ વિંછીયા પંથકના વિવિધ વિસ્તારોમાં સૌની યોજના તેમજ અન્ય યોજનાઓ થકી પીવાનું પાણીની વધુ ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા ગતિમાં હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
આ તકે જસદણના મામલતદાર સંજયસિંહ અસવાર, ગોંડલના નાયબ ઇજનેર ડી.ડી.ભારાઈ, નાયબ કાર્યપાલક ઇજનેર એસ.આર.ઝાલા, રાજકોટ વિભાગના મદદનીશ ગ્રંથાલય નિયામક લલિત મોઢ, જિલ્લા મહિલા અગ્રણી સોનલબેન જસાણી સહિતના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.