વૅક્સિનેશન કૌભાંડમાં રોજે-રોજ થઈ રહ્યાં છે નવા ધડાકા

અનેક રસી લેનારા લોકોનાં જે બે નંબર દર્શાવાયા છે તે આરોગ્ય વિભાગનાં સીઓજી નંબર છે!

રસીકાંડ પાછળ વૅક્સિનેશનનો ટાર્ગેટ પૂર્ણ કરવો જવાબદાર? કે અન્ય કોઈ કારણ?

ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના રસીકાંડથી સમગ્ર આરોગ્ય તંત્રની કામગીરી અનેક શંકા-સવાલોના ઘેરામાં આવી ગઈ છે. જૂનાગઢ રસીકાંડના ઘેરા પડઘા પડવાના રાજ્યભરમાં શરૂ થઈ ચૂક્યા છે પણ જાણે જૂનાગઢ કલેક્ટર માટે હજુ પણ આ રસીકાંડ કોઈ મોટી ઘટના ન હોય તેવો ઘાટ જોવા મળ્યો છે. રસીકાંડ મામલે સ્થાનિક સ્તરે તપાસ સમિતિ રચી કડક કાર્યવાહી કરવાની લૂલી વાતો થઈ રહી છે.
એક તરફ ફિલ્મી અભિનેત્રીઓ જયા બચ્ચન, મહિમા ચૌધરી અને જુહી ચાવલા સહિતની ફિલ્મી અભિનેત્રીઓ અને ક્રિકેટર મહમદ કૈફના નામે કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટ ઈસ્યુ કરવામાં આવ્યા છે તો બીજી તરફ વિસાવદર તાલુકામાંથી જે વેક્સિનેશન કરવામાં આવ્યું તેમાં અનેક લોકોના નામ પછી તેના મોબાઈલ તરીકે જે બે નંબર દર્શાવવામાં આવ્યા છે તે બંને નંબર આરોગ્ય વિભાગના સીઓજી નંબર છે તેનો મતલબ કે આ નંબર ખોટા લખવામાં આવ્યા છે અથવા તો બોગસ વ્યક્તિઓના નંબર અલગ અલગ ક્યાંથી કાઢવા એવું વિચારીને સરકારી મોબાઈલ નંબરને લખી નાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને ભેંસાણ તાલુકામાં ત્રણ ગામના આરોગ્ય કેન્દ્ર જેમાં મોટી મોણપરી – મેંદપરા અને પ્રેમપરાનો સમાવેશ થાય છે જ્યાં આવી રીતે બોગસ રસીકરણ સર્ટિફિકેટ ઈશ્યુ કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. બોગસ રસીકરણ સર્ટિફિકેટ ઈશ્યુ થયા છે તો તેમાં દર્શાવવામાં આવેલા બેચ નંબરની રસીના જથ્થાનું શું થયું? તેનો નાશ ક્યાં કર્યો તે અંગે તટસ્થ તપાસ થવી જોઈએ. રસીકાંડ પાછળ વેક્સિનેશનનો ટાર્ગેટ પૂરો કરવાનો હેતુ હતો કે અન્ય કોઈ કૌભાંડ છે તેની તપાસ કલેક્ટર તંત્ર દ્વારા નહીં રાજ્ય સરકારે કરવી હિતાવહ છે.

કલેક્ટર તંત્ર નહીં, રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરની એજન્સીએ તપાસ કરવી જોઈએ
જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા રસીકાંડ મામલે પાંચ સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે પરંતુ આ તપાસ સ્થાનિક નહીં, રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે તપાસ એજન્સી દ્વારા થવી જોઈએ. જેથી બોગસ રસીકાંડમાં સંડોવાયેલા નીચલાથી ઉપલા સ્તરના તમામ જવાબદાર અધિકારીઓ પર પગલાં લઈ શકાય. સ્થાનિક સ્તરે કલેક્ટર તંત્ર દ્વારા રસીકાંડની શરૂ કરવામાં આવેલી તપાસમાં ભીનું સંકેલાય જવાની શક્યતા છે. કલેક્ટર તંત્ર દ્વારા રસીકાંડને હળવાશથી લેવામાં આવી રહ્યું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

અસંખ્ય રસી લેનારાના મોબાઈલ નંબર તરીકે આરોગ્ય વિભાગના જ નંબર!
જૂનાગઢના વિસાવદર અને ભેંસાણ તાલુકામાં રસી લેનાર સેંકડો લોકોના મોબાઇલ નંબર તરીકે સરકારી નંબરો લખી દેવાયા હતા. એક નંબર 7567885703 છે જે હોસ્પિટલમાં આપવામાં આવેલો સીયુજી નંબર છે. બીજો નંબર 7573037705 છે એ પણ આરોગ્ય વિભાગનો સીયુજી નંબર છે મતલબ કે આ બન્ને નંબરનો ઉપયોગ કરતા કર્મચારીઓ પાસે આ પ્રકરણની વિગત હોવી જોઈએ.