એક સમયે અમદાવાદ- વડોદરા આકાશવાણી કેન્દ્રના કાર્યક્રમો શ્રોતામાં અતિ પ્રિય ગણાતા

નમસ્કાર.. વાંચકમિત્રો.. ફરી એકવખત હું ભવ્ય રાવલ આપની સમક્ષ હાજર છું, ગુજરાતી પત્રકારત્વની બે સદીની યાત્રામાં.. ત્રણ હપ્તાઓમાં વાત કરવાની છે રેડિયોનો શોધ, ઈતિહાસ, ભારતમાં રેડીયોના આગમન અને ગુજરાતી પત્રકારત્વમાં રેડિયો તેમજ આકાશવાણીના અમદાવાદ, બરોડા, રાજકોટ, ભુજ કેન્દ્ર વિશે.. પ્રથમ હપ્તામાં રેડિયોનો શોધ, ઈતિહાસ, ભારતમાં રેડીયોના આગમન અને ગુજરાતી પત્રકારત્વમાં રેડિયોની માહિતી મેળવી લીધા બાદ બીજા હપ્તામાં આકાશવાણીના કેન્દ્ર અમદાવાદ, બરોડા વિશે વાત કરું તો.. ગુજરાતમાં ચાર પ્રાઈમરી રેડિયોસ્ટેશન આવેલા છે જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજનો સમાવેશ થાય છે. આહવા જેવા અંતરિયાળ વિસ્તારમાં પણ રેડિયો પ્રસારણ માટે ટ્રાન્સમીટર ઊભું કરવામાં આવ્યું છે. ત્રણ સ્થાનિક રેડિયોસ્ટેશન હિંમતનગર, ગોધરા અને દમણમાં આવેલા છે. હાલ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત રેડિયો અને રેડિયોસ્ટેશન પર પ્રોગ્રામ આપવાના મામલામાં આગળ છે. અમદાવાદ વડોદરા સ્ટેશન 200 કિલોવોટ ક્ષમતા ધરાવતું હોવાથી એનું પ્રસારણ ગુજરાત અને ગુજરાતની બહારના વિવિધ રાજ્યો જેવા કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ઉપરાંત પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ સંભળાય છે. હવે તો રેડિયોસ્ટેશન મોબાઈલ ફોનથી લઈ યુટ્યુબ સહિતની વિવિધ એપ્લીકેશનમાં ઉપલબ્ધ હોય ગુજરાત તો શું દુનિયાના કોઈપણ ખૂણામાંથી આકાશવાણી અને વિવિધભારતીના ગમેએવા કાર્યક્રમો ગમેત્યારે સાંભળી શકાય છે.
ગુજરાતમાં પ્રથમ રેડિયોસ્ટેશન 1939માં મહારાજા ગાયકવાડના શાસનકાળમાં વડોદરા ખાતે શરૂ થયું હતું. એ સમયમાં હૈદરાબાદ, ઔરંગાબાદ, મૈસુર અને ત્રિવેન્દ્રમના રજવાડાઓ પાસે પોતપોતાના રેડિયોસ્ટેશન હતા. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયોસ્ટેશન શરૂ કરનારા રાજવી ગાયકવાડ પરિવારે આઝાદી પછી પોતાનું રેડિયોસ્ટેશન સરકારને સોંપી દીધેલું હતું. 16 ડિસેમ્બર 1948માં ઓલ ઈંડિયા રેડિયોનું અમદાવાદમાં રેડિયોસ્ટેશન શરૂ થયું હતું. 16 એપ્રિલ 1949માં વડોદરાના રેડિયોસ્ટેશનને અમદાવાદના રેડિયોસ્ટેશન સાથે એક કરી દેવામાં આવ્યું હતું અને આમ અમદાવાદ-વડોદરા એક જ રેડિયોસ્ટેશન ગણાતું હતું. થોડો સમય અમદાવાદ પેટા સ્ટેશન અને વડોદરા મુખ્ય સ્ટેશન રહ્યું, પછી અમદાવાદ મુખ્ય સ્ટેશન બની ગયું. અમદાવાદમાં રેડિયોસ્ટેશનની સ્થાપના થઈ તે અગાઉ વડોદરા રાજ્ય હસ્તક બરોડા બ્રોડકાસિ્ંટગ હતું. જે વડોદરાના સલાટવાડા રોડ વિસ્તારમાં ખાસ બાંધવામાં આવ્યું હતું, તેની ક્ષમતા એક કિલોવોટ હતી. આ કેન્દ્રની પ્રસારણ સેવાઓ 30 કિ.મી.ના વિસ્તારને આવરી લેતી હતી. અમદાવાદ રેડિયોસ્ટેશનની સ્થાપના થતાં જેમ બીજાં રાજ્યોના પ્રસારણ કેન્દ્રો ઓલ ઈંડિયા રેડિયોમાં ભળી ગયાં તેમ બરોડા બ્રોડકાસ્ટિંગ કેન્દ્ર પણ ઓલ ઈંડિયા રેડિયોમાં ભળી ગયું.

