અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ ગામે ચાર વર્ષ અગાઉ સોની સમાજના એક યુવાનની ગળે ટૂંપો આપી હત્યા કરવામાં આવી હતી. બાયડ તાલુકાના ડેમાઈ ગામે ધ્રુવ જયેશભાઈ સોનીની લાશ આજથી ચાર વર્ષ અગાઉ બાયડ કપડવંજ હાઈવે રોડ પર ગરનાળા નિચેથી કંતાનના કોથળામાં સિવી નાખી દિધેલી મળી આવી હતી. આ ગુનાની ફરિયાદ પ્રકાશભાઈ ઉમરશીભાઈ સોનીએ બાયડ પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં બાયડ પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેકટરે હત્યાના ગુનાની ઉંડાણપુર્વક તપાસ હાથ ધરી હત્યારા રાજેશકુમાર રમણભાઈ પટેલને ઝડપી લઈ વિશેષ પુછપરછ હાથ ધરતા હત્યારાએ મરનારને 18’ઓક્ટોબર, 2016 ના રોજ પોતાના ઘરે બોલાવી ગળે ટુંપો આપી મોતને ઘાટ ઉતારી, લુંટ કરી પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશ કંતાનના કોથળામાં સિવી લઈ બાયડ કપડવંજ હાઈવે રોડ પર ગરનાળા નિચે નાખી દીધાની હકીકત કબુલી હતી. બાયડ પોલીસે ગુ. ર. નં. ૭૮/૨૦૧૬ IPC ૩૦૨,૩૯૪, ૨૦૧,અને ૧૨૦(બી) મુજબ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી પુરતા પુરાવાઓ એકત્રિત કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતાં જે કેસ નામદાર કોર્ટમાં ચાલી જતાં આરોપી વિરૂદ્ધ હત્યાનો ગુનો સાબિત થતાં આરોપી પટેલ રાજેશકુમાર રમણભાઈને હત્યારો ઠરાવી નામદાર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.

અહેવાલ:- જગદીશ સોલંકી સાબરકાંઠા