• ડેટીંગ એપ પર સ્માર્ટ વર્ક કરનાર લોકો દુખી થતા નથી. સંબંધને સિરિયસલી ન લેનાર લોકોને તકલીફ થતી નથી.

  • પ્રેમ કરવા માટે નહીં, શારીરિક સંબંધ બાંધવા અને મિત્રો બનાવવા માટે જ આ બધી એપ્સ હોય છે.

  • મેધા પંડ્યા ભટ્ટ

જૂદા જૂદા લોકોના અનુભવો સાંભળીને ઘણીવાર થાય છે કે ખરેખર સોશિયલ મીડિયા અને ડેટીંગ એપ્સથી લોકોને નૂકસાન જ થાય છે. કેટલાય લોકો અજાણ્યા વ્યક્તિ સાથે મુલાકાત કરીને પોતાને ઘણુ બધુ નૂકસાન પહોંચાડી રહ્યા છે. મને આ વખતે મળેલ પાત્ર મને પોતાને વિચારવા પર મજબૂર કરી ગયું. તેથી આ વખતે તેના વિચારોને વધારે રજૂ કરું છું, કારણકે તેને ડેટીંગ એપ્સ પર કોઇ ખરાબ અનુભવ તો થયો જ નથી. યેશાને મળીને લાગ્યું કે તેના માટે તો આ પ્રકારની ડેટીંગ એપ્સ મનોરંજનનું સાધન છે. એક સાથે અનેક એપ્સ પર તે એક્ટિવ છે. સાથે જ જીવનને જીંદાદીલીથી જીવવામાં માને છે. ખરેખર એકવાર વિચાર આવી ગયો કે કઇ રીતે આટલા બધા લોકો સાથે મસ્તી કરી શકાતી હશે. દિલ ખોલીને જીવવાનું નામ શું અલગ અલગ પાત્રો સાથે સંબંધ બાંધવા એટલું જ રહી ગયું છે? દરેક વ્યક્તિના અલગ વિચારો છે અને તે એ મુજબ જ સંબંધને જોડતો અને તોડતો રહે છે. કોઇની સાથે લાગણી વિના કઇ રીતે તમે જીવનને જીવી શકો તે મને આ પાત્ર એ સમજાવ્યુ. સમાજમાં આવા વ્યક્તિઓને ઉછાંછળા કે ચરિત્રહિન જેવા શબ્દોથી સંબોધન કરવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક તેમની વાતો સાંભળીને એ સ્વીકારવું પણ સહજ બની જાય છે કે તેઓ તેમની રીતે સાચા છે. તો જાણીયે કે યેશાના ડેટીંગ એપ્સના અનુભવો કેવા રહ્યા છે.

યેશાને હું મીટ મી પર મળી અને પછી અમે બંને હેન્ગાઉટ્સ નામની એપ પર જોડાયા. તેની સાથે વાતો કરવામાં ખૂબ મજા આવતી હતી. તે ખૂબ જ જીંદાદિલ છોકરી હતી. તેને કોઇની વાતનું ખોટું ન લાગે. તેનો મસ્તીખોર સ્વભાવ આપણને પણ આપણી ઉંમર ભૂલાવી દે. તેણે મને તેના ઘરે જ મળવા માટે કહ્યું. મધ્યમવર્ગીય પરિવારની યુવતી તેની માતા સાથે રહેતી હતી. તેના પિતાનું બે વર્ષ પહેલા હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું. યેશા પોતે સોફ્ટવેર એન્જિનીયર છે. તે એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. દેખાવમાં ખૂબ જ સામાન્ય પણ તેને જોઇને કોઇપણ પુરુષ આકર્ષાયા વિના રહે નહિ. તેને વાંચનનો ખૂબ શોખ છે અને એટલે જ તે તેની વાતોથી કોઇને પણ પ્રભાવિત કરી શકે તેવી આવડત ધરાવે છે. તેની માતા પણ નોકરી કરે છે. હું જ્યારે તેને મળવા ઘરે ગઇ તો તે એકલી હતી. મેં તેને પૂછ્યું કે બધી રીતે સેટ છો તો પછી આ રીતે ડેટીંગ એપ્સ પર શા માટે સમય બગાડીને વ્યક્તિત્વને બગાડી રહી છો. તેનો જવાબ પણ સાંભળવા જેવો છે. તેણે કહ્યું કે મારું વ્યક્તિત્વ સારું છે કે ખરાબ તે હું જ નક્કિ કરીશ. કોઇ બીજાને તેનો અધિકાર નથી. વળી, હું ડેટીંગ એપ્સ પર ફક્ત એન્જોય કરવા માટે જોડાઇ છું. મેં ક્યારેય કોઇ યુવકનો ઉપયોગ કર્યો નથી. મને મોટી ઉંમરના પુરુષોમાં રસ નથી. પણ હા હું મારી ઉંમરના કે થોડી મોટી ઉંમરના યુવકો સાથે જ ફરવાનું અને શારીરિક સંબંધ બાંધવાનું પસંદ કરું છું. તેઓ તેમની ઇચ્છાથી મને કોઇ વસ્તુ ગિફ્ટ કરે તો લઉં છું, બાકી વિશેષ કોઇ આગ્રહ કોઇની પાસે રહેતો નથી.

