– નિલેશ દવે

હાલમાં યુએઈમાં આઈપીએલ પુરબહારમાં ચાલી રહી છે. આઈપીએલ સતત વિવાદોમાં ઘેરાયેલી સ્પર્ધા છે. 2008માં આઈપીએલ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી અનેક વિવાદોમાં ઘેરાયેલી રહી છે. મહેન્દ્રસિંહ ધોની આઈપીએલનો સૌથી સફળ ખેલાડી, ભારતીય ક્રિકેટનો સૌથી સફળ કૅપ્ટન… આ જ ધોની પરથી ફિલ્મ બની હતી: ‘ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી.’ એ જ ધોનીની ભૂમિકા ભજવી સુશાંતસિંહ રાજપૂતે. એ જ સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા કે હત્યા એ થિયરી પર થઈ રહેલી તપાસ. એ જ તપાસ હવે એક એવા વળાંક પર આવીને ઊભી છે કે જ્યાંથી સમગ્ર બોલીવૂડ એકઝાટકે સાફ થઈ જાય તેમ છે.

આમ જોવા જાઓ તો ક્રિકેટરો, ફિલ્મસ્ટારો, ડ્રગ પેડલરો આ બધાનો નાતો બહુ જૂનો છે. છેલ્લા બે-અઢી-ત્રણ દાયકાથી, જ્યારથી શારજાહમાં મૅચ રમાવાનું ચાલુ થયું ત્યારથી મૅચ ફિક્સિગંનું ભૂત ધૂણવાનું ચાલુ થયું અને એ સાથે જ ક્રિકેટરો, ફિલ્મસ્ટારોમાં શરાબ, સુરા, ડ્રગ્સના રૅકેટો શરૂ થયાં. આ એવો ધંધો છે, જેમાં અબજો રૂપિયા છે. આની અંદર માફિયાઓ પણ છે. એટલે આમ જોવા જઈએ તો માફિયા, ડ્રગ્સ, ક્રિકેટર, ફિલ્મસ્ટાર, બોલીવૂડ, આ બધાની વચ્ચે એક લિંક છે અને આ લિંક છે તે છે પૈસો. ક્રિકેટરો રાજકારણીઓ સાથે સાઠગાંઠ ધરાવે, ફિલ્મસ્ટારો સાથે ધરાવે, ફિલ્મસ્ટારો રાજકારણી-ક્રિકેટર સાથે સાઠગાંઠ ધરાવે. આ લોકોની લેટનાઈટ પાર્ટીઓ મુંબઈમાં સતત સતત અને સતત ચર્ચામાં રહે. સતત ગ્લૅમરથી ભરેલી આ પાર્ટીઓમાં ભાગ લેવા માટે અનેક લોકો કોઈ પણ હદ સુધી જવા તૈયાર હોય. નછૂટકે પણ કેટલાક લોકો આમાં સંડોવાયેલા હોય. કામ કરવા, પરાણે આમ કરતા હોય. કેમ કે આ એક ધંધો જેમ કે ફિલ્મના એક ગીત પ્રમાણે ‘ગંદા હૈ પર ધંધા હૈ યે…’ની જેમ જ આ નિમ્ન કક્ષાનો બિઝનેસ છે. ધીરે ધીરે પોલીસને કારણે ઉજાગર થઈ રહ્યો છે.

સુશાંતસિંહ કેસની સોઈ હવે જે દિશામાં જઈ રહી છે એ દિશામાં તમને આવનારા કેટલાક દિવસોમાં એવા ચોંકાવનારા તથ્યો સામે આવશે, જે આપ માની નહીં શકો. ફિલ્મોમાં ફાઈનાન્સથી લઈ ફિલ્મના નિર્માતાઓ પાસેથી ખંડણી માગવાથી શરૂઆત કરી મુંબઈના અંડરવર્લ્ડના ડૉન ફિલ્મલાઈન સાથે સંકળાયા. આ ડૉન, જેમાં રાજન, દાઉદ, અબુ સાલેમ ફિલ્મલાઈન સાથે સંકળાયા ત્યારથી બોલીવૂડને ગ્રહણ લાગ્યું. ત્યારથી બોલીવુડ પર માફિયારાજ, ડ્રગ્સરાજે કહેવાતી રીતે કબજો જમાવી દીધો. આ આજની વાત નથી. આજે આપણે જે જોઈ રહ્યા છીએ એ માત્ર એક ટ્રેલર છે.

એક સમયે જ્યારે મુંબઈમાં ક્રાઈમ બ્રાન્ચના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ અધિકારીઓનો દબદબો હતો. કોઈ પણ ફિલ્મનિર્માતા, ફિલ્મઍક્ટર, ક્રિકેટરના ફોન રેકૉર્ડ કરવા એ આવા અધિકારીઓ માટે ડાબા હાથનો ખેલ હતો. એ સમયે સલમાન ખાન, સંજય દત્ત, ઐશ્ર્વર્યા, વિવેક, આ બધા વચ્ચે થયેલી વાતચીત, શકીલ સાથે થયેલી વાતચીતની ટેપ, આ બધું મીડિયા સમક્ષ આવી જ ચૂક્યું છે. એ બધી વાતના પુરાવા છે. એમાં આ પુરાવા એ સાબિત કરે છે કે આ નેક્સસ ખૂબ જૂનું છે, આજનું નથી.