આકાશવાણીના પ્રસારણમાં અનેક નીતિવિષયક ફેરફારો આવ્યા: પ્રસારણ અને કાર્યક્રમ નિર્માણમાં મોટો ઘટાડો થયો

આકાશવાણી અમદાવાદ કેન્દ્રનો આરંભ 16 એપ્રિલ 1949થી એલિસબ્રિજમાં આવેલા નવનીતલાલ શોધનના નાનકડા બંગલામાં થયો હતો

આકાશવાણી અમદાવાદ કેન્દ્રનો આરંભ 16 એપ્રિલ 1949થી એલિસબ્રિજમાં આવેલા નવનીતલાલ શોધનના નાનકડા બંગલામાં થયો હતો. આ અમદાવાદ કેન્દ્રની શક્તિમર્યાદા એક કિલોવોટની હતી. અમદાવાદ કેન્દ્રનો પ્રારંભ તે વખતના માહિતી અને પ્રસારણ વિભાગના મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના સંદેશાથી થયો હતો. પ્રથમ ઉદ્દઘોષણા સમયે અમદાવાદની સાથે વડોદરા કેન્દ્રને પણ સાંકળી લેવામાં આવ્યું હતું. અમદાવાદ અને વડોદરા વચ્ચે ટેલિફોનલાઈન દ્વારા બધા કાર્યક્રમો સંયુક્ત રીતે પ્રસારણ પામતા હતા. અમદાવાદની સરખામણીમાં વડોદરાનું રેડિયોસ્ટેશન પ્રસારણ માટે જ બાંધ્યું હોવાથી વિશેષ વ્યવસ્થિત હતું. અમદાવાદ કેન્દ્રના મકાનનું બાંધકામ 1957માં પૂર્ણ થયું અને નવરંગપુરામાં નવું મકાન થતાં ત્યાં વધુ શક્તિશાળી ટ્રાન્સમીટર મૂકવામાં આવ્યું હતું. અહીનું ટ્રાન્સમીટર દૂર બારેજા પાસે રાખવામાં આવ્યું હતું. સ્થાપનાના થોડા વર્ષમાં જ અમદાવાદ અને વડોદરા આકાશવાણી કેન્દ્ર દ્વારા આધુનિક સ્ટુડિયોનું નિર્માણ કરી લેવામાં આવ્યું હતું. આકાશવાણીનો વ્યાપ વધારવા પ્રોગ્રામ વિભાગ, ટેકનિકલ વિભાગ, વહીવટી વિભાગ અને એન્જિનિયરિંગ વિભાગ શરૂ કરવામાં આવ્યા. 1952માં સુગમ સંગીત યુનિટની સ્થાપના થઈ, જેમાં ખાસ પ્રકારનાં ગીત-સંગીત રેકોર્ડ કરવામાં આવતા. અમદાવાદ કેન્દ્ર પરથી 2 ઓક્ટોબર 1965થી વિવિધભારતીનો આરંભ થયો. વિવિધભારતીના કાર્યક્રમોની સંપૂર્ણ તૈયાર ટેપ આવતી અને તેનું પ્રસારણ અહીંથી થતું. ત્યારબાદ ગુજરાતીમાં જ ગુજરાતના વિશિષ્ટ કાર્યક્રમો પણ વિવિધભારતી દ્વારા રજૂ થતા ગયા. વિવિધભારતીમાં કોમર્શિયલ બ્રોડકાસિ્ંટગ 29 નવેમ્બર 1970થી શરૂ થયું. ગુજરાતમાં અમદાવાદ કેન્દ્રમાં વિવિધભારતી ચેનલ અને બ્રોડકાસિ્ંટગ ચેનલ એમ બે પ્રવાહો 2 ઓક્ટોબર 1965થી શરૂ થયા. આકાશવાણી વડોદરાનું નવનિર્મિત કેન્દ્ર મકરપુરા રોડ પર 1973માં બાંધવામાં આવ્યું હતું આ કેન્દ્ર પરથી વિશિષ્ટ કાર્યક્રમો આપવા માટે એક કિલોવોટનું ટ્રાન્સમીટર 1 એપ્રિલ 1975થી શરૂ થયું હતું.
આકાશવાણીના સમાચારવિભાગની શરૂઆત 15 જાન્યુઆરી 1960માં થઈ. ગુજરાતને આવરી લેતા સમાચારો દરરોજ સાંજે દર અઠવાડિયે એકવાર સમાચાર દર્પણ, એકવાર લોકરુચિ સમાચાર અને અઠવાડિયાના ચાર દિવસ જિલ્લા સમાચારપત્ર રૂપે પ્રસારિત થતા. ગુજરાત વિધાનસભાની બેઠક ચાલતી ત્યારે રોજેરોજની કાર્યવાહીની દૈનિક સમીક્ષા અને દર અઠવાડિયે એકવાર સાપ્તાહિક સમીક્ષા રજૂ થતી. આકાશવાણીના સમાચારોને આવરી લેતું મુખપત્ર નભોવાણી પણ અનેક વર્ષો સુધી પ્રસિદ્ધ થતું રહ્યું. સમાચાર ઉપરાંત ફિલ્મસંગીત, શાસ્ત્રીય અને સુગમ સંગીતના કાર્યક્રમો તેમજ શ્રોતાઓ સાથે સંવાદ સાધવા પત્રાવલિ જેવા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા. ગુજરાતમાં આકાશવાણીના અમદાવાદ અને વડોદરા કેન્દ્રની પ્રસારણની સેવાઓને શ્રોતા વધાવી લીધી, વખાણી.. મજૂરભાઈઓ માટેનો કાર્યક્રમ મિલના રિસેસ સમયે અડધા કલાક માટે પ્રસારિત થતો. આ કાર્યક્રમ રજૂ કરનારા કલાકારોના નામ તાણાભાઈ – વાણાભાઈ હતા, જે પાછળથી શાણાભાઈ – શકરાભાઈમાં ફેરવવામાં આવ્યાં હતા.
