બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ સેનાના ઉત્તરી કમાન્ડનું નેતૃત્વ કરી રહેલા લેફ્ટેનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના નિવેદન પર ટ્વિટ કર્યું હતું જેમાં તેમણે કહ્યું છે કે ભારતીય સેના પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર પાછું લેવા માટે તૈયાર છે.

અભિનેત્રી રિચા ચઢ્ઢા એક વિવાદાસ્પદ ટ્વિટ કરીને ખરાબ રીતે ફસાઈ ગઈ છે. આ અભિનેત્રી પર ભારતીય સેનાનું અપમાન કરવાનો આરોપ છે. પોતાના ટ્વીટમાં સેનાના ઉત્તરી કમાનના કમાન્ડરના નિવેદનનો ઉલ્લેખ કરતા તેને ચીનની સીમા પર આવેલા ગલવાનમાં સામે આવી ચુકેલી એક જુની ઘટનાક્રમ સાથે જોડી હતી.

રિચા ચઢ્ઢાએ કર્યું સેનાનું અપમાન: BJP
રિચા ચઢ્ઢાના ટ્વિટને ભાજપે પબ્લિસિટી સ્ટંટ અને સેનાનું અપમાન ગણાવ્યું છે. તમને જણાવી દઈએ કે આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મંગળવારે કહ્યું હતું કે ભારતીય સેના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ને પાછું લાવવા જેવા આદેશને પુરો કરવાની રાહ જોઈ રહી છે. આ નિવેદનને કોટ કરતા રિચા ચઢ્ઢાએ લખ્યું, ‘ગલવાન હાય કહી રહ્યું છે.’

વિવાદિત ટ્વીટ પર ભડક્યા લોકો
બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘અપમાનજનક ટ્વિટ. @RichaChadha કોંગ્રેસ અને રાહુલ ગાંધીના ઉપાસક છે, તેથી તેમની ભારત વિરોધી વિચારસરણી આ ટ્વીટમાં સ્પષ્ટ દેખાય છે. એટલા માટે હું @MumbaiPolice પાસે તેમના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરૂ છું.’

વિવાદ વધતા એક્ટ્રેસે માંગી માફી
સૈન્ય અધિકારીના નિવેદન પર ટ્વિટ કરીને વિવાદમાં આવેલી અભિનેત્રી રિચા ચઢ્ઢાએ ટ્વીટ કરીને માફી માંગી લીધી છે. રિચા ચઢ્ઢાએ ગલવાનના નિવેદન માટે માફી માંગી અને કહ્યું કે તેનો ઈરાદો સેનાનું અપમાન કરવાનો નહોતો.