ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મનપામાં મેયરનાં વોર્ડમાં ગટરની સમસ્યાને લઇ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ગઇકાલે લોકો રસ્તા ઉપર ઉતરી ગયા હતા અને ચક્કાજામ કરી દીધો હતો. જેના પગલે કોર્પોરેટર અને અધિકારીઓ દોડી ગયા હતાં. જૂનાગઢનાં ગીરનાર દરવાજા રોડ ઉપર વર્ષોથી ગટરની સમસ્યા છે. અનેક વખત રજુઆત છતા કામ થતું નથી. આગાઉ સીએમ આ રસ્તેથી ઉપરકોટ જવાનાં હોય ત્યારે આ વિસ્તારનાં લોકોએ વિરોધ કર્યો હતો.ત્યારે અધિકારીઓએ લોકોને સમાજવી વહેલુ કામ કરવાની ખાતરી આપી હતી. બાદ આજદિન સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. અહીં ગટરનાં પાણી રસ્તા ઉપર વહી રહ્યાં છે. લોકો ત્રસ્ત થઇ ગયા છે. પરંતુ તંત્રનાં પેટનું પાણી હલતું નથી. ત્યારે મંગળવારનાં દિવસને બપોરનાં સમયે આ વિસ્તારનાં લોકોએ ચક્કાજામ કરી દીધો હતો. જેના પગલે આ વિસ્તારનાં કોર્પોરેટર દોડી ગયા હતાં.આ વિસ્તારનાં મહિલા અને મનપાનાં કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ વોર્ડ મનપાનાં મેયરનો છે.મેયરનાં વોર્ડમાં લોકો ગટરની સમસ્યાથી પીડાઇ રહ્યાં છે. ત્યારે મનપાની કામગીરીને લઇ સવાલ ઉઠ્યાં છે.