સરકારી સહાય વગર
શ્રમદાનથી ભેખડિયા (ગુજરાત)
21 અને જામલી (મધ્યપ્રદેશ)
51 ચેકડેમ-તળાવ બાંધનાર ભારતના પ્રથમ ગામ
કોરોના મહાકાળમાં ફેકટરી-ઘર છોડીને મનસુખભાઈ સુવાગીયાએ ત્રણ વર્ષ આદિવાસી ગામમાં નિવાસ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
ઈ.સ. 1999થી દેશના જળસંકટને મૂળમાંથી ઉખેડવા જૂનાગઢના જામકા ગામથી ચેકડેમ- તળાવ યોજનાનો પાયો નાખનારા જળક્રાંતિ- ગોક્રાંતિ- ગાય આધારિત કૃષિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયાએ ઈ.સ. 2018માં છોટાઉદયપુર તા. કવાંટ, ગામ ભેખડિયા નિવાસ કર્યો. પોતાના પુત્ર-પુત્રીના લગ્ન નિમિત્તે પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યું અને જાતે પથ્થરો-રેતી- સિમેન્ટની બોરી ઉંચકીને શ્રમદાનનો પ્રારંભ કર્યો જેનાથી પ્રેરાઈને મજૂરી કરતા આદિવાસી ભાઈઓ, બહેનો, બાળકો શ્રમદાનમાં જોડાયા જેથી સંપૂર્ણ શ્રમદાનથી જળક્રાંતિ ટ્રસ્ટના આર્થિક સહયોગથી 100 વર્ષ ટકાઉ અને 14 ફૂટ સુધી ઉંચા 21 ચેકડેમ-તળાવ નિર્માણ કર્યા.
- Advertisement -
એ દરમિયાન દારૂ, બલિપ્રથા, લૂંટફાટ માટે કુખ્યાત ગામ જામલી તા. સોંડવા જિ. આલિરાજપુર (મ.પ્ર.)ની વિગત જાણી. આ ગામ ત્રણ રાજ્યમાં ગાંડી જામી તરીકે કુખ્યાત હતું જે ગામ અન્ય આદિવાસીઓ અને તેની જાનને લૂંટી લેતું હતું ત્યાં મનસુખભાઈ ગયા પ્રથમ બેઠકે એ લોકોના હાથમાં એક લાખ રૂપિયા મૂક્યા. ચેકડેમનો પ્રારંભ થયો. ગાંડી જામલીમાં નિર્ભયતાથી નિવાસ કરવા મનસુખભાઈએ વાંસની ઝૂંપડી બનાવી. આદિવાસીના ઝૂંપડામાં માત્ર દાળ, ભાત ડુંગળી કે મકાઈનો રોટલો, દાળ, ડુંગળી ખાઈને બે વર્ષ શ્રમદાન કર્યું. વિકાસથી સંપૂર્ણ અજ્ઞાત પ્રજાની ચેતના જાગી શ્રમદાન અને જળક્રાંતિ ટ્રસ્ટના આર્થિક સહયોગથી જામલીમાં વિશ્ર્વ દર્શનીય 51 ચેકડેમ-તળાવ અને પહાડોમાં 500 ટ્રેન્ચ નિર્માણ થઈ. આ યોજનાથી ગામનું પાણી ગામમાં સાથે પહાડનું પાણી અને માટી પહાડમાંની દેશની પ્રથમ નવી યોજના સાકાર કરી. વ્યસનમુક્તિથી ભેખડિયા-જામલીને આર્થિક એક કરોડ રૂા. બચત થઈ છે. હાલ એકરે વાર્ષિક બેથી પાંચ હજાર રૂપિયાનું કૃષિ ઉત્પાદન મળે છે તેને પ્રતિ એકર 25 હજારથી એક લાખ કરવાનો જળક્રાંતિ ટ્રસ્ટ- મનસુખભાઈનો સંકલ્પ છે.
મનસુખભાઈએ આદિવાસીમાં દેવના દર્શન કર્યા એથી માનવ ચેતનાનું વાલિયામાંથી વાલ્મિકીમાં પરિવર્તન થયું. ભેખડિયા અને જામલી દારૂ, તમાકુ, ગુટકા, બલિપ્રથા, શિકાર, લડાઈ, ઝઘડા, લૂંટફાટ, દહેજપ્રથા, ડી.જે.સાઉન્ડ, ફટાકડા, અંધશ્રદ્ધા, ડુંગરોઓ સળગાવવા જેવા દૂષણોથી મુક્ત થઈ છે.
જળક્રાંતિ ટ્રસ્ટે બંને ગામને સંપૂર્ણ ગાંડાબાવળ મુક્ત ગામો બનાવ્યા. હવે ખેતરે ખેતરે ઉત્તમ દેશી આંબા ફળઝાડનું વાવેતર કરાશે અને ખુલ્લા પહાડોમાં શ્રમદાનથી પાંચ લાખ વૃક્ષોનું વાવેતર કરાશે. આવતા વર્ષે આ પ્રદેશમાં વધુ 75 ચેકડેમ, તળાવ નિર્માણ કરાશે. ઘેર ઘેર જાતવાન ગાયોનું પાલન ગોવર્ધનથી આરોગ્ય અને કૃષિની ક્રાંતિ કરાશે. અનંતકાળથી વંચિત, ગરીબ, ભૂખ્યા, તરસ્યા આદિવાસી ગામ ભારતના જળતીર્થ, પ્રકૃતિતીર્થ અને સંસ્કૃતિતીર્થ બનશે. ભેખડિયા અને જામલી આ પ્રદેશના ગુજરાત, મ.પ્ર., મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 12 હજાર આદિવાસી ગામોને અને ભારતના 6 લાખ ગામોને માનવ વિકાસ અને સંપૂર્ણ ગ્રામ વિકાસની પ્રેરણા આપશે. પરમાત્માએ સર્જેલ સૃષ્ટિ જળ, જમીન, જંગલ, જીવસૃષ્ટિ અને જનસમાજના શાશ્ર્વત જતનની વિશ્ર્વપ્રેરક દિવ્યગ્રામ યોજનાનો ભારતથી સૂર્યોદય થયો છે.


