ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં નગર પાલીકામાં ચૂંટણીમાં 50 ટકા મહિલા અનામતનો કાયદો લાવવામાં આવ્યો છે. પરંતુ આ કાયદાનો દુરઉપયોગ થઇ રહ્યો હોવાની ફરિયાદો મળી છે. વેરાવળ નગરપાલીકામાં મહિલા અનામતનાં કાયદોનો દુરઉપયોથ થતો હોવાની રજુઆત કરાઇ છે અને આ કાયદો રદ કરવા માંગ કરાઇ છે.
વેરાવળનાં સામાજીક કાર્યકરોઓે આજે આવેદન પાઠવ્યું હતું. આવેદનમાં મહિલા અનામતનાં કાયદાનો દુરઉપયોગ થતો હોવાની ફરિયાદ કરી હતી. આવેદન પત્રમાં જણાવ્યું હતું કે,નગરપાલીકામાં 50 ટકા મહિલા ઉમેદવારનો કાયદો બનાવ્યો છે. સરાહનીય છે અને મહિલા દરેક ક્ષેત્રમાં આગળ વધે તે જરૂરી પણ છે. વેરાવળ નગરપાલીકામાં 50 ટકા મહિલા નગરસેવકોમાંથી કોઇ હાજર હોતું નથી અને મહિલા નગર સેવકની જગ્યાએ તેના ઘરનાં સભ્યો હોય છે. મહિલા નગર સેવકનાં પદનો ગેરઉપયોગ કરી કાયદાનો ભંગ કરી રહ્યાં છે. ત્યારે મહિલા અનામત કાયદાનો કડક અમલ કરાવો અથવા આ કાયદો રદ કરવો જોઇએ. મહિલા નગરસેવકનાં ઘરનાં સભ્ય પદનો દુરઉપયોગ ન કરે તેવો ઠરાવ કરવો જોઇએ. આ તકે ડો. હિતેષભાઇ જીમુલીયા સહિતનાં હાજર રહ્યાં હતાં.