ચૂંટણી પહેલા થઈ શકે છે મોટી ઉથલ-પાથલ
10 ધારાસભ્ય ઉપર ભાજપની નજર
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
પાંચ રાજ્યોમાં કારમી હાર પછી પાર્ટીમાં ઘમાસાણ મચ્યું છે. જી-23 ગ્રુપના નેતા સતત પાર્ટીના ખરાબ પ્રદર્શનને લઈને સવાલ ઊભા કરી રહ્યા છે. તો હવે ગુજરાત કોંગ્રેસની અંદર પણ ભંગાણ પડવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને એ પહેલા રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના સલાહકાર અને સિરોહીના ધારાસભ્ય સંયમ લોઢાએ ગુજરાત કોંગ્રેસમાં ભંગાણની આશંકા વ્યક્ત કરી છે. લોઢાએ એક ટ્વિટ કરતા લખ્યું કે, ભાજપ કોંગ્રેસના 10 ધારાસભ્યો પર નજર રાખીને બેઠો છે.
ગુજરાતમાં પહેલા પણ કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય તેમજ મુખ્યમત્રીના સલાહકાર સંયમ લોઢાએ ટ્વીટમાં લખ્યું કે, ભાજપ કોંગ્રેસના 10 ધારાસભ્યો પર નજર રાખીને બેઠો છે. સ્વસ્થ રહો, સતર્ક રહો.’ લોઢાએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ટેગ કર્યા છે. સંયમ લોઢાએ કહ્યું કે, તમણે આ વાત ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માને પણ જણાવી છે.
ગુજરાતની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે ઘણી રીતે ખાસ છે. પાંચ રાજ્યોમાં હાર પછી કોંગ્રેસ પર સારું પ્રદર્શન કરવાનું દબાણ છે અને એવા સમયમાં ચૂંટણી પહેલા પાર્ટીના ધારાસભ્ય તૂટશે તો તેની ખરાબ અસર પડશે. સંયમ લોઢાએ જે આશંકા વ્યક્ત કરી છે, તેને લઈને રાજકીય વર્તુળોમાં ઘણી ચર્ચા છે. ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને સારી એવી ટક્કર આપી હતી, પરંતુ જીત ભાજપની થઈ.


