આરોપીના કૃત્યથી ભોગ બનનારની બંને આંખો અંધ થયાની દલીલ કોર્ટે ફગાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા ફરિયાદીએ પોતાની 15 વર્ષની સગીર પુત્રીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ થયા અંગેની ફરિયાદ રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જે ગુન્હાના અનુસંધાને આ કામના આરોપી ધીરજ પ્રમોદરાય જગન્નાથની પોલીસે 9-8-2024ના રોજ ધરપકડ કરી અને કોર્ટ સમક્ષ રજૂ કરતા તેને તે દિવસથી જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરાયો હતો. જેને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન ઉપર મુક્ત કરવાનો ફરમાવ્યો હતો. રાજકોટના જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતા ફરિયાદીએ પોતે પોતાના વતન લગ્ન પ્રસંગમાં ગયા હોય અને ત્યારબાદ ઘરે પરત આવતા પોતાની ભોગ બનનાર દીકરી ઘરે જોવામાં ન આવતાં આજુબાજુમાં તથા સગા-વહાલામાં તપાસ કરતાં ભોગ બનનાર મળી ન આવતાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી, જેના અનુસંધાને પોલીસ દ્વારા તપાસ કરતા ભોગ બનનારને આરોપી ધીરજ પ્રમોદરાય જગન્નાથ ભગાડી ગયાનું ધ્યાને આવતા પોલીસે આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી અને પોલીસને ચોક્કસ હકીકત મળેલી કે આરોપી અને ભોગ બનનાર રાજકોટ ખાતે રાજનગર ચોકમાં ભાડાના મકાનમાં રહે છે
- Advertisement -
જેથી પોલીસે તપાસ કરતાં આરોપી તથા ભોગ બનનાર મળી આવ્યા અને ભોગ બનનારનું નિવેદન લેતાં આરોપીએ તેની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધ્યાની તેમજ આરોપીએ કરેલા કૃત્યથી ભોગ બનનાર બંને આંખે અંધ થઈ ગઈ છે તેવી હકીકત ધ્યાને આવતા પોલીસે સ્પે. પોકસો કોર્ટમાં આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 366, 376(2)(એન), 376(3) તેમજ પોકસો એક્ટની કલમ 4, 6 મુજબ ઉમેરો કરવા માટેની અરજી આપતા નામ. કોર્ટે ફરિયાદીની ફરિયાદમાં ઉપરોક્ત કલમનો ઉમેરો કરતો હુકમ ફરમાવ્યો હતો. આ કામના આરોપીને રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરી રાજકોટના સ્પે. પોકસો કોર્ટ સમક્ષ રજૂ કરતાં આરોપીને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. ભોગ બનનારે પોતાના પોલીસ સમક્ષના નિવેદનમાં આરોપીના કૃત્યથી તે હાલ બંને આંખે જોઈ શકતી નથી અને અંધ થઈ ગઈ છે તેવી હકીકતો જણાવી હતી જેથી આરોપીના આવા કૃત્યની ગંભીરતાને ધ્યાને આરોપીના જામીન નીચેની કોર્ટે નામંજૂર કર્યા હતા ત્યાર બાદ આરોપીએ જામીન ઉપર છુટવા માટે પોકસો અદાલતમાં જામીન અરજી કરી હતી.
જે જામીન અરજી નામંજૂર થતાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આરોપીએ પોતાના વકીલ મારફત રેગ્યુલર જામીન અરજી કરી હતી, જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષકારો વચ્ચે થયેલ દલીલો અને રજૂઆત તેમજ મૌખિક તેમજ લેખિત પુરાવાને ધ્યાનમાં લઈ તેમજ બનાવ અને બનાવને અનુરૂપ થયેલી પોલીસ તપાસના કાગળો ધ્યાને લઈ અને અરજદાર તરફે એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખી તેમજ આરોપીના બચાવમાં રજૂ કરવામાં આવેલા નામ.ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના જુદા જુદા ચૂકાદાઓને ધ્યાનમાં લઈ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપી ધીરજ પ્રમોદરાય જગન્નાથને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવ્યો છે. આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ. જાદવ તથા મદદનીશમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા તેમજ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ મેહુલ એસ. પાડલીયા રોકાયેલા હતા.