ભાજપ-કોંગ્રેસનાં અનેક કોર્પોરેટરોની ટિકિટ કપાશે

આપ તદ્દન યુવા ચહેરાઓને મેદાનમાં ઉતારશે

ભાજપમાંથી અડધો-અડધ તો કોંગ્રેસમાંથી પોણાભાગનાં કોર્પોરેટર મનપાની ચૂંટણીમાં રિપીટ નહીં થાય!

ભવ્ય રાવલ

કોર્પોરેશનની ચૂંટણીએ ફરી એકવાર દસ્તક દીધી છે. બે-ત્રણ મહિના પહેલેથી જ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓને લઈ રાજકોટના રાજકરણમાં જબરો ગરમાવો જોવા મળી રહ્યો છે. દાવેદારો અને ઉમેદવારો મેદાનમાં છે અને રાજકીય પક્ષમાં પણ ચહલપહલ વધી ગઈ છે. અનામતવાળી બેઠકો – નવા સીમાંકનવાળી બેઠકો પર ટિકિટ વહેચણી કરવી ભાજપ-કોંગ્રેસ માટે અગ્નિપરીક્ષા સમાન રહેશે.

એક તરફ રાજકોટ મનપાની ચૂંટણીમાં અપસેટના એંધાણ વર્તાય રહ્યા હતા ત્યારે બીજી તરફ આ અપસેટના એંધાણ રાજકોટ મહાનગરપાલિકાના નવા સિમાંકન સાથે સાચા પડતા જોવા મળે તો નવાઈ નહીં. કારણ કે, રાજકોટ શહેર ભાજપનાં અનેક અગ્રણી નેતાઓ જેમ કે, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ, ગુજરાત પ્રદેશ કક્ષાનાં નેતા નિતીનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર, સ્ટેન્ડીંગ કમિટી સહિતનાં અનેક મહત્વપૂર્ણ હોદા પર કામગીરી બજાવનાર ડો. જૈમન ઉપાધ્યાય અને કોર્પોરેટરમાંથી ધારાસભ્ય બનેલા અરવિંદ રૈયાણી આ વખતે કોર્પોરેશનની ચૂંટણી લડવાના નથી તે નિશ્ચિત છે. મતલબ કે, ભાજપ માટે આવનારી રાજકોટ મનપાની ચૂંટણીમાં દિગ્ગજ અને અનુભવી નેતાઓ લડતા જોવા મળશે નહીં. આ ઉપરાંત ભાજપમાંથી કેટલાક કોર્પોરેટરની ટિકિટ કપાઈ શકે તેમ છે. જેમ કે, દેવરાજભાઈ મકવાણા, અંજનાબેન મોરજરીયા અથવા દુર્ગાબા જાડેજા, સોફીયાબેન દલ, મનીષભાઈ રાડીયા, દેવુબેન જાદવ, રાજુબેન રબારી, હીરલબેન મહેતા અથવા મીનાબેન પારેખ, જ્યોત્સનાબેન ટીલાળા, કિરણબેન સોરઠીયા, જાગૃતિબેન ધારીયા અથવા વિજયાબેન વાાછાણી, રુપાબેન શીલુ અથવા શિલ્પાબેન જાવીયા વગેરે.. અને આ વર્તમાન કોર્પોરેટરની ટિકિટ કપાવવાનું કારણ ક્યાંક સીમાંકન તો ક્યાંક સક્રિયતાનો અભાવ તો ક્યાંક સમૂહ પર વર્ચસ્વ ઓછું હોવાનો છે. આ રીતે ભાજપમાં અમુક જૂના કોર્પોરેટર સાથે નવા નેતાઓ મનપાની ચૂંટણી લડશે.

