સ્લીપ ઑફ ટન્ગ. જીભ લપસવી. મારી પણ લપસી શકે, તમારી પણ અને વડાપ્રધાન મોદીની પણ લપસે છે.
રંગ છલકે…
– કિન્નર આચાર્ય
– કિન્નર આચાર્ય
માધવપુરનાં મેળામાં ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલની જીભ પણ લપસી. સવાલ એ છે કે, તેમાં અજુગતું શું છે? એમણે માફી પણ માંગી લીધી. વાત ત્યાં જ ખતમ થવી જોઈતી હતી. પરંતુ આપણે ત્યાં લોકોની લાગણી તાજા માખણ કરતાં પણ વધુ કૂણી હોય છે. કોઈનાંથી સ્હેજ પણ ભૂલ થાય તો આ લાગણીઓ પર જાણે જીવલેણ પ્રહાર થયો હોય તેમ બધાં ચીસો પાડવા લાગે છે. માખણમાં જાણે તલવાર ફેરવી દીધી હોય કોઈએ. સી. આર. પાટિલને કોઈ લાલાએ ફોન કર્યાની ક્લિપ વાઈરલ થઈ છે. બેશક, લાલાએ જ કરી હશે. તેમાં આ લાલો જે રીતે પાટિલ સાથે વાત કરે છે- તે સાંભળીને ડઘાઈ ગયો હું તો. એકદમ ઊંચો ટૉન, ગાળાગાળીની ધમકી, દ્વારકા આવવાનો હુકમ અને સમગ્ર એટિટયૂડ. જ્યારે પણ જ્ઞાતિ કે સમાજનું નામ આવે ત્યારે આવાં લોકો જાણે ડાયનોસોર બની જતાં હોય છે. ખ્યાલ છે કે, જ્ઞાતિનાં ખભે જ બંદૂક ફોડવાની છે. સામેવાળો આગેવાન કશુંક બોલે તો તેને જ્ઞાતિ સામે ભેરવી દેવાનો. આ બધી પરોપજીવી લોકો છે. એમને ખ્યાલ હોય છે કે, અત્યારે તેઓ કશું પણ બોલે, કોઈ તેનું કંઈ બગાડી શકવાનું નથી.
પછી આપણે શરત રાખીએ છીએ કે, તેમની સાદી માફી નહીં ચાલે, સ્પેશિયલ માફી જ જોઈએ, અને એ દ્વારકા પહોંચીને જ માંગવી પડે : આવી રીતે કોઈને ઝૂકાવીને આપણે ઊંચા બની જતાં નથી
ભૂલથી કોઈની જીભ લપસી જાય તો એ પરમાત્માનું અપમાન જરૂર છે!
આ ઘટના પ્રથમ પણ નથી, અંતિમ પણ નથી. આપણે સૌ કૂણાં-પોચાં છીએ. આ આપણી ધાર્મિક લાગણી નસનસમાં એવી ઘર કરી ગઈ છે કે, તેની સામે બાકી બધું જ વામણું લાગે છે. મુદ્દો એ પણ છે કે, જેનાં વિશેની નાની એવી ગેરમાહિતીથી આપણી લાગણી દુભાઈ ગઈ એ કૃષ્ણને આપણે જીવનમાં કેટલાં ઉતાર્યા? આપણે ક્યારે અને કેટલી વખત ભગવદ્ ગીતા વાંચી? આપણે એમનાં જીવનકવનને કેટલું જાણ્યું! હું બ્રાહ્મણ છું, હું મારા આરાધ્ય એવા મહાદેવની જેમ નિર્લેપ, સ્થિતપ્રજ્ઞ રહી શક્યો શું? એમનાં જેવું અલગારી-અલ્લડ જીવી શક્યો? એમનાં એક કણ તરીકે મેં એવું શું કર્યું- જેથી એમનું ગૌરવ વધે. કશું જ નહીં.
- Advertisement -
સૌ પ્રથમ આપણે આપણાં આરાધ્યને- દેવી-દેવતાને લાયક બનીએ. અગાઉ એક કથાકારે કેટલાંક ગ્રંથોને ટાંકીને કશીક વાત કરી ત્યારે પણ ઘણાં લોકોએ ઉપાડો લીધો હતો. બાપુએ માફી માંગી. પરંતુ એવી જીદ્દ થઈ કે, તેમણે દ્વારકા આવીને જ માફી માંગવી જોઈએ.
