બોલિવૂડ એક્ટ્રેસ કંગના રણૌતે જ્યારથી આઝાદીને લઈને નિવેદન આપ્યું છે કે, ’1947માં મળેલી આઝાદી ભીખ હતી, અસલી આઝાદી 2014 પછી જ મળી છે.’
ત્યારથી તે સતત ચર્ચામાં છે. દેશના અલગ-અલગ ભાગમાં કંગના રણૌત વિરુદ્ધ કેટલાંક પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે તો સોશિયલ મીડિયા પર સતત તેને ટ્રોલિંગ કરી પદ્મશ્રી એવોર્ડને પરત કરવાની માગણી કરવામાં આવી રહી છે. એક કાર્યક્રમ દરમિયાન કંગના રણૌતે આ નિવેદન આપ્યું હતું કે, ’આપણને જે આઝાદી મળી હતી તે માત્ર એક ભીખ હતી અસલી આઝાદી તો આપણને વર્ષ 2014માં મળી છે.’ કંગના રણૌતના આ નિવેદન બાદ ખૂબ હોબાળો થયો છે અને હવે કંગના રણૌતની સમાન વિચારધારાવાળા લોકો પણ કંગનાના ભીખમાં મળેલી આઝાદીવાળા નિવેદન મુદ્દે તેની સાથે નથી.
દેશભરમાં કંગના રણૌતનો વિરોધ ચાલુ છે.કંગના રણૌતના નિવેદન સામે ભાજપ-કોંગ્રેસ સહિત વિવિધ પક્ષના રાજકારણીઓ અને અન્ય ઘણા લોકો વાંધો ઉઠાવી રહ્યાં છે.સૌ જાણે છે કે, કંગના રણૌત અન્ય કેટલીક બાબતમાં સાચી હશે પરંતુ ભીખમાં મળેલી આઝાદી મુદ્દે તેનું નિવેદન સદંતર ખોટું છે. કંગના રણૌતનું નિવેદન એ મહાન સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન છે. ભારતે 200 વર્ષના સંઘર્ષ બાદ સ્વતંત્રતા મેળવી છે અને એ સ્વતંત્રતા મેળવવા પાછળ કરોડો લોકોએ પોતાનું કૈકને કૈક સમર્પણ આપ્યું છે. આઝાદી ભીખમાં મળતી નથી, ભારતે 1947માં મેળવેલી આઝાદી ભીખ નથી. આમ છતાં ભીખમાં મળેલી આઝાદી મુદ્દે કંગના રણૌત પોતાના નિવેદન પર મક્કમ છે અને તેણે કહ્યું છે કે, જો તે ખોટી સાબિત થશે તો જાતે જ પદ્મશ્રી એવોર્ડ સરકારને પરત આપી દેશે. કંગના રણૌતનું આ કોન્ફિડન્સ તેના માટે ઘાતક સાબિત થશે અને અંતે તેને આ નિવેદન બદલ માફી માંગવી પડશે તેવું જણાય રહ્યું છે.
- Advertisement -
કંગના રણૌતે પોતાનો બચાવ કહ્યું હતું કે, ’1857માં આઝાદી માટે લડાઈ લડવામાં આવી હતી. તે યુદ્ધમાં સુભાષચંદ્ર બોઝ, રાણી લક્ષ્મીબાઈ અને વીર સાવરકરે ભાગ લીધો હતો. તેઓએ પોતાનું યોગદાન આપ્યું હતું, પરંતુ 1947માં આઝાદી માટે ક્યું યુદ્ધ લડવામાં આવ્યું હતું? મને આ વિશે કોઈ જ જાણકારી નથી. કોઈને માહિતી હોય તો મને આપે.’ અભિનેત્રી કંગના રણૌત કદાચ ઈતિહાસથી અજાણ છે અને એટલે જ આટલા તર્કહીન નિવેદન એક પછી એક આપી રહી છે. કંગના રણૌત 1947ની આઝાદીને ભીખ ગણાવી કદાચ નહેરુ-ગાંધી પરિવાર પર નિશાનો સાધવા ઈચ્છતી હશે પણ 1947ની આઝાદી ભીખ નથી. 1947ની આઝાદી મેળવવા પાછળ માત્ર ગાંધી-નહેરુ જ નહીં પરંતુ કરોડો ભારતીયોએ પોતાના જાન-માલની કુરબાની આપી છે ત્યારે છેક આ દેશને આઝાદી મળી છે, 1947માં મળેલી આઝાદી ભીખ નહીં, ભારતે અંગ્રેજો પર મેળવેલી જીત છે એ કંગના રણૌતે સમજવું પડશે.



