‘ખાસ-ખબર’એ જ લોકહિતમાં ફરિયાદ મંત્રી સુધી પહોંચાડી

માનવ અધિકાર આયોગ અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પણ તમામ પુરાવાઓ સોંપાશે

ખાસ-ખબર સંવાદદાતા
વ્યાજખોરો ધીરુ કુંગશિયા અને જીતેન્દ્ર આરદેશણાથી પીડિત પટેલ પરિવારની ફરિયાદ પોલીસે ન નોંધતા હવે અંતે થાકી-હારી પટેલ પરિવારે ગૃહમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરી છે. લોકહિતમાં ’ખાસ-ખબર’ દ્વારા જ પટેલ પરિવારની ફરિયાદને ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચાડવામાં આવી છે. હવે આગામી સમયમાં વ્યાજખોરો ધીરુ કુંગશિયા અનવ જીતેન્દ્ર આરદેશણા વિરુદ્ધના પુરાવાઓ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સહિત માનવ અધિકાર આયોગને પણ સોંપવામાં આવશે. બનાવની વિગત અનુસાર વ્યાજખોર ધીરુ કુંગશીશિયા અને જીતેન્દ્ર આરદેશણા સહિતનાઓએ પટેલ પરિવાર પાસેથી આશરે પચાસેક કરોડો રૂપિયાની જમીન લખાવી લીધી છે.

ધીરુ અને જીતેન્દ્રએ આશરે 3 કરોડ રૂપિયા વ્યાજે આપવાના બદલામાં 5 કરોડ રૂપિયા રોકડા અને 50 કરોડ રૂપિયાની જમીન પોતાના જાણીતાઓના નામે કરાવી લીધી હતી, બાદમાં ગીતાબેન શૈલેષભાઈ પટેલના પરિવારે જીતેન્દ્ર આરદેશણા વ્યાજે આપેલા પૈસાની મૂળ કિંમત અને તેની પર તોતિંગ વ્યાજ વસૂલી લીધું હતું. ગીતાબેન શૈલેષભાઈ પટેલ વ્યાજખોર ધીરુ કુંગશિયા અને જીતેન્દ્ર આરદેશણાના ત્રાસથી કંટાળી અનેક વખત રાજકોટ પોલીસના શરણે ગયા છે પરંતુ આજ દિન સુધી તેમને વ્યાજખોરોના ત્રાસમાંથી છૂટકારો અપાવી ન્યાય આપવાની વાત તો દૂર રહી બી ડિવિઝન પોલીસે પટેલ પરિવારની અરજીને આધારે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી નથી ત્યારે હવે ’ખાસ-ખબર’ દ્વારા પટેલ પરિવારને સહાય કરવામાં આવતા સમગ્ર મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરાઈ છે.

ત્રણ કરોડ સામે 50 કરોડ ચાઉં કરી જવાનું ધીરૂ કુંગશિયા અને જીતેન્દ્ર આરદેશણાને ભારે પડશે

શું છે સમગ્ર મામલો?
રાજકોટના ગીતાબેન શૈલેષભાઈ પટેલે રાજકોટ બી ડિવિઝન પોલીસસ્ટેશનમાં વ્યાજખોરો જીતેન્દ્ર આરદેશણા, અરુણા આરદેશણા, અર્જુન આરદેશણા, બ્રિદા આરદેશણા, બીના આરદેશણા, કિશોર આરદેશણા, મનસુખ કલોલા, એલ્વીન કલોલા, પ્રવીણચંદ્ર કોઠારી, તુલસી પાડલિયા, જયંતિલાલ પટેલ, માંડણ કુંગશિયા, ધીરુ કુંગશિયા, મુકેશ વૈષ્ણવ, રામજી વૈષ્ણવ વિરુદ્ધ વ્યાજે લીધેલી રકમ પરત કરેલી હોવા છતાં મિલ્કત પડાવી લેવા, ચેકના દુરુપયોગ કરવા તથા ધાક-ધમકી આપવા મામલે અરજી કરી ફરિયાદ નોંધવા માગણી કરી હતી. પરંતુ બી ડિવિઝન પોલીસે અરજીના આધારે કઈ જ કાર્યવાહી કરી નહતી. ત્યારબાદ હાલમાં જ રાજકોટ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવવા યોજેલા લોકદરબારમાં પણ પીડિત પટેલ પરિવાર ન્યાયની આશા સાથે પહોંચ્યો હતો. ત્યાં પણ માત્ર પટેલ પરિવારની અરજી લઈ તેમને ન્યાય અપાવવામાં આવશે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી કોઈ જ ફરિયાદ નોંધવામાં આવી નથી.