વડોદરાથી ખેડૂતોભાઈઓ માટેનો કાર્યક્રમ પ્રસારિત થતો હતો. આકાશવાણી પરથી બાળકો, યુવાનો, મહિલાઓ તેમજ વૃધ્ધો માટે વિવિધ રસપ્રદ કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવતા, જેમાં યુવાનો માટે યુવવાણી અને મહિલાઓ માટે ખસીસહેલીને ખાસી લોકપ્રિયતા મળી હતી. ખેડૂતો માટેના કાર્યક્રમ ખેતીની વાતને પણ ખૂબ પ્રસંશા મળી હતી. આકાશવાણીની પ્રસારણ સેવાનો વિકાસ થતાં ધીમેધીમે દરેક વર્ગ માટેના કાર્યક્રમોનો ઉમેરો થતો ગયો. ખોવાયેલી વ્યક્તિની જાહેરાત, લોહીની જરૂરિયાતવાળા અંગેની જાહેરાત, ગુમ થયેલા વ્યક્તિની જાહેરાત, હવામાનના ફેરફાર અંગેની જાહેરાતથી લઈ ક્રિકેટ કોમેન્ટરી અને ચૂંટણી વખતે તાત્કાલિક પરિણામોની જાહેરાત, સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન, રથયાત્રા, જન્માષ્ટમીની ઉજવણીનો આંખો દેખ્યો અહેવાલ વગેરે.. જાહેરાત અને સેવા આકાશવાણી આપતું આવ્યું છે. કુદરતી આફતો અને હોનારતો વચ્ચે આકાશવાણીની સેવાને ભૂલી-વિસરી શકાય તેમ નથી. હવે રેડિયો પ્રસારણ સીધું જ સેટેલાઈટ પરથી થતું હોવાથી માહિતી આપવાના મામલામાં પહેલાની જેમ આજેપણ આ માધ્યમ પાછળ નથી.
આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ કેન્દ્ર અન્ય માધ્યમો સાથે કદમથી કદમ મિલાવી ચાલવાની કોશિશ કરી રહ્યું છે. આકાશવાણી – ઓલ ઈંડિયા રેડિયોની શરૂઆતથી લઈ આજ સુધીમાં તેના પ્રસારણમાં અનેક નીતિવિષયક ફેરફારો આવ્યા છે. આકાશવાણી ગુજરાતના પ્રસારણ અને કાર્યક્રમ નિર્માણમાં મોટો ઘટાડો આવ્યો છે. અત્યારે દરેક રાજ્યના પાટનગરમાંથી આકાશવાણીની પ્રાયમરી ચેનલનું પ્રસારણ મુખ્યત્વે રહ્યું છે. ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા મુખ્ય કેન્દ્ર છે, સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ અને ભુજ મુખ્ય કેન્દ્ર છે. અમદાવાદના કાર્યક્ષેત્રમાં ઉત્તર ગુજરાત અને વડોદરાના કાર્યક્ષેત્રમાં મધ્ય અને દક્ષિણ ગુજરાત આવે છે. કાર્યક્રમનું નિર્માણ અને પ્રસારણ સમય સ્લોટ મુજબ કેન્દ્રો વચ્ચે વહેંચાયેલા છે અને આ રીતે રાજકોટ અને ભુજ અનુક્રમે સૌરાષ્ટ્ર અને કચ્છનું કાર્યક્ષેત્ર ધરાવે છે. હવે આકાશવાણીના રાજકોટ અને ભુજ કેન્દ્ર વિશે વધુ વાત કરીશું ગુજરાતી પત્રકારત્વની બે સદીની યાત્રામાં આવતા સપ્તાહે.. ત્યાં સુધી આવજો.. ફરી મળીશું..

વધારો: 1983માં આકાશવાણી અમદાવાદ કેન્દ્ર પરથી યશવંત મહેતા લિખિત ધારાવાહિક વિજ્ઞાન – કિશોર સાહસકથા રજૂ થઈ હતી. જ્યારે રેડિયોનો જમાનો હતો ત્યારે આકાશવાણી કેન્દ્રનો રેડિયો પરથી નાટક – વાર્તા રજૂ થતા હોય તેમ વિજ્ઞાન – કિશોર સાહસકથા રજૂ કરવાનો પ્રયોગ ભારતભરમાં પ્રથમ રહ્યો હતો.