બે વર્ષથી રાજ્યમાં વર્ષે 45 લાખ ટન મગફળીનો પાક
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદનું ચિત્ર ઉજળુ બનતા ખેડૂતોએ આજ સુધીમાં ગત વર્ષ કરતા આશરે 3 લાખ હેક્ટરમાં મગફળીનું વધુ વાવેતર કર્યું છે. બીજી તરફ ગત વર્ષ અને તે પહેલાના વર્ષે 45 લાખ ટન મગફળીનો મબલખ પાક થયો છે. છતાં ખાદ્યતેલોમાં ભાવની રમત જારી રહી છે. ગઈકાલે સૌરાષ્ટ્ર સિંગતેલમાં ડબ્બે 15 રૂપિયા અને ગઈકાલે 20 રૂપિયા સહિત બે દિવસમાં 35 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો છે.
- Advertisement -
સિંગતેલ ડબ્બાનો ભાવ 35 વધીને આજે 2790-2840 રૂપિયાએ પહોંચ્યો હતો. જ્યારે પામતેલમાં વધુ 10 રૂપિયા સાથે બે દિવસમાં 30 રૂપિયાનો વધારો થતા ભાવ 1435 રૂપિયાએ પહોંચ્યા છે. કપાસનું ઉત્પાદન 2021-22માં 74 લાખ ગાંસડીથી વધીને ગત વર્ષે 95 લાખ ગાંસડીનું થયું છે. ચાલું વર્ષે હાલ ચોમાસામાં જ આગોતરા કપાસની આવક શરુ થઈ છે અને યાર્ડમાં ભાવ ઘટ્યા છે. ઉપરાંત 27 જૂન સુધીમાં કપાસનું 55 ટકા વાવેતર તો પૂર્ણ થઈ ગયું છે. આમ છતાં કપાસિયા તેલના ભાવમાં પણ બે દિવસમાં 25 રૂપિયાનો વધારો થયો છે.