ભાજપ સતત ચોથી વખત રાજકોટ મહાનગરપાલિકા પર કબજો કરવા માટે આતુર છે અને એટલે જ કોર્પોરેટરોના ભૂતકાળનાં પ્રદર્શન, હાલની સક્રિયતા અને કોણ વધુ લીડથી જીતી શકે એ આધારે વોર્ડ મુજબ ટિકિટ વહેંચણી થશે. આ વખતે ભાજપ માટે રાજકોટ મનપાની ચૂંટણીમાં જીત મેળવી થોડી અઘરી સાબિત થવાની છે, અશક્ય નથી. કારણ કે, રાજકોટ કોંગ્રેસમાં સક્રિય નેતાઓની જ ખોટ છે, કોઈ અગ્રણી કે પ્રજાપ્રિય નેતા નથી. ચૂંટણી લડવાના મુદ્દાઓ અનેક છે અને એ મુદ્દાઓ પર ચૂંટણી જીતી કોર્પોરેશન કબજે કરી શકાય તેમ પણ છે પરંતુ કોંગ્રેસ કોર્પોરેશનમાં વિપક્ષ તરીકે વામણી પુરવાર થઈ છે. એક તો વશરામભાઈ અને ગાયત્રીબા સિવાય કોંગ્રેસના અન્ય કોર્પોરેટરો ક્યાંય જોવા મળતા નથી. બીજું કે કોંગ્રેસે ભાજપનાં વર્તમાન કોર્પોરેટરને પોતાના પક્ષમાં લઈ જંગ જીતી લીધો નથી. મનપાની ચૂંટણી ટાળે ૫-૧૦ કોંગ્રેસી કોર્પોરેટરથી લઈ અગ્રણી નેતાઓ ભાજપમાં ભળી જાય તો પણ નવાઈ નહીં. વળી, કોંગ્રેસ પણ ભાજપનાં જ નક્શે કદમ પર આગળ વધી આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં એવા જ કોર્પોરેટરને પુનઃ મેદાનમાં ઉતારવા જઈ રહી છે જે ભાજપ અને આપ સામે જીતી શકે. એટલે જંગ તો બરાબરનો જામવાનો છે પણ કોંગ્રેસ ગીતાબેન પુરબીયા, દિલીપભાઈ આસવાણી, પરેશભાઈ હરસોરા, ડો. ઉર્વશીબેન પટેલ અથવા ઉર્વશીબા જાડેજા, રવજીભાઈ ખીમસુરીયા, ભાનુબેન સોરાણી અથવા માસુબેન હેરભા, જયાબેન ટાંક સહિતના વર્તમાન કોર્પોરેટરને ફરી ટિકિટ આપશે એવું લાગતું નથી. અને કોંગ્રેસનાં નવા ચેહરાઓ મતદારને પસંદ આવે એવું પણ લાગતું નથી. જો કોંગ્રેસ ભાજપની રાહે જીતેલા કોર્પોરેટરની જગ્યાએ નવા ઉમેદવારો પર જંગ લડશે તો ગયા વખતની મહાનગરપાલિકા ચૂંટણી કરતા પણ ખરાબ પ્રદર્શન આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કરશે. કોંગ્રેસ માટે રાજકોટ કોર્પોરેશન પર કબજો જમાવવો એટલે પણ અઘરો છે કારણ કે,

