મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધીના એક કિમીના રસ્તામાં દબાણોનો કડુસલો: 30 જેટલા આસામીઓએ સ્વેચ્છાએ દબાણો હટાવી લીધા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.29
મોરબી મહાનગરપાલિકાનું બુલડોઝર આજે સામાકાંઠા વિસ્તારમાં ચાલ્યું છે. અહીં સવારથી નડતરરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે. જો કે ઘણા લોકોએ સ્વેચ્છાએ પણ દબાણ હટાવી લીધા હતા. હાલ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ હેઠળ દર બુધવારે એક રોડ ઉપરથી દબાણ હટાવવામાં આવી રહ્યા છે. જેમાં આજે સામાકાંઠાનો વારો લેવામાં આવ્યો છે. મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધીના એક કિમીના રસ્તામાં દબાણોનો કડુસલો બોલાવી તેને હટાવવામાં આવી રહ્યા છે. આ અંગે વેપારીઓને અગાઉ જાણ પણ કરવામાં આવી હતી કે મહાપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે.
- Advertisement -
આ અંગે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે ગઈકાલે વેપારીઓને જાણ કરવામાં આવી હતી કે આજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેને પગલે 30 જેટલા દબાણ દૂર પણ થઈ ગયા હતા. વધુમાં નહેરુ ગેટ પાસે દબાણ દૂર ક્યારે કરવામાં આવશે તેવું પૂછતાં ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે મહાપાલિકાએ રોડના રૂટ નક્કી કરેલા છે. એક બુધવારે નહેરુગેટ વિસ્તારમાં પણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.