સ્કૂલના વિદ્યાર્થીઓને અને લાઈબ્રેરીમાં પુસ્તકોની ભેટ આપી જન્મદિવસની ઉજવણી કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ડો. સુધીર શાહના પત્ની અભિનેત્રી સંગીતા જોશીએ તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. અભિનેત્રી સંગીતા જોશી હરહંમેશ કંઈ ને કંઈ નવું કર્યા કરે છે. ગુજરાતી ભાષાને જીવંત રાખવા અને એને પ્રોત્સાહન આપવા એમણે થોડા વર્ષો પહેલાં મુંબઈના કાલાઘોડા ઉપર આવેલા ડેવિડ સાસુન લાઈબ્રેરીના ગાર્ડનમાં ચાર શનિવાર ‘રોમેરોમ ગુજરાતી’ નામથી ગુજરાતી સંસ્કૃતિને લગતા ચાર કાર્યક્રમો આયોજ્યા હતા.
- Advertisement -
અમેરિકાના ઈમિગ્રેશનની બાબતમાં તેમણે તેમના પતિ ડો. સુધીર શાહ સાથે મળીને પચાસથી વધુ એપિસોડ ભજવાવીને યુટ્યૂબ ઉપર અપલોડ કર્યા છે. સંગીતા જોશીએ ભવન્સ કલ્ચરલ સેન્ટરમાં એક આખા દિવસનો ‘લખો અને સારું લખો’ શીર્ષક હેઠળ એક ફ્રી વર્કશોપનું આયોજન કર્યું હતું. ગઈકાલે સંગીતા જોશીનો જન્મદિવસ હતો અને તેમણે તેમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.
સાઉથ મુંબઈમાં સી.પી.ટેન્ક પાસે આવેલા વર્ષો જૂની અને ખૂબ જ જાણીતી ચંદારામજી સ્કૂલના વિદ્યાર્થીઓને તેમણે કરેલી એન ફ્રેન્કની ડાયરીના ભાષાંતરનું પુસ્તક, નવલકથાઓ તેમજ પ્રવાસ વર્ણનોના 200 જેટલા પુસ્તકોનું વિતરણ એ સ્કૂલના વિદ્યાર્થીઓને સ્વહસ્તે કર્યું હતું. વિદ્યાર્થીઓને આ પુસ્તક ભેટરૂપે મળતાં જેટલો આનંદ થયો હતો.
તેનાથી વધુ સંગીતા જોશીને એમની વર્ષગાંઠ આવી અનોખી રીતે ઉજવવા બદલ થયો હતો. સ્કૂલની લાઈબ્રેરી માટે પણ એમણે એમના બધા જ પુસ્તકો ભેટ આપ્યા હતા. પ્રિન્સિપાલ પૂર્વીબેન દાંતવાલા અને ગુજરાતી વિભાગના પ્રિન્સિપાલ જ્યોતિબેન બારિયા અને સ્કૂલના બધા જ શિક્ષકોએ વર્ષગાંઠ આવી અનોખી રીતે ઉજવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.
ગુજરાતી ભાષાને જીવંત રાખવા અને એને ઉત્તેજન આપવા માટેનું અભિનેત્રી સંગીતા જોશીનું આ એક વધુ પગલું હતું, જે ખરેખર વખાણવા લાયક છે.