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી પણ ત્રીજો મોરચો માંડવાની છે. આ ત્રીજો મોરચો ભાજપને જેટલું નુકસાન પહોચાડશે એટલું જ કોંગ્રેસને પહોચાડી શકે છે. હાલ તો રાજકોટમાં કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી વધુ સક્રિય જોવા મળી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીમાંથી રાજભા ઝાલા, શિવલાલભાઈ બારસીયા અને જુલીબેન લોઢીયાની ત્રિપુટી કોર્પોરેશન જીતવા નહીં પણ કોર્પોરેશનમાં પ્રવેશ મેળવા સતત મથી રહી છે. આમ આદમી પાર્ટીમાં બે-પાંચને બાદ કરતા તમામ ચહેરાઓ તદ્દન નવા હશે અને મતદારો આંખ બંધ કરી આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂકે એવું જણાતું નથી. કોંગ્રેસ કે ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાનારા જાણીતા ચહેરાઓને ત્રીજા મોરચામાં ચૂંટણી લડવાની તક મળી શકે, ચૂંટણી જીતી જ શકે એવું નથી. આમ આદમી પાર્ટી રાજકોટનાં મતદારો માટે વિકલ્પ હશે અને વિકલ્પ જ બની રહી જશે. કેમ કે, કોંગ્રેસ કરતા પણ આમ આદમી પાર્ટીની દશા ખરાબ છે. સંગઠનથી લઈ સંખ્યાબળ નથી. પક્ષમાં સક્રિયતા દેખાઈ રહી છે પણ એ સક્રિયતા ચૂંટણી આવવાનાં કારણે જ છે એવું સ્પષ્ટ દર્શાય રહ્યું છે. એટલે બે-ત્રણ મહિના પછી યોજાનારી રાજકોટ મનપાની ચૂંટણીમાં આપને જાજો ફાયદો નહીં થાય.

હાલનાં તબક્કે ભાજપ પાસે રાજકોટ મહાનગરપાલિકા ચોથી વાર કબજે કરવાના એક નહીં અનેક નક્કર કારણો છે અને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી પાસે રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી જીતવાના કોઈ એકપણ મજબૂત કારણ નથી. ક્રિકેટમાં એક રન કે એક વિકેટથી જીતો તો જીત એ જીત જ હોય છે અને એક રન કે એક વિકેટથી હારો તો હાર એ હાર જ હોય છે તેમ ભાજપનાં ઉમેદવારો ભલે ઓછી તો ઓછી પણ અમુક લીડ સાથે જીતી જશે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ એકા, બીજા. તીજાને પૂરી ટક્કર આપશે. ક્રિકેટનું જ ઉદાહરણ આપ્યું છે તો કહી આપું કે, ક્રિકેટમાં જેમ છેલ્લા બોલ સુધી કશું કહી ન શકાય તેમ હાલ રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં પણ કશું સ્પષ્ટ કહી ન શકાય. અંતિમ ઘડીએ પણ બાજી પલટી શકે, અપસેટ સર્જાય શકે. પણ વર્તમાન સ્થિતિ અનુસાર તો રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપનું પલડું ભારે છે અને ભારે જ રહેશે એવા અણસાર છે.

નવું સીમાંકન બદલશે સઘળા સમીકરણો
જે વોર્ડ રચના ફરી છે તેમાંથી કુલ ૭૨ બેઠકોમાંથી ૩૬ બેઠકો સ્ત્રી અનામત છે જ્યારે અનુસૂચિત જાતિ માટેની ૫ અનામત બેઠકો માંથી ૨ બેઠકો સ્ત્રી અનામતની છે. અનુસૂચિત જનજાતિ માટેની એક અને તે પણ સ્ત્રી અનામત છે તથા પછાત વર્ગની ૭ બેઠકોમાં ૩ બેઠકો સ્ત્રી અનામત છે. આમ, કુલ ૪૪ બેઠકો અનામત થઈ જશે અને ૨૮ બેઠકો બિનઅનામત રહેશે. ૩ અનામત બેઠકો વધી છે અને તેના કારણે બિનઅનામત બેઠકમાં તેટલો ઘટાડો થયો છે. પરિણામે ભાજપનાં કોર્પોરેટર આશિષભાઈ વાગડીયા, કમલેશભાઈ મિરાણી અથવા પુષ્કરભાઈ પટેલ, અનિલભાઈ રાઠોડ, દલસુખભાઈ જાગાણીની બેઠક બદલાઈ શકે છે. પક્ષ તેમને સામાન્ય બેઠક પર લડાવશે કે પછી તેમનો વોર્ડ ફેરવે છે એ જોવું રહ્યું. એ જ રીતે કોંગ્રેસમાં વશરામભાઈ સાગઠીયા સહિતના નેતાઓની બેઠકમાં પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે. સામાન્ય બેઠક પરથી લડવાનું અથવા વોર્ડ બદલવાનું. જો દિલીપભાઈ આસવાણી, પરેશભાઈ હરસોરા, ડો. ઉર્વશીબેન પટેલ અથવા ઉર્વશીબા જાડેજા, ભાનુબેન સોરાણી અથવા માસુબેન હેરભા, ગાયત્રીબેન ભટ્ટ અથવા જયાબેન ટાંકને ટિકિટ મળશે તો એ ટિકિટ નવી બેઠક પરની જ એવું લાગી રહ્યું છે. આ મુજબ નવા સીમાંકનનાં કારણે પણ ભાજપમાંથી અડધોઅડધ તો કોંગ્રેસમાંથી પોણાભાગનાં કોર્પોરેટર મનપાની ચૂંટણીમાં રિપીટ નહીં થાય.

