સાયબર ફ્રોડમાં ગયેલી રકમ, ચોરાયેલા કિંમતી સોનાના દાગીના સહિત કુલ રૂા. 35 લાખથી વધુનો મુદ્દામાલ પરત સોંપાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત સરકારના કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના ‘તેરા તુજકો અર્પણ’ ઝુંબેશ હેઠળ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરના નાગરિકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદો અન્વયે રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ કાર્યવાહીના ફળ સ્વરૂપે વિવિધ જણસો જેવી કે સોનાના ઝવેરાત, વાહનો તથા મોબાઈલ ફોન કબ્જે કરી નાગરિકોને જે તે મુદ્દામાલ પરત સોંપવા સારુ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ શહેરના એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર આર. જી. બારોટનાઓની ઉપસ્થિતિમાં એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રજાની બહોળી સંખ્યાની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ – ચોરાયેલ મોબાઈલ ફોનની ફરિયાદ ઉપરથી ‘CEIR’ પોર્ટલ તથા હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરી ‘CEIR’ પોર્ટલમાં સતત મોનિટરીંગકરી આવા ગુમ, ચોરાયેલા કુલ 19 મોબાઈલ ફોન જેની કુલ કિં. રૂા. 3,09,500ના શોધી રિકવર કરવામાં આવેલ અને મોબાઈલના માલીકોને ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમમાં પરત આપવામાં આવેલા છે તથા એક અરજદાર સાથે સોનાના બિસ્કિટ નંગ 2ની છેતરપિંડી થયેલી જેની કિં. રૂા. 12,35,000 અરજદારને પરત આપવામાં આવેલા છે તથા ચોરીમાં ગયેલા બે થ્રી-વ્હીલર ઓટો રીક્ષાને ડી સ્ટાફ દ્વારા શોધી કાઢી બે અરજદારને તેની થ્રી વ્હીલર ઓટો રીક્ષા જેની કિં. રૂા. 2,10,000ની ફરિયાદીને પરત આપવામાં આવેલા છે તથા ચોરીમાં ગયેલા અલગ અલગ કંપનીના કુલ 6 મોટર સાયકલને એ ડીવીઝન પો.સ્ટે. દ્વારા શોધી કાઢી કિં. રૂા. 2,03,000ની ફરિયાદીને પરત આપવામાં આવેલા છે
તેમજ છેલ્લા સાત માસ દરમિયાન સાયબર ફ્રોડ થયેલા હોય તેવી અલગ અલગ અરજીમાં ફ્રીઝ રહેલા અરજદારની કુલ 46 અરજીના અરજદારને કોર્ટ મારફતે રિફંડ પ્રોસેસ કરાવી કુલ રકમ રૂા. 16,14,012 અરજદારને તેઓના નાણા પરત અપાવેલા છે. આમ રાજકોટ શહેર પોલીસ દ્વારા ગુજરાત સરકારના કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ અન્વયે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું આયોજન કરી કુલ 72 લાભાર્થીઓને મોબાઈલ, વાહનો, કિંમતી સોનાના દાગીના તથા સાયબર ફ્રોડમાં ગયેલ રકમ મળી કુલ કિં. રૂા. 35,71,512નો મુદ્દામાલ પરત સોંપવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. પોલીસ ઈન્સ્પેકટર આર. જી. બારોટ તથા એ.એસ.આઈ. એમ. વી. લુવા, બી. વી. ગોહિલ તથા પો.હે.કો. અજયભાઈ બસીયા, કલ્પેશભાઈ બોરીચા, જયેન્દ્રસિંહ ઝાલા તથા પો.કો. ભગીરથસિંહ ઝાલા, ધારાભાઈ ગઢવી, રમેશભાઈ માલકીયા, ધવલકુમાર જીલડીયા, સંજયભાઈ જાદવ, અમીતકુમાર ટુંડીયા તથા મનીષભાઈ ફાંગલીયા દ્વારા આ કામગીરી હાથ ધરાઈ હતી.