સવાલ એ છે કે શું મુંબઈ પોલીસ જાણે છે કે બોલીવૂડમાં ડ્રગરાજ છે કે નહીં. સો ટકા જાણે છે. જે શહેરની કૉલેજના ખૂણે ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાતું હોય, રેલવે સ્ટેશનની બહાર અવાવરું જગ્યામાં ચરસીઓ અને ગંજેડીઓને પોલીસ પકડતી પણ ન હોય એ પોલીસ શું જાણતી ન હોય કે ડ્રગ્સ ક્યાં મળે છે, કેવી રીતે મળે છે, કોને મળે છે, કોને સપ્લાય થાય છે. સમગ્ર કોલાબા વિસ્તારમાં આવેલી અનેક દુકાનો ડ્રગ્સનો કારભાર ચલાવે છે. ડ્રગ્સના મોટા ભાગના ખેલાડીઓને પોલીસ તો છોડો, રાજકારણીઓનો પણ ફૂલ સપોર્ટ છે. એટલે જ આની અંદર હજુ અનેક લોકોનાં નામ બહાર નથી આવ્યાં. હજુ અનેક એવા લોકો બોલીવૂડમાં સંતાયેલા છે, જે ખરેખરા માંધાતા છે, માફિયા છે, ડ્રગ્સ માફિયા છે. નવા આવનારા કલાકારોની જિંદગી સાથે ગેમ રમવી, પોતાની લૉબીમાં ન હોય એ લોકોને આઉટ કરી દેવા, પૈસા માટે કોઈ પણ હદ સુધી જવું તે આ લોકોની ખાસિયત છે.

ભૂતકાળમાં અનેકો વખત આપણે જોયું હશે કે મુંબઈની આજુબાજુના વિસ્તારોમાં ચાલતી રૅવ પાર્ટીઓમાં પોલીસે છાપો માર્યો અને અનેક શ્રીમંત નબીરાઓને ડ્રગ્સ સાથે પકડ્યા. આવી અનેક પાર્ટી મુંબઈની આજુબાજુ થઈ રહી હોય, પોલીસને જાણ હોય, સો પાર્ટીમાંથી પાંચ પાર્ટીમાં રેઈડ  પાડવામાં આવે. પાંચમાંથી એક-બે પાર્ટીમાં સંડોવાયેલા લોકો સામે કેસ ચાલે અને બે-પાંચ-સાત વર્ષે આ કેસ ઊડી જાય.

મુંબઈમાં ચાલતા ડ્રગ્સ રૅકેટમાં સૌથી મોટો કોઈનો હાથ હોય તો એ છે અંડરવર્લ્ડનો ડૉન દાઉદ. દાઉદ આજે પણ સક્રિય છે. દાઉદના માણસો પણ મુંબઈમા કાર્યરત છે. દાઉદની અનેક પ્રોપર્ટી મુંબઈમાં એમની એમ છે. આ બધા લોકો મુંબઈમાં ડ્રગ્સ લાવવાનું કામ કરે છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાનથી નેપાળ માર્ગે મુંબઈમાં ડ્રગ્સ ઠાલવવાનો ધંધો કરનારા દાઉદ-શકીલના માણસો આસાનીથી આ ડ્રગ્સ કૉલેજ સુધી, બોલીવૂડની પાર્ટીઓ સુધી પહોંચાડવામાં સફળ થતા હોય છે. આમની સફળતા પાછળ કારણ એટલું જ છે કે આ લોકોને મજબૂત પીઠબળ મળ્યું છે પોલીસ અને રાજકારણીઓનું. કેમ કે જેટલા પૈસા ડ્રગ્સમાં છે એટલા પૈસા બીજી કોઈ વસ્તુમાં ન હોવાથી રાજકારણી હોય કે પોલીસ, બધાને આ ધંધો ગમી રહ્યો છે. સુશાંતસિંહ રાજપૂતના કેસમાં જો કોઈની સામે કાર્યવાહી થવી હોય તો આ લોકોને ડ્રગ્સ સપ્લાય કરનારને ભલે પકડો, પણ તેની સાથે સાથે જે વિસ્તારના પોલીસ અધિકારીઓની આંખ નીચે આવા ડ્રગ્સ રૅકેટ ચાલતાં હોય તે તમામ સામે કાર્યવાહી થવી જોઈએ, કેમ કે આ તમામ લોકો આમાં સીધી રીતે જિમ્મેદાર છે.