કોને ટિકિટ આપવી અને કોને ટિકિટ ન આપવી એ ભાજપ-કોંગ્રેસ માટે મોટી સમસ્યા અને મહા મુશ્કેલી સર્જશે
નવું સિમાંકન થતા રાજકોટ આસપાસના માધાપર, ઘંટેશ્વર, રોણકી-મનહરપુરા, મુંજકા, મોટામવાના વિસ્તારો શહેરમાં ભળી ચૂક્યા છે અને આ વિસ્તારોને અલગ-અલગ વોર્ડમાં સમાવી લેવાયા છે. આ કારણે ભાજપ-કોંગ્રેસનાં અનેક તાલુકા કક્ષાનાં અગ્રણીઓ મહાનગરપાલિકાની ચૂંટણી લડવાની ઈચ્છા અંદરખાને ધરાવે છે અને અમુકે તો તૈયારી પણ શરૂ કરી દીધી છે એવા સમયે જૂના વિસ્તારો અને નવા ભળેલા વિસ્તારોના અગ્રણીઓમાં ટિકિટ માટે હોડ લાગશે. પરિણામસ્વરૂપે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષ માટે મોટી સમસ્યા અને મહા મુશ્કેલી એ સર્જાશે કે, કોને ટિકિટ આપવી અને કોને ટિકિટ ન આપવી. જાતિ, જ્ઞાતિના સમીકરણો અને અનામત બેઠકો પર કોને ક્યાં ઉતારવા અને ચૂંટણીની અણીનાં સમયે કોઈ નારાજ થાય તો શું કરવું?

ભાજપમાંથી કોનું પત્તું કપાઈ શકે છે?
• દેવરાજભાઈ મકવાણા
• અંજનાબેન મોરજરીયા અથવા દુર્ગાબા જાડેજા
• સોફીયાબેન દલ
• મનીષભાઈ રાડીયા
• દેવુબેન જાદવ
• રાજુબેન રબારી
• હીરલબેન મહેતા અથવા મીનાબેન પારેખ
• જ્યોત્સનાબેન ટીલાળા
• કિરણબેન સોરઠીયા
• જાગૃતિબેન ધારીયા અથવા વિજયાબેન વાાછાણી
• રુપાબેન શીલુ અથવા શિલ્પાબેન જાવીયા

કોંગ્રેસમાંથી કોનું પત્તું કપાઈ શકે છે?
• ગીતાબેન પુરબીયા
• દિલીપભાઈ આસવાણી
• પરેશભાઈ હરસોરા
• ડો. ઉર્વશીબેન પટેલ અથવા ઉર્વશીબા જાડેજા
• રવજીભાઈ ખીમસુરીયા
• ભાનુબેન સોરાણી અથવા માસુબેન હેરભા
• જયાબેન ટાંક