ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર તાલુકાના ભાવપરા ગામના રામા સુધાભાઈ ઓડેદરા નામના શખ્સે મહિલાની મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. ફરિયાદમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે રામાએ તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી, પોરબંદરના સુદામા હોટેલ તથા મહિલાના નિવાસસ્થાને દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ જણાવ્યું હતું કે 15 નવેમ્બરથી 22 ડિસેમ્બર 2024 દરમિયાન રામાએ વિવિધ સ્થળોએ દુષ્કર્મ આચર્યું અને આ મામલે મિયાણી મરીન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી મહિલાએ આરોપ લગાવ્યો છે કે રામા સુધાભાઈ ઓડેદરાએ કોઈક બહાને તેને તેના ઘરે બોલાવ્યા અને પછી પુત્રના જીવને જોખમમાં મૂકે એવી ધમકી આપીને શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યું. આ ઉપરાંત, આરોપીએ સુદામા હોટેલમાં પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું. મિયાણી મરીન પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપીને ઝડપવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.