ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
વર્ષોથી અમેરિકા એમને ત્યાં વસતા ઈલ્લિગલ ઈમિગ્રન્ટો વિશે ચિંતા વ્યક્ત કરી રહી છે. એમના પ્રેસિડન્ટો ‘અમારે ત્યાં પરદેશીઓ ગેરકાયદેસર ઘૂસી આવે છે, ગેરકાયદેસર કામ કરે છે અને અમારા દેશવાસીઓને નુકસાન પહોંચાડે છે’ એવી બૂમાબૂમ કરી રહ્યા છે. શું આ ઊહાપોહ સાચો છે?
- Advertisement -
અમેરિકાના ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ, 1952’ હેઠળ જે નોન-ઈમિગ્રન્ટ વિઝા ઘડવામાં આવ્યા છે એમાં સ્પેશિયાલિટી ઓક્યુપેશન વર્કરો માટેના ‘એચ-1બી’ વિઝા ખાસ ઘડવામાં અવ્યા છે. આ વિઝા હેઠળ ભણેલાગણેલા ગ્રેજ્યુએટો અથવા તો ગ્રેજ્યુએટ બનતાં જેટલો સમય લાગે એનાથી ત્રણ ગણો સમય એક જ વ્યવસાયમાં કાર્ય કરતા પરદેશીઓને અમેરિકામાં કામ કરવા માટે છ વર્ષ સુધી રહેવાની છૂટ આપવામાં આવી છે. આ ‘એચ-1બી’ વિઝાની આજે વાર્ષિક ક્વોટાની સંખ્યા 85,000ની છે. આટલા 85,000 ‘એચ-1બી’ વર્કરો માટે અમેરિકાની લગભગ પાંચથી છ લાખ કંપનીઓ અરજી કરે છે. એ દર્શાવી આપે છે કે અમેરિકાને આટલા બધા ભણેલાગણેલા કાર્યકરોની એમને ત્યાં કામ કરવા માટે જરૂર છે.
નોન-ઈમિગ્રન્ટ વિઝામાં આંતરકંપની ટ્રાન્સફરી મેનેજરો, એક્ઝિક્યુટિવો અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ માટે અમેરિકામાં સાત યા પાંચ વર્ષ કામ કરવાની છૂટ આપતાં ‘એલ-1’ વિઝા ઘડવામાં આવ્યા છે. આ મુજબ જ અનેક અન્ય જુદા જુદા પ્રકારના, જુદી જુદી કાર્યશક્તિ ધરાવતા પરદેશીઓ માટે નોન-ઈમિગ્રન્ટ વિઝા ઘડવામાં આવ્યા છે, જેની હેઠળ પરદેશીઓ અમેરિકામાં આવીને એકથી માંડીને થોડાં વર્ષો સુધી કાયદેસર કામ કરી શકે છે. આ સર્વે છૂટ એ દર્શાવી આપે છે કે અમેરિકામાં જુદાં જુદાં કાર્યો કરવા માટે એજ્યુકેટેડ વર્કરો તેમ જ અભણ મજૂરોની પુષ્કળ જરૂર છે. અમેરિકાનાં ખેતરોમાં તો કામ કરતાં પંચોતેર ટકા જેટલા મજૂરો પરદેશીઓ જ છે, જેમાં પચાસ ટકા જેટલા મજૂરો પરદેશી લિગલી ત્રણ વર્ષ માટે કામ કરવા આવ્યા હોય છે અને પચ્ચીસ ટકા જેટલા મજૂરો ઈલ્લિગલી કામ કરી રહ્યા હોય છે.
અમેરિકામાં ભણવા આવતા પરદેશી વિદ્યાર્થીઓને ભણી રહ્યા બાદ એમના અમેરિકાના ભણતરનો લાભ અમેરિકાને મળી રહે એ માટે એક વર્ષ અને અમુક સંજોગોમાં ત્રણ વર્ષ સુધી અમેરિકામાં રહીને કામ કરવાની છૂટ આપવામાં આવી છે. આને ‘ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ’ પિરિયડ કહેવામાં આવે છે.
- Advertisement -
આ સર્વે એ દેખાડી આપે છે કે અમેરિકાને ખરેખર પરદેશી એજ્યુકેટેડ કાર્યકરો તેમ જ અભણ મજૂરોની પુષ્કળ જરૂર છે. અમેરિકન માલિકો જ એમના દેશમાં ગેરકાયદેસર કામ કરતા પરદેશીઓને આમંત્રે છે, ઉત્તેજન આપે છે, કારણ કે એમને આ સર્વેની ખૂબ ખૂબ જરૂર હોય છે. જો અમેરિકન માલિકો ઈલ્લિગલ ઈમિગ્રન્ટોને પોતાને ત્યાં કામ કરવા રાખે જ નહીં તો પછી પરદેશીઓ ગેરકાયદેસર અમેરિકામાં આવતા અટકી જાય, પણ પરદેશી કાર્યકરોને, પરદેશી મજૂરોને જાણ છે કે એમની અમેરિકામાં જરૂર છે આથી તેઓ જીવનું જોખમ ખેડીને, હજારો-લાખો રૂપિયા ખર્ચીને અમેરિકામાં ઘૂસે છે. અને અમેરિકન માલિકો જ એમને જરૂર હોય છે એ જરૂરિયાત પૂરી પાડવા અને ઈલ્લિગલ પરદેશીઓ સસ્તા ભાવે કામ કરે છે એટલે એ ફાયદા માટે એમને પોતાને ત્યાં કામ કરવા રાખે છે.
