રાજકોટના નાગરિકોની સમસ્યાને વાચા મળે તે હેતુથી નિબંધ સ્પર્ધા યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ચારે તરફ ભ્રષ્ટાચારથી સામાન્ય નાગરિક આજે ભારે નિરાશ થયો છે. આ ભ્રષ્ટાચારના નકારાત્મક પરિણામો ટીઆરપી ગેમઝોન અને જમીન કૌભાંડ સ્વરૂપે સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટના નાગરિકોની આ સમસ્યાને શબ્દ સ્વરૂપે વાચા મળે તે હેતુથી રાજકોટ શહેર યુથ કોંગ્રેસ તથા એનએસયુઆઈ દ્વારા રાજકોટના નાગરિકો માટે યોજાયેલી કુશાસન સામે શબ્દકોશ નામે આશ્ર્ચર્યજનક નિબંધ સ્પર્ધાની તારીખ 20 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે.
રાજકોટ શહેર જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, શહેર જિલ્લા પ્રમુખ બ્રીજરાજસિંહ રાણા, રીયાઝ સુમરાની એક સંયુક્ત યાદીમાં જણાવ્યા અનુસાર રાજકોટમાં દરરોજ અસંખ્ય જમીન કૌભાંડ, ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ અને આજના સમયમાં વ્યાપક રોગચાળાની ફરિયાદો સાંભળનાર કોઈ નથી ત્યારે લોકોના આક્રોશને વાચા આપવા માટે આ કુશાસન સામે શબ્દકોશ નિબંધ સ્પર્ધાને શહેરભરના જાગૃત નાગરિકો દ્વારા વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે લોકો પોતાનો અવાજ રજૂ કરી શકે એ માટે આ નિબંધ સ્પર્ધાની તારીખ લંબાવવામાં આવી છે.
- Advertisement -
શહેરમાં સુશાસન કેવી રીતે આપી શકે એ માટે સૂચનો અંગેની આ નિબંધ સ્પર્ધામાં પ્રથમ વિજેતા બનનાર સ્પર્ધકને રૂા. 51,000નું રોકડ ઈનામ એનાયત કરવામાં આવશે. સ્પર્ધાનો મુખ્ય હેતુ રાજકોટ મહાનગરપાલિકાના માધ્યમથી સુશાસન પ્રસ્થાપિત થાય અને લોકો ભ્રષ્ટાચાર સામે પોતાના હક્ક અંગે જાગૃત બને તે છે. આ સ્પર્ધામાં દ્વિતીય ક્રમે વિજેતા ર્સ્પધકને રૂા. 21,000 તેમજ તૃતિય સ્પર્ધકને રૂા. 11,000નું ઈનામ આપવામાં આવશે. આ ઉપરાંત ભાગ લેનાર તમામ સ્પર્ધકને રાજકોટ યુથ કોંગ્રેસ તેમજ એન.એસ.યુ.આઈ. દ્વારા પ્રોત્સાહન તરીકે પ્રમાણપત્ર એનાયત કરાશે.
આગમી તા. 17-10-2024 સુધીમાં સ્પર્ધકો પોતાનો નિબંધ એ-4 સાઈઝના કોરા કાગળમાં એક તરફ વધુમાં વધુ 2000 શબ્દોમાં કોમ્પ્યુટરાઈઝ કરાવીને પીક પોઈન્ટ, ઓફીસ નં. 302, ડો. યાજ્ઞિક રોડ, સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુ સામે, રાજકોટ (મો.નં. 9824300007, 9978900007)ના સરનામે પહોંચાડવા જણાવાયું છે.