આજસુધી હું જેટલા સાથે પણ જોડાઇ છું તે તમામ યુવકો મારા સંપર્કમાં છે. તેમને મારો સ્વભાવ અને વિચારો ગમે છે. તેમને મારું સ્પષ્ટ હોવું ગમે છે. અમે એકબીજાની અનૂકૂળતા પ્રમાણે મળતા રહીએ છીએ. મને કોઇ સાથે પ્રેમના બંધનમાં બંધાવાનો શોખ નથી કે કોઇની ગર્લફ્રેન્ડ બનીને પાંજરામાં પૂરાવાનું પસંદ નથી. પ્રેમમાં પડનાર તમામનો અંતિમ અધ્યાય શારીરિક સંબંધ બાંધવો જ હોય છે. તો તેના કારણે ખોટું કોઇની સાથે જોડાવાની શું જરૂર છે. તે તો તમે ઇચ્છો તેની પાસેથી મેળવી શકો છો. તેની આવી વાતો સાંભળીને મારું તો મગજ શૂન્ય થવાની તૈયારીમાં હતું કે આ છોકરી આટલી બિન્દાસ કઇ રીતે રહી શકે. જોકે ક્યાંક તેની વાતો સાથે સહમત થવાની તૈયારી મેં પણ બતાવી દીધી.

યેશાએ મને તેની વાત શરૂ કરી. મેધા, હું છેલ્લા એક વર્ષથી ડેટીંગ એપ્સ પર છું. પપ્પાના મૃત્યુ પછી એકલી થઇ ગઇ હતી. સિંગલ ચાઇલ્ડ છું એટલે ડિપ્રેશનમાં જતી રહી હતી. મારા કાકા અને કાકી તે સમયે મારી અને મમ્મી સાથે થોડો સમય રહેવા આવ્યા હતા. મારા સગા કાકાએ મારા પર નજર બગાડી અને આ વાત મેં મમ્મીને કરી તો તેમણે કાકા અને કાકીને જતા રહેવા કહી દીધું. મારા કાકા અમને ખૂબ ખરાબ શબ્દો સંભળાવીને ગયા. તે દિવસે રાત્રે હું અને મમ્મી બંને સાથે બેઠા હતા. મેં મમ્મીને સોરી કહ્યું કે મારા કારણે કાકા સાથેના સંબંધો બગડ્યા છે. તો સામે મમ્મીએ પણ મને કહ્યું કે તારા કાકા આજના નહીં પણ હું પરણીને આવી ત્યારથી મારા પર પણ નજર બગાડીને બેઠા હતા. આજે જે થયું તે સારું થયું. હું તો સાંભળીને સ્તબ્ધ થઇ ગઇ. જોકે મમ્મીની વાતને સમજી અને એકવાત ગાંઠે બાંધી કે સગા ક્યારેય કોઇના સગા થતા નથી.