જો અમેરિકાની સરકાર એમના નાગરિકોને ઈલ્લિગલી અમેરિકામાં આવીને વસેલા લોકોને નોકરીમાં રાખવા બદલ સજા ફરમાવે તો પછી એ લોકો ઈલ્લિગલોને પોતાને ત્યાં નોકરીમાં નહીં રાખે. એમ કરતાં ઈલ્લિગલો અમેરિકામાં આવતા અટકી જશે. આ પ્રશ્ર્ન અહીં લખવામાં આવે છે એટલો સરળ નથી. જેમ પરદેશીઓને અમેરિકામાં વધુ પ્રમાણમાં વેતન મળે છે એટલે ત્યાં આવવા લલચાય છે, એ મુજબ જ અમેરિકન માલિકો પણ અમેરિકન મજૂરો કરતાં પરદેશી મજૂરો યા અમેરિકન કાર્યકર્તાઓ કરતાં પરદેશી કાર્યકરોને ઓછા દામ આપવા પડે છે એટલે એમને આવકારે છે. એટલું જ નહીં, પણ ઉત્તેજન આપે છે. જો તેઓ આવું કરવાનું બંધ કરે તો અમેરિકાની અનેક ઈન્ડસ્ટ્રીઝ, અનેક હોસ્પિટલો, યુનિવર્સિટીઓ બંધ પડી જાય, અનેક ઉદ્યોગો નષ્ટ પામે. એમનાં ખેતરોમાં કામ કરવા કોઈ મજૂરો જ ન મળે. આમ ઊભય પક્ષે જરૂરિયાત હોવાના કારણે પરદેશીઓ અમેરિકામાં ઈલ્લિગલી જવા લલચાય છે અને અમેરિકનો ઈલ્લિગલ ઈમિગ્રન્ટોને પોતાને ત્યાં કામ આપવા ઈચ્છે છે.
જો અમેરિકા એમના જુદા જુદા વાર્ષિક ક્વોટાની સંખ્યામર્યાદા વધારશે નહીં, એમના ઈમિગ્રેશનના કાયદાઓમાં એવી છૂટછાટ મૂકશે નહીં કે જેથી પરદેશીઓ અમેરિકામાં કામ કરવા જોઈતી સંખ્યામાં સહેલાઈથી આવી શકે, તો આ ઈલ્લિગલ ઈમિગ્રન્ટોનો પ્રશ્ર્ન યથાવત્ રહેશે. અમેરિકાના લગભગ બધા જ પ્રેસિડન્ટોએ આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ હજુ સુધી એમને જોઈએ એવી સફળતા પ્રાપ્ત થઈ નથી. ઈલ્લિગલ ઈમિગ્રન્ટોને અમેરિકા બહાર તગેડી મૂકવાનું અને કાયદેસર અમેરિકામાં પરદેશીઓને પ્રવેશ આપવાનું ઓછું કરી નાખવામાં આવશે તો એ આ સમસ્યાનું નિરાકરણ નહીં હોય.
સાચી હકીકત એ છે કે જેમ પરદેશીઓને અમેરિકામાં કામ કરવા જવું છે તેમ જ અમેરિકાને પણ પોતાને ત્યાં કામ કરવા માટે પરદેશી કાર્યકરોની જરૂર છે. આથી આ પ્રશ્ર્નનો ઊંડો વિચાર કરીને, બન્ને બાજુ તપાસીને, એનો ઉકેલ લાવવો જરૂરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ જેવું વિચારે છે કે બધા જ ઈલ્લિગલ ઈમિગ્રન્ટોને અમેરિકા બહાર મોકલી દેવા અને લિગલ ઈમિગ્રન્ટોને અમેરિકામાં પ્રવેશતાં અટકાવી દેવા એ આ સમસ્યાનો ઉકેલ હોય એવું જણાતું નથી. ઊલટાનું જો અમેરિકાના 47મા પ્રેસિડન્ટ આવું પગલું ભરશે તો વિશ્ર્વના અન્ય દેશોના વતનીઓનું શું થશે, એ વાત જવા દઈએ, પણ અમેરિકાને એમને ત્યાં કામ કરતાં કાર્યકરોની ભયંકર ખોટ વરતાશે અને એ કારણે એની પ્રગતિ અટકી જશે.