બાપુએ એવું કર્યું પણ ખરું. ત્યાં કેવું ઘર્ષણ થયું એ આપણને ખ્યાલ જ છે. મૂળે આપણે એક દંભી પ્રજા છીએ. મંદિરનાં ચોગાનમાં આપણે જુગાર રમીએ છીએ, દારૂ ઢીંચીએ છીએ. યાત્રાધામોના ટ્રસ્ટોમાં હજાર પ્રકારની ગોલમાલ ચાલે છે, દરેક યાત્રાધામમાં સ્થાનિકો બેફામ લૂંટ ચલાવે છે. આવું બધું કરતી વખતે આપણી ધાર્મિક લાગણીને આપણે મારી નાંખીએ છીએ. પણ કોઈની જબાન સ્હેજ અમસ્તી પણ લપસે તો આપણી ધાર્મિક લાગણીને કારમો જખમ થાય છે.
આપણે પારકી જમીન પચાવી પાડીએ છીએ ત્યારે આપણને તેમાં કૃષ્ણનું અપમાન થતું હોય તેવું લાગતું નથી, આપણે દૂધ-ઘીમાં ભેળસેળ કરીએ એ કાનુડાનું અપમાન નથી. આપણે દબાણો કરીએ, એ ખાલી કરાવવાનાં પૈસા લઈએ, પૈસા મળ્યા પછી નવી જગ્યાએ દબાણ કરીએ…. આ બધાં તો સત્કર્મો છે. તેમાં કૃષ્ણનું અપમાન થતું નથી. કૃષ્ણ ગાયો ચરાવતા, તેનું ભરણપોષણ કરતાં. આપણે ગાયો રખડાવીએ છીએ, રઝળાવીએ છીએ અને એંઠવાડ ખાવા તેને મજબૂર કરીએ. તેમાં શ્રીકૃષ્ણનું ગૌરવ છે શું?
આપણે પર્વતોની પ્રદક્ષીણા કરીએ છીએ, દ્વારકા પગપાળા જઈએ છીએ અને પછી પૈસા માટે વલખાં મારતાં જરૂરિયાતમંદોને ચામડાં ચીરી નાંખે તેવા વ્યાજે પૈસાનું ધિરાણ કરીએ છીએ. પાપ લાગતું નથી. કૃષ્ણનું અપમાન પણ નથી થતું. આપણે મથુરા-દ્વારકા, ગોકુળ આવતા યાત્રાળુઓ પર હલ્લો કરીએ છીએ, પૂજા-પાઠ અને વી.આઈ.પી. દર્શનનું પેકેજ ઑફર કરવા તેમને ઘેરી વળીએ છીએ. ભગવાનને આટલા સસ્તાં બનાવી નાખ્યાં, ભગવાનને વેંચી રહ્યાં છીએ. તેમાં ઈશ્ર્વરનું અપમાન નથી.
- Advertisement -
હા! ભૂલથી કોઈની જીભ લપસી જાય તો એ પરમાત્માનું અપમાન જરૂર છે! પછી આપણે શરત રાખીએ છીએ કે, તેમની સાદી માફી નહીં ચાલે, સ્પેશિયલ માફી જ જોઈએ. અને એ દ્વારકા પહોંચીને જ માંગવી પડે. ગાયોને નિરણ પણ નાંખવું પડે. પાટિલ તો આવશે, નિરણ પણ મોકલશે. તેઓ એક પોલિટિશિયન છે, વિવાદ લાંબો ખેંચાય તેવું એ પણ ઈચ્છતાં ન હોય. પરંતુ આવી રીતે કોઈને ઝૂકાવીને આપણે ઊંચા બની જતાં નથી. પાટિલ, મોરારિબાપુ વગેરે માત્ર એક માધ્યમ હોય છે. બધાંને પોતાનો ઈગો સંતોષવો છે, મહાનુભાવોને ટાર્ગેટ બનાવી પોતાનું કદ વધારવું છે. વામનમાંથી વિરાટ થવાનો મારગ આટલો આસાન નથી. બાય ધ વે, આ વારંવાર દુભાઈ જતી ધાર્મિક-સામાજિક લાગણીઓની કોઈ રસી મેડિકલ સાયન્સમાં ખરી? જો હોય તો પોલિયો નાબૂદીની માફક તેની ઝુંબેશ પણ શરૂ કરવાની તત્કાળ જરૂર છે.