પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યને શોકાંજલિ અર્પણ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
- Advertisement -
પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યને શોકાંજલિ અર્પણ કરવા આજે ભૂતનાથ મંદિરે રખાયેલી પ્રાર્થનાસભામાં સાંસદ, ભાગવતાચાર્ય, સંતો, આગેવાનો સહિતનાઓએ શ્રઘ્ધાસુમન અર્પણ કરી હેમાબેનનાં વ્યક્તિત્વ વિશેના સંભારણા યાદ કર્યા હતા. ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ એમ કહીને શ્રઘ્ધાંજલિ આપી હતી કે, હેમાબેન આચાર્યના રૂપમાં એક પવિત્રતાની વિદાય થઈ છે. એમનું વ્યક્તિત્વ એ રીતનું હતું કે જાણે સમગ્ર જૂનાગઢની માતાહોય એમ તેણે જૂનાગઢ પર વાત્સલ્ય વરસાવ્યું હતું. રાજનીતિક સક્રિયતા, રાજનીતિ સમજણ, સુચીતા હતી. પોતાના શ્વાસને આહુતિની જેમ સ્વાહાકાર સાથે સમર્પિત કર્યા કર્યા હતા. કેટલાક વ્યક્તિવ્ય એવા હોય છે કે આખી જ્ઞાતિ ભાગ્યશાળી ગણાય, રાજનીતિમાં કેટલાક વ્યક્તિવ્ય એવા હોય છે કે તેનાથી પાર્ટી ભાગ્યશાળી ગણાય છે, હેમાબેનના વ્યક્તિત્વથી સમાજ ભાગ્યશાળી છે કે આપણને આવા વ્યક્તિત્વ મળે છે. પૂર્વ આરોગ્ય મંત્રી અને જનસંઘી, પ્રખર વક્તા તથા કાયમી સમાજ માટે સાચું બોલી ચિંતા કરનારા હેમાબેનને શ્રઘ્ધાંજલી આપવા માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજકોટ સાંસદ પરસોત્તમ રૂપાલા, રાજ્યસભાના સાંસદ મનુભાઇ મોકરીયા તેમજ સંતો-મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.