ભારત મોબાઇલ હેન્ડસેટ માર્કેટમાં ઝડપથી વિકાસ કરી રહ્યું છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના અહેવાલ મુજબ, 5જી સ્માર્ટફોન શિપમેન્ટના સંદર્ભમાં ભારતે અમેરિકાને પાછળ છોડી દીધું છે અને હવે ભારત વિશ્વનું બીજું સૌથી મોટું 5જી મોબાઇલ બજાર બની ગયું છે. સેન્સર ટાવરના મોબાઇલ વપરાશ અંગેના ‘સ્ટેટ ઓફ મોબાઇલ 2025’ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ભારતીયો વિશ્વના અન્ય દેશો કરતાં વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરે છે અને મોબાઇલ એપ્લિકેશન પર વધુ સમય વિતાવે છે.
એપ્સથી થતી કમાણીમાં ભારત ટોચના 20 દેશોમાં પણ નથી
જો કે ભારત હજુ પણ એપ્સ દ્વારા માલસામાન ખરીદવામાં પાછળ છે. એપ્સથી થતી કમાણીના સંદર્ભમાં ભારત ટોચના 20 દેશોમાં પણ નથી. ભારતમાં 2024માં એપ ડાઉનલોડ્સમાં ઘટાડો આવ્યો છે. ગત વર્ષે 24.3 અબજ (2400 કરોડ) એપ્સ ડાઉનલોડ થઈ હતી, જે વર્ષ અગાઉ 2023માં 25.6 અબજ (2500 કરોડ) અને 2022માં 26.6 અબજ (2600 કરોડ) એપ ડાઉનલોડ થઈ હતી.
- Advertisement -
ભારતમાં મીડિયા, સોશિયલ મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ એપ્સ સૌથી વધુ લોકપ્રિય
એપ ડાઉનલોડ્સમાં ઘટાડા છતાં, ભારતીય લોકોએ એપ પર વધુ સમય વિતાવવાનું શરૂ કર્યું છે. 2024માં ભારતીયોએ વિવિધ એપ્લિક્શન પર 1.12 લાખ કરોડ કલાક વિતાવ્યા છે. સમયનો આ પ્રકારનો ઉપયોગ 2023માં 99 હજાર કરોડ કલાક અને 2022માં 84 હજાર કરોડ કલાક હતો.
ભારતમાં મીડિયા અને સોશિયલ મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ એપ્સ સૌથી વધુ લોકપ્રિય છે. જો કે આ એપ્સના ડાઉનલોડમાં પણ ઘટાડો થયો છે. જો કે ઓનલાઈન પણ સમાજને અલગ રસ્તે લઈ જતી ડેટિંગ એપ્સની આવક 2024માં 25 ટકા વધીને 55 મિલિયન ડોલર અર્થાત રૂ. 475 કરોડ સુધી પહોંચી ગઈ છે.
- Advertisement -
અંતે નિષ્કર્ષમાં, એવું કહી શકાય કે ભારત ભલે 5જી અને એપના ઉપયોગની દ્રષ્ટિએ ઝડપથી વિકાસ કરી રહ્યું હોય છતાં એપ શોપિંગ અને અન્ય કેટલાક ક્ષેત્રોમાં હજુ પણ સુધારાની જરૂર છે. ભારતીયો દર વર્ષે મોબાઇલ પર વિતાવતા સમયનું પ્રમાણ વધી રહ્યું છે જે ડિજિટલ વિકાસ તરફ એક મોટું પગલું છે પરંતુ આ ટેવ દૂષણ ન બને તેની તકેદારી અને સ્વયં શિસ્તતા પણ જરૂરી છે.