સોરઠ પંથકના ખેડૂતોનો પોકાર સીએમ સુધી પહોંચ્યો
મુખ્યમંત્રીએ ખેતરે જઈ ખેડૂતોને રૂબરૂ મળી ટૂંક સમયમાં જાહેરત કરશે તેવું વચન
- Advertisement -
પાક ધિરાણ માફ થશે કે વળતર? ખેડૂતોની આશા મુખ્યમંત્રીના નિર્ણય પર ટકી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જૂનાગઢ અને ગીર સોમનાથ સહિત સમગ્ર સોરઠ પંથકમાં કમોસમી વરસાદ (માવઠા)ની જોરદાર થપાટ લાગવાથી ખેડૂતોના તૈયાર પાકનો સોથ વળી ગયો છે. ખેડૂતો ઠેર ઠેર આવેદનપત્રો આપીને પોતાની હૈયા વરાળ ઠાલવી રહ્યા છે, અને નુકસાનીનું વળતર નહીં પણ પાક ધિરાણ માફ કરવાની માંગણી સમગ્ર સોરઠ પંથકમાંથી ઊઠી છે. આ સંજોગોમાં, અગાઉ ધારાસભ્યો અને મંત્રીઓએ ગ્રામ્ય વિસ્તારો ખૂંદીને નુકસાનીનો ચિતાર મેળવી મુખ્યમંત્રી સુધી રિપોર્ટ પહોંચાડ્યો હતો. હવે ખેડૂતોનો પોકાર સાંભળીને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જમીની હકીકત જાણવા માટે મેદાનમાં ઉતર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેત પાકોની નુકસાનીનો પ્રત્યક્ષ ચિતાર મેળવવા માટે જૂનાગઢના માળીયા હાટીના તાલુકાના જુથળ ગામના ખેતરે પહોંચ્યા હતા. બાદમાં તેમણે પાણીધ્રા ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં મોટી સંખ્યામાં હાજર રહેલા ખેડૂતો સાથે સંવાદ યોજ્યો હતો. મુખ્યમંત્રીએ ખેડૂતોને સધિયારો આપતા કહ્યું કે, ખેડૂતોએ ખેતી પાક માટે ખૂબ મહેનત કરી છે. સરકાર ખેડૂતોની ચિંતા કરી રહી છે. આ આપદામાં રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે અને તેમને સહાયરૂપ બનવા માટે જોડે ઊભી છે. વહેલી તકે ખેડૂતોને મદદરૂપ બનવા માટે સહાય જાહેર કરાશે. પાણીધ્રાની મુલાકાત પૂર્વે, મુખ્યમંત્રીએ મગફળીના પાકમાં થયેલી નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતો, સ્થાનિક આગેવાનો તથા અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. તેમની સાથે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ પણ પાક નુકશાનીનું નિરીક્ષણ કર્યું હતું. પાણીધ્રાના ખેડૂત દેવાભાઈ ભાદરકાએ રાજ્ય સરકાર પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, અગાઉ પણ સરકારે મદદ કરી છે અને આ વખતે પણ વહેલી તકે સહાય મળશે. જ્યારે કાંતિભાઈ પનારાએ ભાવુક થઈને કહ્યું કે, અમે એક વર્ષ હારી ગયા છીએ પણ જિંદગી નહીં. મુખ્યમંત્રી ખુદ ગામમાં આવીને ખબર-અંતર પૂછતાં ખેડૂતોને મોટો સધિયારો મળ્યો છે. હવે રાજ્ય સરકાર ખેડૂતો માટે પાક વળતર જાહેર કરે છે કે પછી પાક ધિરાણ માફ કરે છે, તેના પર સમગ્ર સોરઠ પંથકના ખેડૂતોની નજર ટકેલી છે.