છેલ્લાં દસ વર્ષથી રિયલ એસ્ટેટની લાઈન સાવ મરવા પડી છે ત્યારે અંડરવર્લ્ડને પૈસાની જે જરૂરિયાત હોય છે તે જરૂરિયાત છેલ્લા એક દાયકાથી તો માત્ર ને માત્ર ડ્રગ્સમાંથી જ પૂરી કરાઈ રહી છે. મુંબઈથી ભારતનાં વિવિધ શહેરો સુધી ડ્રગ્સ પહોંચાડવાનું કામ દાઉદની ટોળકી કરી રહી છે. રાજન ગૅન્ગ, જે આમાં એક સમયે સક્રિય હતી તે રાજન પોતે હાલ જેલમાં હોવાથી નિષ્ક્રિય થઈ ગઈ છે. નિષ્ક્રિય તો ન કહી શકાય, પણ રાજન ગૅન્ગના અનેક લોકો દાઉદ સાથે કે તેની ટોળકીમાં ભળી ગયા છે. એક્ચ્યુઅલી આમ જોવા જઈએ તો અંડરવર્લ્ડનો સફાયો મુંબઈમાં ભલે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટોએ કરી નાખ્યો. તેની સાથે સાથે તેઓ મુંબઈને, અંડરવર્લ્ડને એક પોલીસ છબિ આપતા ગયા. પોલીસ છબિ એટલે ઉત્તર પ્રદેશ કે જે વિસ્તારોમાં ગુના થાય છે એવા ખુલ્લેઆમ થતા હત્યા જેવા ઘાતકી હુમલાઓ નહીં. વ્હાઈટ કૉલર બિઝનેસ. લોહીનું એક પણ ટીપું પડ્યા વગરનું અંડરવર્લ્ડ એ મુંબઈનું સક્રિય અંડરવર્લ્ડ, જે આજે મુંબઈમાં સક્રિય છે. એનો સૌથી મોટો કારભાર છે ડ્રગ્સ.

ડ્રગ્સની સાથે સાથે આ અંડરવર્લ્ડ મૅચ ફિક્સિગંમાં પણ એટલું જ સક્રિય છે.

સૂત્રો એવું જણાવે છે કે હાલ જે ઈન્ટરનૅશનલ લેવલ પર બૂકીઓની ટોળકી સક્રિય છે તેની વચ્ચે પડેલી ફાટફૂટને કારણે જ આઈપીએલમાં ઉપરાઉપરી બે ટાઈ જોવા મળી છે. અંડરવર્લ્ડનાં સૂત્રો જણાવે છે કે પહેલી ટાઈ જ્યારે થઈ તે સમયે એક પાર્ટી કમ સે કમ રૂપિયા 2300 કરોડમાં ઊઠી ગઈ હોવાથી એ મૅચ ટાઈ ગઈ. એ જ સૂત્રો જણાવે છે કે આમાંથી વીફરેલા બીજા સામેવાળા પક્ષે પોતાનો સ્કોર સેટલ કરવા માટે બીજી મૅચ પણ ટાઈ કરાવી. આ બધી વાતો છે, આ બધી ઈન્ફર્મેશન છે, આ બધી કહેવાતી રીતે સૂત્રો દ્વારા મળતી હકીકતો છે, પરંતુ એક વાત ખરેખર સાચી છે કે જો તમે આઈપીએલનાં તમામ છેલ્લા 11-12 મૅચનાં પરિણામ, આઈપીએલમાં ટૉસ પહેલાં એક્સપર્ટો દ્વારા થતી કમેન્ટ્સ, કૅપ્ટનો દ્વારા થતી કમેન્ટ્સ, પિચ વિશેની જાણકારી, એ બધું જુઓ અને અગિયારે અગિયાર મૅચનાં પરિણામો તમે ધ્યાનમાં રાખો તો તમને સો ટકા એવું લાગશે કે યશ, ક્યાંક કંઈક કશુંક સો ટકા થઈ રહ્યું છે.

આવનારા સમયમાં જ્યારે મુંબઈ પોલીસ સુશાંતસિંહ કેસમાં ડ્રગ્સના કેસની તપાસ કરતાં કરતાં ડ્રગ પેડલર સુધી પહોંચે તો એક વાત તમે નિશ્ર્ચિત લખી રાખજો કે તેઓ માત્ર ડ્રગ્સના કેસની તરતપાસ નહીં કરે. તેની હારે હારે અનેક ધરબાયેલાં પાપો આ તપાસમાંથી બેઠાં થશે, અનેક મડદાં આળસ મરડીને બેઠાં થશે, અનેક તપાસો આની પાછળ બૅક ટુ બૅક આવી રહી છે.

એ તપાસ ડ્રગ્સની હશે, એ તપાસ બોલીવૂડ ડ્રગ માફિયા નેક્સસની હશે, એ તપાસ બોલીવૂડના ફિલ્મસ્ટારો, ક્રિકેટરોની હશે, એ તપાસ ક્રિકેટરો અને બૂકીઓની સાઠગાંઠની હશે. કેમ કે અંતે બોલીવુડ હોય, ડ્રગ્સ હોય, રાજકારણ હોય, ક્રિકેટર હોય, પૈસા હોય, પૈસો જ પરમેશ્ર્વર છે. એટલે જ એક ફિલ્મમાં આ ગીત બહુ ચાલ્યું, ગંદા હૈ પર ધંધા હૈ યે!