હાલમાં મારી ઉંમર 28 વર્ષની છે એટલે મને શરીરસુખની ઇચ્છા થાય તે સ્વાભાવિક છે. કોલેજમાં હતી ત્યારે એક છોકરા સાથે પ્રેમમાં પડી હતી પણ તેણે બે વર્ષ સુધી ફક્ત મારા શરીરને જ પ્રેમ કર્યો. લગ્નની વાત આવતા તે અન્ય સાથે જોડાઇ ગયો. તે વખતથી નક્કી કર્યું કે જીવનમાં મોજશોખ પોતાની મરજી મુજબ જ કરવા. કોઇની ઇચ્છા મુજબ રહેવું એવું ક્યારેય થવા દેવું નહીં. અચાનક પ્લેસ્ટોરમાં સર્ચ કરતા કરતા ડેટીંગ એપ્સ મળી આવી તો થયું કે લાવને આ શું છે, તે જોઉં. આ રીતે બે-ત્રણ એપ્સ ડાઉનલોડ કરી. અઝર નામની એપ પણ ડાઉનલોડ કરી હતી પણ તેમાં સીધા જ વિડીયો ચેટ હતી. તેથી મને વધારે ફાવ્યું નહીં. તેમાં તો કેટલાક પુરુષોને હસ્તમૈથુનન કરતા પણ મેં જોયેલા છે. તેમાં ફક્ત તેમના શરીરનો નીચલો ભાગ જ દેખાતો હોય. આવી પણ ડેટીંગ એપ છે. તમે સાચું માનશો. જોકે અન્ય ડેટીંગ એપ્સ પર અત્યાર સુધીમાં 30 થી વધારે છોકરાઓ સાથે સંબંધ બાંધી ચૂકી છું પણ હાલમાં ફક્ત બાર છોકરાઓના સંપર્કમાં છું. તેમાંથી આઠ સાથે રેગ્યુલર મળવાનું ગોઠવાતું હોય છે. જોકે બે મહિને દરેક વ્યક્તિને મળતી હોઉં છું. મારી નોકરી અને રજાની અનુકૂળતા પહેલા જોઉં છું. દરેક વ્યક્તિ સાથે સેફ સેક્સથી જ જોડાયેલી છું. એક-બે યુવકો તો એવા હતા કે તેમણે કોઇ છોકરી સાથે પ્રથમવાર જ સંબંધ બાંધ્યો હોય. એમને મેં પોતે સેક્સ માટે ગાઇડ કરેલા છે. ઘણા યુવકોને ફોરપ્લેમાં રસ નથી હોતો અને તેમનું રેડી થઇ જતા સીધા જ ચડી જતા હોય છે, તો તેવા યુવકોને મેં સેક્સ કરતા પણ શીખવાડ્યું છે. હું મારા દરેક યુવક મિત્ર સાથે ખૂબ મુક્ત મને ચર્ચા કરું છું. તેમને પણ મારી સાથે વાતો કરવી પસંદ છે. જોકે કોઇ ક્યારેક અતિશય લાગણીશીલ બનવાનો પ્રયત્ન કરે તો તરત જ સ્પષ્ટ ના કહીને ઊભી થઇ જાઉં છું. અથવા તેમની સાથે સંબંધ ઓછો કરી નાખું છું. જેથી તે વ્યક્તિને પોતાની લિમીટ સમજાય. જોકે હવે જીવનમાં સ્થિર થવામાં કોઇ મજા નથી. મમ્મી એકલી રહેશે તેના કરતા તેમની સાથે રહું અને જીવનના તમામ સુખનો આનંદ માણું તેમ સ્વીકારી લીધુ છે. મારા જેટલો પગારદાર યુવક મને મળી નથી રહ્યો, તેથી મારા પગાર પર બીજાનું ઘર ભરું એના કરતા મારી મા અને મારું જીવન આનંદમય બનાવું તેવું હાલમાં નક્કી કર્યું છે. શરીરની જરૂરીયાતને સંતોષી લઉં છું તે સિવાય જીવનમાં કોઇ જરૂર નથી. બાકી આગળ જતા જો કોઇ યોગ્ય પાત્ર મળશે તો તેની સાથે જોડાઇ જઇશ. બાકી હાલમાં તો ડેટીંગ એપ્સમાં જ સંતોષ મળી રહ્યો છે.

 

સમજવા જેવું –

યેશાને મળીને, તેની વાતો સાંભળીને ક્યાંકને ક્યાંક લાગ્યું કે જે રીતે સમાજ લાગણીવિહીન બની રહ્યો છે, તેવામાં આવા જ વ્યક્તિત્વ અને વિચારોની જરૂર છે. જો કોઇ યુવતી પોતે પગભર હોય તો શા માટે કોઇને આધિન રહે. પણ બીજી બાજુ એમ પણ થયું કે તેના જીવનમાં બનેલી બે ઘટનાઓએ તેને આ બધુ વિચારવા પર મજબૂર કરી અને આ રીતે ખોટી દિશા તરફ વાળી દીધી. તેમાં તેનો કોઇ વાંક નથી. જોકે યેશાનું વાંચન અને વિચારો તેને સાચો રસ્તો જરૂર દેખાડશે તેની મને ખાતરી છે. આપણા જીવનમાં કોઇપણ ખરાબ ઘટના બને તો તેના કારણે આપણે પથ્થરદિલ બની જવું તે જરૂરી નથી. તમે તમારા જીવનને કોઇ યોગ્ય દિશા તરફ વાળીને સફળ બની શકો છો. કોઇ એક વ્યક્તિએ દિલ તોડ્યું હોય, તમારો ઉપયોગ કર્યો હોય કે તમને હાનિ પહોંચાડી હોય તો તેના લીધે જીવનભર તમારે પોતાની જાતને સજા આપવી તે યોગ્ય નથી. યેશા ભલે જીંદાદિલ વ્યક્તિત્વ ધરાવતી હોય પણ તેને હું જેટલું સમજી છું તેના પરથી કહી શકું કે તે અંદરથી ખૂબ એકલવાયી છે. તમે એની જેમ તમારા જીવનને એકલવાયું ન બનાવો અને જીવનમાં સાચા રસ્તા પર ચાલવાનો પ્રયત્ન કરો.