રાજધાની દિલ્હીની વિશ્વવિખ્યાત જામા મસ્જિદે મહિલાઓને લઈને એક મોટો નિર્ણય લીધો છે.

દિલ્હીની જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશને લઈને એક મોટો અને વિવાદિત નિર્ણય લેવામાં આવ્યો છે. જામા મસ્જિદ કમિટી દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિયમમાં એવું જણાવાયું છે કે હવેથી મસ્જિદમાં મહિલાઓ એકલી નહીં આવી શકે, મસ્જિદમાં આવવા માટે પુરુષની હાજરી ફરજિયાત છે.

છોકરી છોકરીઓ એકલી નહીં આવી શકે
મસ્જિદ કમિટી તરફથી આદેશ જારી કરીને દરવાજા પર નોટિસ લગાવવામાં આવી છે. એક પંક્તિના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે મસ્જિદમાં માત્ર છોકરીઓ કે છોકરીઓના એકલા આવવા પર પ્રતિબંધ છે.

મહિલાઓના પ્રવેશ માટે શું કારણ અપાયું
જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ કહ્યું કે અમને એવી ફરિયાદો મળી છે કે છોકરીઓ તેમના પ્રેમીને લઈને મસ્જિદમાં આવે છે અને અભદ્ર વર્તન કરે છે આથી આવી મહિલાઓની એન્ટ્રી પર પ્રતિબંધ લગાડાયો છે. તેમણે કહ્યું કે જો કોઈ મહિલા જામા મસ્જિદ આવવા માગતી હોય તો તેણે પરિવાર અથવા પતિ સાથે આવવું પડશે. તેમણે કહ્યું કે નમાઝ પઢવા આવનારી મહિલાઓને નહીં રોકવામાં આવે.

દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ આવે છે મસ્જિદની મુલાકાતે
ઉલ્લેખનીય છે કે દિલ્હીની જામા મસ્જિદ ખૂબ ફેમસ છે અને દરરોજ તેની મુલાકાતે હજારો લોકો આવે છે પરંતુ હવેથી મહિલાઓ એકલી નહીં આવી શકે, તેણે આવવું હશે તો સાથે પુરુષ હાજરી હોવી જોઈએ. અત્યાર સુધી તો મહિલાઓ એકલી તેની મુલાકાત લઈ શકતી હતી પરંતુ હવે મસ્જિદ કમિટીએ એકલી મહિલાઓની એન્ટ્રી પર પાબંધી ફરમાવી દીધી છે.