નવ માળના બિલ્ડીંગ મારફત અનેકવિધ કનેક્ટીવીટી ઉપલબ્ધ
અમદાવાદ-મુંબઈ વચ્ચેના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ગાડી રફતાર પકડતી હોય તેમ અમદાવાદમા સાબરમતી ખાતેના પ્રથમ સ્ટેશનનું કામ પૂર્ણતાના આરે છે. આ અલ્ટ્રા મોર્ડન સ્ટેશનથી હાઈસ્પીડ રેલવે સ્ટેશન, વેસ્ટર્ન રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન તથા ફૂટ ઓવર બ્રીજ મારફત બીઆરટીએસ કોરીડોરની પણ કનેક્ટીવીટી ઉપલબ્ધ બનશે. 1.36 લાખ મીટરમાં પથરાયેલ નવ માળની ઇમારતમાં ત્રણ ફૂટ ઓવરબ્રીજ છે. આ બિલ્ડીંગની બહારની દિવાલોમાં મહાત્મા ગાંધીના નમક સત્યાગ્રહની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત હોટલ-રેસ્ટોરન્ટ, ફૂડકોર્ટ અને બાળકોનો રમતગમતનો એરિયા છે. બિલ્ડીંગના બેઝમેન્ટ અને ત્રણ માળ પાર્કિંગ માટે અનામત રાખવામાં આવ્યા છે. 1200 કારના પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. 31500 મીટર જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવ્યો છે. ચોથા અને સાતમા માળે ટેરેસ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે. જુદા-જુદા માળે અનેક હોટલ છે. સોલાર ઉર્જા માટે સોલાર રુફ પ્રોજેક્ટ રાખવામાં આવ્યો છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનના સુત્રોએ કહ્યું કે વાપીથી સાબરમતી સુધીના આઠ બુલેટ ટ્રેન સ્ટેશનોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.