ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ મેઘમહેર જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 248 તાલુકાઓમાં વરસાદ પડ્યો, વિસાવદરમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ.
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી સાચી પડી છે. રાજ્યમાં ફરી બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 248 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના વિસાવદરમાં નોંધાયો છે. વિસાવદરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા વિસાવદર આખું પાણી-પાણી થઈ ગયું છે.
- Advertisement -
છેલ્લા 24 કલાકમાં 248 તાલુકામાં વરસાદ
વિસાવદરમાં છેલ્લા 24 કલાકમાં સવા 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે મેંદરડામાં પોણા 8 ઇંચ, રાધનપુરમાં 6.5 ઇંચ, બેચરાજીમાં સવા 6 ઈંચ, વંથલીમાં 6 ઈંચ, મહેસાણા અને ભાભરમાં પોણા 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત દિયોદર, બગસરા, ડીસા અને જૂનાગઢમાં સવા 4 ઇંચ વરસાદ પડ્યો છે.
ધ્રાંગધ્રામાં નોંધાયો પોણા 4 ઇંચ વરસાદ
જ્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પોણા 4 ઇંચ, વિસનગર, વડગામ અને માળીયા હાટીનામાં 3.5 ઇંચ, ચાણસ્મા, રાપર, હળવદ અને દાંતીવાડામાં 3.5 ઇંચ, થરાદ અને તાલાલામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો કેટલીક જગ્યાએ નદીઓમાં ઘોડાપૂર આવતા નદીકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
207 જળાશયો 93 ટકા ભરાયા
રાજ્યમાં ચોથા રાઉન્ડના વરસાદ બાદ જળાશયો છલોછલ ભરાયા છે. રાજ્યના 207 ડેમ 93 ટકા ભરાયા છે. રાજ્યના 90 જળાશયોને હાઇએલર્ટ પર મુકાયા છે. જ્યારે 111 જળાશયોમાં 70થી 100 ટકા પાણીનો સંગ્રહ, 30 જળાશયોમાં 50થી 70 ટકા જળસંગ્રહ, 23 જળાશયોમાં 25થી 50 ટકા જળસંગ્રહ અનેફક્ત 14 જળાશયોમાં 25 ટકા કરતા ઓછો જળસંગ્રહ થયો છે.
- Advertisement -
28 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ
રાજ્યભરના કુલ 28 જળાશયોમાં (સરદાર સરોવર સહિત) 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. 111 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા જળસંગ્રહ, 30 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ, 23 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસંગ્રહ, 14 જળાશયોમાં 25 ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 75.69 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 92.11 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 95.89 ટકા, કચ્છના 20 જળાશયોમાં 59.53 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 78.77 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
90 જળાશયો હાઈએલર્ટ પર
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 27 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 63 જળાશયો મળી કુલ 90 જળાશયો હાઈએલર્ટ પર છે. જ્યારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 28 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 20 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.