ગઈ કાલે રાજૂના અંતિમ સંસ્કારના કલાકો પછી અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં દિવંગત કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ વિશે લખ્યું હતું.

21 સપ્ટેમ્બરના દિવસે સમગ્ર દેશની આંખો ભીની થઈ ગઈ હતી. બધાને હસાવનાર રાજૂ શ્રીવાસ્તવ બધાને રડાવીને ચાલ્યા ગયા. રાજૂ શ્રીવાસ્તવે 42 દિવસ સુધી હોસ્પિટલમાં જીવન સામે લડ્યા બાદ ગઈકાલે અંતિમ શ્વાસ લીધા હતા. રાજૂનું 58 વર્ષની ઉંમરે અવસાન થયું. આજે એટલે કે ગુરુવારે હાસ્યકલાકાર રાજૂ શ્રીવાસ્તવને દિલ્હીના નિગમબોધ ઘાટ પર અંતિમ વિદાય આપવામાં આવી હતી. ગઈ કાલે રાજૂના અંતિમ સંસ્કારના કલાકો પછી અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં દિવંગત કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ વિશે લખ્યું હતું.

અમિતાભ બચ્ચને આપી શ્રધ્ધાંજલિ
અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં લખ્યું હતું કે “એક સાથી, મિત્ર અને રચનાત્મક કલાકાર આપણે છોડીને ચાલ્યા ગયા. અચાનક બીમારી આવી અને પછી તેસમય પહેલા આપણે છોડીને તે ચાલ્યા ગયા. હજુ તો એમની રચનાત્મકતા બહાર આવવાની હતી…. તેમનો હાસ્ય બોધ અને જન્મ સાથે મળેલ રમૂજની ભાવના હંમેશા આપણી સાથે રહેશે. હવે તે સ્વર્ગમાં હસતો રહેશે અને ભગવાનને પણ હસાવશે.’

રાજૂએ એક વાર આંખો પણ ખોલી હતી
જણાવી દઈએ કે જ્યારે રાજૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે અમિતાભ બચ્ચને એક મેસેજ રેકોર્ડ કરીને મોકલ્યો હતો. જે રાજૂ શ્રીવાસ્તવને રોજ સંભળાવવામાં આવતો હતો. અમિતાભ બચ્ચને તેના બ્લૉગમાં રાજૂ માટે મોકલેલ એ વૉઇસ રેકોર્ડિંગનો પણ ઉલ્લેખ કર્યો હતો. એમને લખ્યું હતું કે, ‘રાજૂના પરિવારના સભ્યોએ તેની તબિયત સુધારવાનો પ્રયાસ કરવા મને મારા અવાજમાં એક રેકોર્ડેડ મેસેજ મોકલવાનો આગ્રહ કર્યો હતો. મેં એમ કર્યું અને મારો અવાજ સાંભળીને રાજૂએ એક વાર આંખો પણ ખોલી હતી પણ એ પછી ફરી બંધ કરી લીધી હતી.”

42 દિવસથી હોસ્પિટલમાં હતા દાખલ
જણાવી દઈએ કે રાજૂ દિલ્હીની એક હોટલમાં રોકાયા હતા અને 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક તબિતય લથડતા ઢળી પડ્યા હતા. ત્યારબાદ રાજૂને તરત જ એમ્સમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની કાર્ડિયોલોજી વિભાગમાં સારવાર ચાલી રહી હતી. રાજૂના નજીકના મિત્રોએ તેને મગજમાં ઈજા થઈ હોવાની માહિતી આપી હતી. હાર્ટ એટેક આવ્યા બાદ પડી ગયા બાદ લાંબા સમય સુધી મગજમાં ઓક્સિજન પહોંચ્યો ન હતો.

10 ઓગસ્ટના રોજ ટ્રેડમિલ પર દોડી રહેલા રાજૂને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો અને તેઓ નીચે પડ્યા હતા. પડવાને કારણે તેમને માથામાં ગંભીર ઈજા પંહોચી હતી. રાજૂને દિલ્હીની એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમણે તાત્કાલિક વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. જો કે AIIMSના ડોક્ટરોએ રાજૂને બચાવવા માટે ઘણા પ્રયત્ન કર્યા હતા અને વચ્ચે રાજૂની તબિયતમાં પણ સુધારો થતો જોવા મળ્યો હતો. એ સમયે એમના પરિવાર અને ચાહકોને આશા હતી કે રાજૂ ઠીક થઈ જશે પણ ગઈ કાલે જીવન સાથેની એ લડાઈ સામે હારીને રાજૂએ છેલ્લો શ્વાસ લીધો હતો.